Tue Jan 27 2026

Logo

White Logo

બાંગ્લાદેશની બબાલમાં સ્કૉટલૅન્ડ ફાવી રહ્યું છેઃ જાણીએ આ યુરોપિયન દેશની ક્રિકેટ વિશે...

5 days ago
Author: Ajay Motiwala
Video

દુબઈ/એડિનબર્ગઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) અને બાંગ્લાદેશ સરકારે પોતાના ક્રિકેટરોને અસલામતીના ભયને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપ માટે ભારત નહીં મોકલવાનું નક્કી જ કરી લીધું છે અને બીજી રીતે કહીએ તો એણે વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો છે એ જોતાં સ્કૉટલૅન્ડ (Scotland)ની ટીમને આ વિશ્વ કપમાં રમવાનું આમંત્રણ અપાશે. આઇસીસી હવે બાંગ્લાદેશની વધુ એક વિનંતી નહીં જ માને એવું માનીને ચાલીએ તો સ્કૉટલૅન્ડના ક્રિકેટરો આજકાલમાં પ્રૅક્ટિસ શરૂ કરી દેશે તો પણ નવાઈ નહીં લાગે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. દરરોજ ઓછામાં ઓછા એક હિન્દુ નાગરિકની હત્યા કરવામાં આવે છે. આ ગંભીર પરિસ્થિતિમાં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહમાનની આઇપીએલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી એના પ્રત્યાઘાતમાં બાંગ્લાદેશ પોતાના ખેલાડીઓને સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા વર્લ્ડ કપ માટે ભારત ન મોકલવા મક્કમ છે.

બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડ જ કેમ?

બાંગ્લાદેશ (Bangladesh) થોડા દિવસથી આઇસીસી સાથે નકામું બાથ ભીડી રહ્યું છે એનો સીધો ફાયદો યુરોપના દેશ સ્કૉટલૅન્ડને થયો છે. જે દેશો ટી-20ના રૅન્કિંગ મુજબ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય નથી થઈ શક્યા એ તમામ દેશોમાં સ્કૉટલૅન્ડ મોખરે છે એટલે એનો નંબર લાગી ગયો. બીજું, આઇસીસી (icc)ની નીતિ મુજબ જો કોઈ મોટો ક્રિકેટ-દેશ ક્વૉલિફાય થવા છતાં ટૂર્નામેન્ટમાંથી નીકળી જાય તો ક્રિકેટની દૃષ્ટિએ બીજા મજબૂત દેશને જ એન્ટ્રી કરવા મળે. યુરોપમાંથી આ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયેલા દેશોમાં સ્કૉટલૅન્ડ જરાક માટે ક્વૉલિફિકેશન રહી ગયું હતું. સ્કૉટલૅન્ડની ક્રિકેટ ટીમ થોડા વર્ષોથી બહુ સારું રમે છે. પોતાનાથી ચડિયાતી રૅન્કના દેશોને આ ટીમ હરાવી ચૂકી છે.

અગાઉ પણ સ્કૉટલૅન્ડ ફાવી ગયું હતું!

અગાઉના એક ટી-20 વર્લ્ડ કપમાંથી ઝિમ્બાબ્વેની બાદબાકી થતાં સ્કૉટલૅન્ડને રમવાનો મોકો મળ્યો હતો. આ વખતે એનો નંબર બાંગ્લાદેશના સ્થાને લાગી રહ્યો છે. સ્કૉટલૅન્ડ ભૂતકાળમાં ઘણી વખત વન-ડે અને ટી-20 વર્લ્ડ કપમાં રમી ચૂક્યું છે.

સ્કૉટલૅન્ડમાં પ્રથમ ક્રિકેટ મૅચ 1785માં રમાઈ!

સ્કૉટલૅન્ડનું નામ આઇસીસીના અસૉસિયેટ દેશોમાં છે અને મોટા ક્રિકેટ-રાષ્ટ્રોમાં એનું સ્થાન પણ નથી, પરંતુ રસપ્રદ બાબત એ છે કે સ્કૉટલૅન્ડમાં પ્રથમ ક્રિકેટ 1785ની સાલમાં ઍલોઆ શહેરમાં રમાઈ હતી. જોકે સ્કૉટલૅન્ડમાં પહેલી વાર પૂર્ણ ક્રિકેટ મૅચ રમાઈ હોય એવું 1865માં બન્યું હતું. એ મૅચ ઇંગ્લૅન્ડની સરે કાઉન્ટીની ટીમ સામે રમાઈ હતી જેમાં સ્કૉટલૅન્ડની ટીમનો 172 રનથી વિજય થયો હતો. 19મી સદીમાં સ્કૉટિશ ટીમે એક વાર ઑસ્ટ્રેલિયાની ટીમને હરાવી હતી.

વન-ડે અને ટી-20માં કેવો રેકૉર્ડ છે?

સ્કૉટલૅન્ડ નાના-મોટા દેશો સામે કુલ 175 વન-ડે રમ્યું છે જેમાંથી 81 મૅચ જીત્યું છે, 84 મૅચ હાર્યું છે અને એક મૅચ ટાઇ થઈ છે. સ્કૉટલૅન્ડ 109માંથી 49 ટી-20માં જીત્યું છે, પંચાવનમાં હાર્યું છે અને એક મૅચ ટાઇ થઈ છે.