સંજય છેલ
અમિતાભ સાથે જોડી જબરી જામી, પણ...
‘મને લોકો સમજતા જ નથી. હું ખૂબ ડરી ગઈ છું.’
‘કોઈ મારી જાન પાછળ પડયા છે. મને મારી નાખવા માગે છે...’
‘એ ખૂબ સુંદર હતી, ખૂબ બુદ્ધિશાળી હતી, પરંતુ અત્યંત એકલી હતી.’
સૌરાષ્ટ્રના જૂનાગઢમાં બાબી રાજવંશની હવેલીમાં 1954માં જન્મેલી પરવીન બાબી બાળપણથી જ વિદ્રોહી હતી. રાજગૌરવ ને વૈભવમાં ઉછરેલી પરવીનમાં આત્મવિશ્વાસ ને આઝાદીની તડપ જન્મજાત હતી. જૂનાગઢમાં શાળા-કોલેજમાં નાનાં-મોટાં ગુજરાતી નાટકો પણ કર્યા. પછી ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવી.
કોલેજમાં એની સુંદરતા ને સેક્સ અપીલ, સિગરેટ પીવાની અદા વગેરેએ ત્યારના સંકુચિત શહેરમાં ચકચાર જગાવેલી. એ દરમિયાન ફિલ્મ નિર્દેશક બી. આર. ઇશારાની નજર પરવીન પર પડી ને ફિલ્મ ‘ચરિત્ર’માં જામનગરના હેંડસમ સ્ટારક્રિકેટર સલિમ દુરાની સામે હીરોઇન બનાવી. મુંબઈએ પરવીનને ઓળખ આપી ને સિનેમાએ સ્ટાર બનાવી. સિત્તેરના દાયકામાં બોલિવૂડમાં હીરોઈનની ઇમેજ એટલે ‘શરમાળ ને સંયમી કન્યા’, પણ પરવીન બાબીએ એ વ્યાખ્યા તોડી નાખી. એ બિકિનીમાં આવી, વેસ્ટર્ન વસ્ત્રોમાં આત્મવિશ્વાસ સાથે પડદા પર છવાઇ ગઇ. ભારતીય સિનેમામાં મોડર્ન ને આઝાદ ઔરતની નવી જ ઇમેજ ઊભી કરી.
એ પછી ‘દીવાર’, ‘નમક હલાલ’, ‘કાલિયા’, ‘અમર અકબર એન્થની’, ‘મહાન’ ફિલ્મોમાં પરવીન-અમિતાભની જોડી ખૂબ જામેલી. એની સ્ક્રીન પ્રેઝન્સ અને ગ્લેમરને લીધે ત્યારના યુવાનો માટે પરવીન પોસ્ટર ગર્લ બની, એક સ્વપ્નસુંદરી! ગોસિપ મેગેઝિન્સનાં કવર પેજ-ખાસ કરીને એ પહેલી બોલિવૂડ અભિનેત્રી હતી, જે વિખ્યાત ‘TIME’ મેગેઝિનના કવર પેજ પર ચમકી હતી! આવી પ્રસિદ્ધિ સાથે વિદેશી પ્રવાસો- ફાઈવ સ્ટાર હોટેલ્સની પાર્ટીઓ, શરાબ, ડ્રગ્ઝ વગેરે એની લાઇફ સ્ટાઇલ બની ગઇ, પરંતુ આ ચમકદમકની અંદર ધીમે ધીમે એનામાં એક અદૃશ્ય ડર જનમતો ગયો.
પરવીન અત્યંત સંવેદનશીલ સ્ત્રી હતી. જેને ચાહતી એને પૂરા મનથી પ્રેમ કરતી. ડેની ડેન્ઝોંગપા સાથે પરવીનનો બહુ લાંબો સંબંધ રહ્યો. ત્યારબાદ કબીર બેદી એના જીવનમાં આવ્યો. હેંડસમ કબીર તે સમયનો આંતરરાષ્ટ્રીય સ્ટાર હતો ને ‘સંદોકન’ નામની મિનિ ટીવી સિરીઝ પછી એ યુરોપમાં ખૂબ લોકપ્રિય હતો. કબીરની સાથે પરવીન ઈટાલી ગઈ, પણ ત્યાં કબીરને લોકો ઓળખતા હતા, પરવીનને નહીં.
