Tue May 19 2026

Logo

દીકરાની અભિલાષામાં પતિએ ક્રૂરતાની હદ વટાવી: પત્નીના ગુપ્તાંગ પર ઍસિડ રેડ્યું

2026-05-19 10:48:00
Author: Yogesh C Patel
Article Image

પુણે: પુત્રપ્રાપ્તિની ઇચ્છામાં પતિએ અત્યંત ક્રૂરતા આચરી પત્નીના ગુપ્તાંગ પર ઍસિડ રેડ્યું હોવાની માણસાઈને લજવતી ઘટના પુણેમાં બની હતી. પીડાથી કણસતી પત્નીને ડૉક્ટર પાસે લઈ જવાનો ઇનકાર કરી આરોપીએ મારપીટ કરીને 15 દિવસ ઘરમાં જ પૂરી રાખી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

પુણેના ઉરુળીકાંચન વિસ્તારમાં રહેતી 24 વર્ષની પત્નીએ આ મામલે પતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે ઉરુળીકાંચન પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર મહિલા ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે કામ કરતા પતિ અને બે દીકરી સાથે રહેતી હતી. પતિને દીકરાની અભિલાષા હતી, પરંતુ પત્નીને બન્ને વાર દીકરી જ જન્મી હતી. પરિણામે પતિ હતાશ થઈ ગયો હતો. દારૂના નશામાં તે પત્ની સાથે ઝઘડો કરી મારપીટ કરતો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે 20 એપ્રિલની સાંજે પતિ દારૂના નશામાં ઘરે આવ્યો ત્યારે પત્ની ઘરનાં કામોમાં વ્યસ્ત હતી. એકાએક પતિએ તું કામે જાય છે અને તારા અનૈતિક સંબંધ છે, એવો આરોપ કરી પત્નીની મારપીટ કરી હતી. પછી વાળથી ખેંચીને લાતેથી માર્યા પછી તેનો ગાઉન ફાડી નાખ્યો હતો. તેં બન્ને વખત બાળકીને જન્મ આપ્યો... પુત્રજન્મ કેમ થતો નથી, એવું કહીને પતિએ ગુપ્તાંગ બાળી નાખવાની ધમકી આપી હતી.

મારપીટને કારણે પત્ની જમીનસરસી હતી ત્યારે આરોપી પતિ માળિયા પરથી ઍસિડની બૉટલ લઈ આવ્યો હતો. પત્નીના ગુપ્તાંગ પર ઍસિડ રેડતાં તે પીડાથી કણસી ઊઠી હતી. પત્નીએ ઘરની બહાર દોડી જવાનો પ્રયાસ કર્યો તો પતિએ દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ઘટના અંગે કોઈને જાણ કરી તો જાનથી મારવાની ધમકી આપી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે પત્નીએ તેને દવાખાને લઈ જવાની આજીજી કરી હતી, પરંતુ બેરહેમ પતિએ રૂપિયા ન હોવાનું કારણ બતાવી ડૉક્ટર પાસે લઈ જવાનો ઇનકાર કર્યો હતો. છેક 15 દિવસ સુધી પત્ની પતિનો અત્યાચાર સહેતી રહી.

આખરે નવી મેના પતિ કામે ગયો ત્યારે પત્ની બન્ને દીકરીને લઈ પિયર ગઈ હતી અને માતાને આપવીતી જણાવી હતી. બાદમાં આ મામલે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પુણેની સસૂન હૉસ્પિટલમાં મહિલાની તબીબી ચકાસણી પછી પોલીસે 15 મેના રોજ ગુનો નોંધ્યો હતો.