Tue Jan 27 2026

Logo

White Logo

રાજકોટમાં એક દિવસમાં પડી 23 વિકેટ, 21 બૅટ્સમેન સ્પિનર્સની જાળમાં ફસાયા

5 days ago
Author: Ajay Motiwala
Video

રાજકોટઃ અહીં સૌરાષ્ટ્ર અને પંજાબ વચ્ચેની ચાર દિવસની રણજી ટ્રોફી (Ranji Trophy) મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં ગુરુવારના પ્રથમ દિવસે કુલ 23 વિકેટ પડી હતી જેમાંથી 21 બૅટ્સમેન સ્પિનર્સના શિકાર થયા હતા. આ મૅચમાં એક જ દિવસમાં એક આખી ઇનિંગ્સ પૂરી થઈ ગઈ અને બીજા દાવમાં છ ઓવર બોલિંગ થઈ જેમાં ત્રણ વિકેટ પડી ચૂકી હતી.

સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટે બૅટિંગ પસંદ કર્યા બાદ તેની ટીમ જય ગોહિલ (82 રન, 117 બૉલ, બે સિક્સર, નવ ફોર)ની ઉપયોગી ઇનિંગ્સની મદદથી 172 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પંજાબના 30 વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર હરપ્રીત બ્રારે 38 રનમાં છ વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્ર (Saurashtra)ની 10 વિકેટ પડ્યા બાદ પંજાબ (Punjab) પ્રભસિમરન સિંહના 44 રનની મદદથી બનેલા 139 રનના ટોટલ પર આઉટ થઈ જતાં સૌરાષ્ટ્રને 33 રનની સરસાઈ મળી હતી. સૌરાષ્ટ્ર વતી લેફ્ટ-આર્મ સ્પિનર પાર્થ ભુતે કૅપ્ટન શુભમન ગિલ સહિત કુલ પાંચ વિકેટ 33 રનમાં મેળવી હતી. બીજા બે સ્પિનર રવીન્દ્ર જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ બે-બે વિકેટ લીધી હતી. એક સમયે જાડેજા ફીલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે કૂતરું તેની નજીક દોડી આવ્યું હતું.

સૌરાષ્ટ્ર અને પંજાબની 10-10 વિકેટ પડ્યા પછી સૌરાષ્ટ્રએ બીજા દાવમાં 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી જેમાંથી બે વિકેટ હરપ્રીત બ્રારે મેળવી હતી. ટૂંકમાં, સ્પિનર હરપ્રીત બ્રારે એક દિવસમાં આઠ વિકેટ લીધી હતી. રમતને અંતે સૌરાષ્ટ્રનો સરસાઈ સાથેનો સ્કોર 57 રન હતો અને એની સાત વિકેટ પડવાની બાકી હતી.

અન્ય મૅચોમાં શું બન્યું?

(1) હૈદરાબાદમાં મુંબઈએ હૈદરાબાદ સામે ચાર દિવસીય રણજી મૅચના પ્રથમ દિવસે કૅપ્ટન સિદ્ધેશ લાડના 104 રન અને સરફરાઝ ખાનના અણનમ 142 રનની મદદથી ચાર વિકેટે 332 રન કર્યા હતા. હૈદરાબાદના મોહમ્મદ સિરાજને 77 રનમાં ફક્ત એક વિકેટ મળી હતી.
(2) નડિયાદમાં ગુજરાતની ટીમ માત્ર 175 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં એકમાત્ર જયમીત પટેલ (57 રન)ની હાફ સેન્ચુરી સામેલ હતી. બીજો કોઈ બૅટ્સમૅન 30 રન પણ નહોતો બનાવી શક્યો. રેલવેના કૅપ્ટન ભાર્ગવ મેરાઈ અને ઝુબેર અલીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ત્યાર બાદ રેલવેએ 78 રનમાં બે વિકેટ ગુમાવી હતી.
(3) વડોદરામાં નાગાલૅન્ડને 206 રનમાં આઉટ કર્યા પછી બરોડાએ ઓપનર શિવાલિક શર્માના અણનમ 80 રન અને જ્યોત્સનીલ સિંહના પંચાવન રનની મદદથી એક વિકેટે 139 રન કર્યા હતા.