Thu Jul 23 2026

Logo

મુંબઈ-કોંકણ રો-રો બોટ સેવા શરૂ થતા જ બંધ: કારણ પણ જાણી લો

2026-05-19 14:38:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈથી કોંકણ સુધી મુસાફરી માટે રો-રો સેવા એક વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવી હતી, અને આ માટે મુંબઈથી વિજદુર્ગ સુધીની રો-રો સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, આ સેવામાં થોડા જ દિવસોમાં સમસ્યાઓ આવી હતી. મુસાફરોની ઓછી સંખ્યા, વધુ ઇંધણ ખર્ચ અને વધતા નાણાકીય નુકસાનને કારણે સરકાર માટે આ સેવા ચલાવવી મુશ્કેલ બની ગયું હતું અને નાણાકીય પડકાર ઊભો થયો હતો, તેથી આ સેવા બંધ કરવામાં આવી છે.

આ સેવા 1 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ 1 માર્ચથી 19 માર્ચ વચ્ચેની 12 ટ્રીપમાં ફક્ત 894 મુસાફરો અને 154 વાહનોએ તેનો ઉપયોગ કર્યો હતો. જોકે, ક્ષમતા ફેરીદીઠ 620 મુસાફરોની છે, જેના કારણે આ સંખ્યા ખૂબ ઓછી માનવામાં આવે છે.

રો-રો સેવાનો ઊંચો ઇંધણ ખર્ચ અને બીજી તરફ, ટિકિટના ભાવ પણ સામાન્ય મુસાફરોની પહોંચની બહાર હતા. મુસાફરોના અભિપ્રાય મુજબ 3,000 રૂપિયાથી શરૂ થતી ઇકોનોમી ટિકિટની કિંમતો કરતા રેલવે અને ખાનગી બસો સસ્તા અને વધુ અનુકૂળ વિકલ્પો છે.

દરમિયાન, ટેકનિકલ ખામીઓને કારણે આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે, પરંતુ આ પ્રોજેક્ટની કાર્યક્ષમતા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. લોકોના પૈસે ચલાવવામાં આવતી, આ રો-રો સેવાનું નાણાકીય ઓડિટ અને ઇંધણ ખર્ચનો ખુલાસો જેવી ઘણી માંગણીઓ હવે વેગ પકડી રહી છે.