સ્ટાર પરવીન એ અવહેલના ઝેલી ના શકી. રોમમાં ઇટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિજિડા તરફથી બેઉને ડિનરનું આમંત્રણ મળ્યું. જીનાએ કબીરનું ભવ્ય સ્વાગત કર્યું, પરંતુ પરવીન સાથે વાત પણ ના કરી. ડાન્સ દરમિયાન જીનાએ પરવીનને પૂછ્યું કે ‘તું અહીં શું કરી રહી છે?’ પરવીને જવાબ આપ્યો: ‘હું મારા પ્રેમી સાથે આવી છું કેમ?’
પરવીનને શાંત પાડતા કબીરે એને કહ્યું કે તે જીનાથી વધારે સુંદર છે એટલે જીના ઈર્ષા કરે છે. પરંતુ પરવીન આ અપમાન સહન કરી શકી નહીં અને બંને ડિનર પહેલાં જ પાર્ટી છોડીને નીકળી ગયા. આ ઘટનાએ પરવીનના મનની અસુરક્ષાને વધુ ને વધુ ઘેરી બનાવી દીધી. પછી ત્યારના ફ્લોપ ડિરેક્ટેર મહેશ ભટ્ટ, પરવીનના જીવનમાં આવ્યા. બંને લિવ-ઇન સંબંધમાં રહ્યા. એ સમયગાળામાં જ પરવીનની માનસિક સ્થિતિ ઝડપથી બગડવા લાગી.
1979ની એક સાંજે મહેશ જુહૂમાં પરવીનના ફ્લેટમાં ગયા. બહાર પરવીનની મા ઊભી હતી. તેમણે ભટ્ટને ધીમેથી કહ્યું: ‘પરવીનની હાલત સારી નથી.’ મહેશ ભટ્ટ, અંદર ગયા ત્યારે બેડરૂમમાં પરફ્યુમની તીવ્ર સુગંધ ફેલાઈ હતી. ડ્રેસિંગ ટેબલ પર અનેક પરફ્યુમની બોટલો લાઈનમાં ગોઠવેલી. પરવીન, દીવાલ ને પથારી વચ્ચેની સાંકડી જગ્યા પાસે ફિલ્મી કપડાઓ વચ્ચે બેઠી હતી. એના હાથમાં રસોડાનું ચાકુ હતું. એ ટોર્ચના પ્રકાશની સામે ડરી ગયેલ પ્રાણી જેવી લાગતી હતી.
જ્યારે મહેશ ભટ્ટે એને પૂછ્યું કે ‘તું શું કરી રહી છે,’ ત્યારે પરવીને તેમને ચુપ રહેવાનો ઈશારો કર્યો ને ધીમેકથી કહ્યું કે કોઈ એને મારી નાખવા માગે છે! એણે કહ્યું કે છત પરનું ઝૂમર એના પર પાડવામાં આવશે. પછી એણે ભટ્ટનો હાથ પકડી તેમને રૂમમાંથી બહાર ખેંચી કાઢ્યા.
આ ઘટના વિશે ભટ્ટે અનેક સાયકિયાટ્રિસ્ટ્સ સાથે ચર્ચા કરી, પરંતુ પરવીનની સ્થિતિ સુધરતી જ નહોતી. એ પોતાના જ ઘરમાં ગભરાઇને આમતેમ શંકામાં ફરતી રહેતી. ક્યારેક કહેતી કે એ.સી.માં ઝેરી જીવડો છે જે એને મારવા માગે છે. મહેશ ભટ્ટે એ.સી. ખોલાવી બતાવ્યું, છતાં પરવીનનો ભ્રમ દૂર જ થતો નહોતો. ક્યારેક તે કહેતી કે જીવડો પરફ્યુમમાં છે. ક્યારેક કહેતી કે પંખામાં છે.
