અમિત ત્રિવેદી
થોડાં વર્ષ પહેલાં મેં બે મિત્રોની સાઈકલ સવારી વિશે એક મસ્ત જોક સાંભળ્યો હતો. આગળની સીટ પર બેઠેલો મિત્ર રામ હેન્ડલ સંભાળી રહ્યો હતો અને પાછળની સીટ વાળો શ્યામ પેડલ મારી રહ્યો હતો. શહેરના ટ્રાફિક વચ્ચે પણ સાઈકલ એકદમ સ્મૂધ-બરાબર ચાલી રહી હતી અને બંને વચ્ચેનું કોઓર્ડિનેશન પણ જોરદાર હતું.
આગળ જતા રસ્તામાં એક ચઢાણ આવ્યું. બે લોકોના વજન સાથે સાઈકલ માટે એ ચઢાણ થોડું અઘરું હતું. શ્યામે તો જીવ લગાવીને પેડલ મારવાનું શરૂ કર્યું. એના શ્વાસ ફૂલી ગયા. માંડ માંડ ટોચ પર પહોંચ્યા ત્યારે એ સાવ થાકીને લોથપોથ થઈ ગયો હતો. થાક ખાતા ખાતા એણે કહ્યું, `ભાઈ, મારી જિંદગીમાં મેં આટલું અઘરું અને ભારે ચઢાણ ક્યારેય નથી જોયું!'
રામે તરત જ જવાબ આપ્યો : `તું વિચાર તો કર, જો મેં તને મદદ ન કરી હોત તો તારું શું થાત?' શ્યામને નવાઈ લાગી કે રામે વળી શું મદદ કરી! રામે કહ્યું : `અરે દોસ્ત, ચઢાણ એવું ઊંચુ હતું કે જો મેં બ્રેક એકદમ મજબૂતીથી પકડી ન રાખી હોત તો આપણે તો પાછળ ગબડી ગયા હોત!'
બસ, રોકાણકારો જ્યારે પોતાના અનુભવો શેર કરે છે ત્યારે આવું જ કંઈક જોવા મળે છે. પોતાના ફાઈનાન્શિયલ ગોલ્સ કે આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધતી વખતે તેઓ મહેનત તો ખૂબ કરે છે, પણ એમને ખબર જ નથી હોતી કે પાછળથી કેટલીક બ્રેક્સ લાગી રહી છે. આપણા ઉદાહરણમાં તો મિત્રોએ ચઢાણ પર થોડું જ અંતર કાપવાનું હતું. પણ જરા વિચારો કે કોઈએ બ્રેક મારેલી રાખીને માઉન્ટ એવરેસ્ટ ચઢવો પડે તો શું થાય?
ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં આ સફર કોઈ નાની નથી, પણ આખી જિંદગી સાઈકલ લઈને ચઢાણ ચઢવા જેવી છે. અર્થશાસ્ત્ર અને રોકાણની ભાષામાં આ ચઢાણને `ફુગાવો (ઈન્ફ્લેશન)' કહે છે. આ એ છે જેનાથી ચીજવસ્તુઓના ભાવ સતત વધતા રહે છે. આપણા રોકાણમાંથી મળતી આવક આ મોંઘવારીના વધારા સાથે કદમ મિલાવી શકે તેવી હોવી જોઈએ. એટલા માટે જ આપણે આ આજીવન ચઢાણનું ઉદાહરણ લીધું.
હવે ચાલો, આપણે એવી જ કેટલીક અન્ય બ્રેક્સને સમજીએ. મુખ્યત્વે ત્રણ પ્રકારની બ્રેક હોય છે: ખર્ચ
(કોસ્ટ), ટૅક્સ અને અતિશય સાવચેતી.
જો રોકાણ કરવાનો ખર્ચ વધારે હોય તો તમારું રિટર્ન ઘટી જાય છે. એવી જ રીતે ટૅક્સ પણ તમારા પ્રોફિટનો મોટો ભાગ ખાઈ જાય છે. આ બંને વસ્તુ સાઈકલની સ્પીડ ઘટાડે છે, જેથી ઉપર ચઢવા માટે તમારે વધુ તાકાત લગાવવી પડે છે.
આ બે બ્રેક્સ તો સરળતાથી સમજાઈ જાય તેવી છે, પણ ત્રીજી બ્રેક અતિશય સાવચેતી રાખવી એના તરફ રોકાણકારોનું ધ્યાન સામાન્ય રીતે જતું નથી. આ અદલોદ્લ આપણા બે મિત્ર જેવું છે. શ્યામને ખબર જ નહોતી કે રામે બ્રેક દબાવી રાખી છે, જેના લીધે એણે બમણી મહેનત કરવી પડી રહી હતી. સામાન્ય રીતે ભારતીયો શૅરમાં (ઇક્વિટીમાં) રોકાણ કરવાનું રિસ્ક લેવાથી બચે છે. આ બાબત રિસ્ક અને રિટર્નના ગણિત કરતાં પણ, ફાઇનાન્સની ઓછી સમજ અને નબળા પ્લાનિંગને કારણે વધુ છે. મોટાભાગના લોકોને ઇક્વિટીની કે અન્ય રોકાણના વિકલ્પોના રિસ્કની સાચી ખબર હોતી નથી. ઇક્વિટી થોડું રિસ્કી ચોક્કસ છે, પણ એ લાંબા ગાળે ફુગાવાને પછાડવાની તાકાત ધરાવે છે.
જોકે, મોટાભાગના લોકો શોર્ટ- ટર્મમાં થતા ભાવના ઉતાર-ચઢાવ જોઈને એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ ચક્કરમાં તેઓ લાંબા ગાળે વેલ્થ ક્રિએટ કરવાનો મોકો ગુમાવી દે છે. ઘણાં રિસર્ચ બતાવે છે કે તમામ એસેટ ક્લાસમાં ઇક્વિટી જ એક એવો વિકલ્પ છે જે ટૅક્સ પછી પણ મોંઘવારી કરતાં વધુ રિટર્ન આપી શકે છે. સમય જતાં સંપત્તિ બનાવવાનો એકમાત્ર રસ્તો મોંઘવારીને માત આપવાનો છે. એટલે જ રિસ્કને સમજો, અને જાણતા-અજાણતા તમે જે બ્રેક્સ લગાવી રહ્યા છો તેને ઓળખી લો...