ભરત ભારદ્વાજ
સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના નામે ભાજપને ફાયદો કરાવવા કરોડો મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નખાયાં હોવાના વિવાદમાં ચોતરફથી ઘેરાયેલા ચીફ ઈલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશકુમારને સુપ્રીમ કોર્ટમાંથી થોડી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માગણી કરતી અરજી થયેલી પણ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા હોવાથી તેના હોદ્દેદારોને દૂર કરવાનો નિર્ણય સંસદ જ લઈ શકે, સુપ્રીમ કોર્ટ નહીં. સુપ્રીમ કોર્ટ પાસે ચીફ ઈલેક્શન કમિશનર સહિત કોઈ પણ કમિશનરને દૂર કરવાની કોઈ સત્તા નથી તેથી સુપ્રીમ કોર્ટે હાથ ખંખેરી નાખ્યા છે.
સુપ્રીમ કોર્ટે બંધારણીય જોગવાઈને અનુસરીને જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે પણ નોટિસ ફટકારીને તેમની સામે થઈ રહેલા આક્ષેપો અંગે જવાબ ચોક્કસ માગ્યો છે એ જોતાં જ્ઞાનેશકુમારને રાહત ભલે મળી પણ મુશ્કેલીઓ દૂર થઈ નથી. સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીઓને જોતાં જ્ઞાનેશકુમારે મનમાની ચલાવીને લીધેલા નિર્ણયો રદ થઈ શકે છે. તેના કારણે જ્ઞાનેશકુમારને ચૂંટણી પંચમાંથી દૂર ના કરાય પણ આબરુનો ફજેતો તો થઈ જ જાય.
જ્ઞાનેશકુમાર પર બંધારણને વફાદાર નહીં પણ ભાજપના દલાલ હોવાનો ઠપ્પો પણ લાગી જાય તેથી જ્ઞાનેશકુમાર માટે હજુ પ્રકરણ પૂરું થયું નથી જ્ઞાનેશકુમાર સામેની અરજીઓ એક ટોચના અંગ્રેજી અખબારના રિપોર્ટને આધારે કરાઈ છે. આ રીપોર્ટમાં ધડાકો કરાયેલો કે, જ્ઞાનેશકુમારે સાવ મનમાની ચલાવીને એસઆઈઆરને લગતા 14 નિર્ણયો અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના લીધા હતા. તેના આધારે પટનાના રાકેશકુમાર સિંહે અરજી કરીને પંચના મૂળ રેકોર્ડની તપાસ કરાવવાની માંગ કરી છે.
આ રેકોર્ડની તપાસમાં જ્ઞાનેશકુમારે મનમાની કરીને નિર્ણય લીધા હોય તો તેમની સામે શું પગલાં લેવાં એ સુપ્રીમ કોર્ટ નક્કી કરે પણ તપાસ દરમિયાન જ્ઞાનેશકુમાર હોદ્દાનો દુરુપયોગ કરીને ગરબડ ના કરે એ માટે જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરીને સત્તાઓ છિનવી લેવાની માગ કરાયેલી. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે કેમ કે આ મુદ્દો તેના અધિકારક્ષેત્રની બહારનો છે.
બીજી અરજી એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ કરી છે. ત્રિપાઠીની માગ છે કે, જ્ઞાનેશકુમારે એકતરફી રીતે લીધેલા 14 નિર્ણયો રદ કરવામાં આવે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્વતંત્ર ન્યાયિક તપાસ પંચ કે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)બનાવવાની માગ પણ કરાઈ છે. સાયબર સુરક્ષા અને આઈટી નિષ્ણાતોની બનેલી ટીમ કે પંચ ઈસીઆઈનેટ (ECINet) અને ઈરોનેટ (ERONet) ના ડેટાબેઝનું ફોરેન્સિક ઑડિટ કરે એવી માંગ કરવામાં આવી છે.
આ સિવાય એસઆઈઆર દરમિયાન 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13 કરોડ નામ કેમ હટાવવામાં આવ્યા તેની તપાસની પણ માંગ કરવામાં આવી છે. જ્ઞાનેશકુમાર સિવાય સિનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગ, ડાયરેક્ટર જનરલ (IT) સીમા ખન્ના અને જવાબદાર ઠરનારા અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આ તમામ સામે કેસ નોંધવાની માગ પણ કરાઈ છે અને એ સંદર્ભમાં જ સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે નોટિસ ભલે ફટકારી પણ તેનાથી કોઈ હેતુ સરવાનો નથી કેમ કે જ્ઞાનેશ કુમાર કે બીજા કોઈ પણ અધિકારી સામે કેન્દ્ર સરકાર જ પગલાં લઈ શકે ને કેન્દ્ર સરકાર તો જ્ઞાનેશ કુમાર સહિતના અધિકારીઓનો બચાવ કરી રહી છે. ભાજપે સત્તાવાર રીતે જ્ઞાનેશકુમાર સામેના આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે, સંધુ અને જોશીના વાંધામાં કોઈ ગેરરીતિ થઈ હોવાનો ઉલ્લેખ કે પુરાવો નથી. ભાજપે તો જ્ઞાન પિરસ્યું છે કે, આ પ્રકારના મતભેદો હોવા એ તો ચૂંટણી પંચમાં લોકશાહી હોવાનો પુરાવો છે તેથી પગલાં લેવાનો સવાલ જ નથી.