નિષ્ફળ મહેશ ભટ્ટ એ વખતે પરવીનની મદદથી સંઘર્ષનાં દિવસો ગુજારતા. એકવાર અચાનક પરવીન ચીસ પાડવા લાગી કે કારમાં બોમ્બ છે. એણે ચાલતી કારમાંથી કૂદવાની પણ કોશિશ કરી. મહેશ ભટ્ટે, માંડ માંડ પરવીનને સંભાળી લીધી. રસ્તા પર લોકોને લાગ્યું કે એ બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, જ્યારે હકીકતમાં મહેશ ભટ્ટ એની જાન બચાવી રહ્યા હતા.
પરવીન ‘સ્કિઝોફ્રેનિયા’ નામની ગંભીર માનસિક બીમારીથી પીડાઈ રહી હતી. જેમાં દર્દીને સતત જાતજાતના ભ્રમ થાય. પરવીનને લાગતું કે અમિતાભ એને મારવા માગે છે. ઘણીવાર એ પ્રિન્સ ચાર્લ્સને પણ પોતાની જાનનો દુશ્મન ગણાવતી! આ ભય- ભ્રમણા ને શંકાને લીધે પરવીને પોતાની દુનિયાને એકલતામાં સંકોરી લીધી.
1984ની આસપાસમાં પરવીન અચાનક, ફિલ્મો છોડીને, ભારત છોડીને વિદેશ ભાગી ગઈ. અમેરિકા, લંડન ને સ્વિટ્ઝર્લેન્ડમાં ફરી. આધ્યાત્મિક શાંતિની શોધમાં ઓશોના આશ્રમમાં ગઈ ને પછી યુ. જી. કૃષ્ણમૂર્તિ પાસે રહી પણ ભયભીત મનને ક્યાંય શાંતિ મળી નહીં.
1989માં મુંબઈ પાછી આવી, પણ બોલિવૂડથી બિલ્કુલ દૂર રહી. જુહૂના ફ્લેટમાં સાવ એકલી એકાંતમાં જીવવા લાગી. દિવસો સુધી ઘરની બહાર નીકળતી નહીં, બારીઓ બંધ રાખતી. કોઈ કરતા કોઇને મળતી નહીં. મને બરોબર યાદ છે જુહૂ તારા રોડ પર હું કારમાં હતો ને પરવીન રિક્ષામાં...
એ ફૂલીને જાડી-સ્થૂળ થઈ ગયેલી. મેં એની સામે જોયું ને એ ગાળો ભાંડવા માંડી. મેં ડ્રાઇવરને કાર ભગાવવા કહ્યું. એની વિસ્ફારિત આંખો હું ક્યારેય નહીં ભૂલી શકું, કારણકે 1983માં હું ટીનએજર હતો ત્યારે મેં પરવીનને મારા ડ્રેસ ડિઝાઇનર આન્ટી સ્વ. લીના દરુના ઘરે જોયેલી. ત્યારે ‘રૂપ રૂપનો અંબાર’ શબ્દ મને પહેલીવાર સમજાયેલો!
આખરે જાન્યુઆરી 2005માં પરવીનના ઘરની બહાર અખબાર ને દૂધના પેકેટના ઢગલા જમા થવા લાગ્યા. ત્રણ દિવસ પછી ફ્લેટનો દરવાજો તોડવામાં આવ્યો. અંદર પરવીન બાબીની કાયા કોહવાયેલી મળી આવી. પોસ્ટમોર્ટમ મુજબ એ ડાયાબિટીસથી પીડાતી હતી, પગમાં ગેન્ગ્રીન થયેલું અને લાંબા સમયથી બરોબર જમી પણ નહોતી.
એક દૌરની સૌથી સેક્સી ને હસમુખ અભિનેત્રીના જીવન પર આમ 20 જાન્યુઆરીની 2005ને દિવસે (કે રાતે?) પૂર્ણ વિરામ મુકાઈ ગયું... 3 દિવસ પહેલાં જ એ શાપિત સૌંદર્યની 21મી પુણ્યતિથિ હતી...