સુપ્રીમ કોર્ટનું વલણ પણ ભાજપ જેવું જ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.મોહનાની બેન્ચે એવું ચોક્કસ કહ્યું છે કે ચૂંટણી પંચના નિર્ણયો સર્વસંમતિ વિના લેવાયા હોય તો તેના પર રોક મૂકવી જોઈએ પણ અખબારી અહેવાલને સાચો માનવાનો પણ ઈન્કાર કરી દીધો છે.
ખુદ ચીફ જસ્ટિસે કહ્યું છે કે, ચૂંટણી પંચને લઈને અખબારનો અહેવાલ 100 ટકા સાચો હોવાની ગેરંટી નથી. આ અહેવાલ આંશિક રીતે સાચો અથવા સંપૂર્ણપણે ખોટો હોઈ શકે છે તેથી માત્ર આ અહેવાલના આધારે કોર્ટ કોઈ આદેશ આપી શકે નહીં. આપણે ત્યાં અખબારી અહેવાલને આધારે સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટે તપાસના આદેશ આપ્યાના સંખ્યાબંધ દાખલા છે પણ આ કેસમાં સુપ્રીમ કોર્ટ વાતને ટાળી રહી છે.
સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે હાથ ખંખેરી દીધા પછી હવે કાનૂની રીતે જ્ઞાનેશ કુમાર કે બીજા કોઈ અધિકારી સામે કોઈ કાર્યવાહી કરી શકાય તેમ નથી. મોદી સરકારે બનાવેલા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ની કલમ 16 હેઠળ જ્ઞાનેશ કુમાર સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરી શકાય તેમ નથી.
આ જોગવાઈ પ્રમાણે, મુખ્ય ચૂંટણી કમિશનર કે કમિશનર સત્તાવાર ફરજો બજાવતી વખતે કોઈપણ કાર્ય કરે કે નિર્ણય લે એ માટે તેમની વિદ્ધ કોઈ દીવાની અથવા ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય નહીં. આ જોગવાઈના કારણે સુપ્રીમ કોર્ટ પણ કેસની મંજૂરી ના આપી શકે ને ભાજપ સરકાર તો એવું કરવાની નથી.
જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગ લાવવાનો વિકલ્પ પણ છે પણ વિપક્ષ પાસે બહુમતી નથી. બંધારણની કલમ 324 (5) મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર મહાભિયોગ હેઠળ જ હટાવી શકાય છે. મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં 100 અને રાજ્યસભામાં 50 સાંસદોના સમર્થનની જરૂર પડે જ્યારે પસાર કરવા માટે બે તૃતિયાંશ બહુમતી જોઈએ.
લોકસભામાં સ્પીકર અને રાજ્યસભામાં ચેરપર્સન પાસે મહાભિયોગની દરખાસ્ત એટલે કે ઇમ્પિચમેન્ટ મોશનને સ્વીકારવી કે નહીં એ નક્કી કરવાની સત્તા છે. પહેલાં તો બંને જણ ઇમ્પિચમેન્ટ મોશનને સ્વીકારે જ નહીં પણ માનો કે બંનેના રૂદિયામાં રામ વસેને ઇમ્પિચમેન્ટ મોશન દાખલ થાય તો પણ પસાર ના થાય કેમ કે લોકસભામાં 362 સાંસદ અને રાજ્યસભામાં 164 સાંસદનું સમર્થન હોવું જોઈએ. વિપક્ષ પાસે સંસદમાં અત્યારે આટલા સભ્યો નથી તેથી જ્ઞાનેશકુમારને ના હટાવી શકાય.
આ સંજોગોમાં છેલ્લો રસ્તો જનઆંદોલનનો છે. નીટ પેપર લીક કેસમાં ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા માટે જેન-ઝીએ પ્રચંડ આંદોલન કરીને સરકારને ફરજ પાડી એવી ફરજ પડાય તો જ્ઞાનેશકુમાર જાય, બાકી 2029ના જાન્યુઆરીમાં મુદત પતે ત્યાં લગી જામેલા રહેવાના.