Tue Jan 27 2026

Logo

White Logo

ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: ચોવીસ કલાકમાં પોલીસકર્મીના આપઘાતની ત્રીજી ઘટના

4 days ago
Author: Himanshu Chavada
Video

ગાંધીનગર: રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ અવારનવાસ સામે આવતી હોય છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં ગુજરાત પોલીસના 3 કર્મચારીઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે ભાવનગર અને ભરૂચથી પોલીસકર્મીઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. આજે ગાંધીનગર ખાતે વધુ એક પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

સેક્ટર 7ના હેડ કોન્સ્ટેબલે કર્યો આપઘાત

ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે શુક્રવારે પોતાના નિવાસ્થાને જીવન ટૂંકાવ્યું છે. પેથાપુરમાં આવેલા તેમના ઘરના ઉપરના માળેથી તેમનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં કોઈ પણ સુસાઈડ નોટ મળી ન હોવાથી પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુરુવારે બે કોન્સ્ટેબલે કર્યો આપઘાત

ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ૪ વર્ષથી ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ઓન ડ્યુટી આત્મહત્યા કરી છે. ભુતેશ્વર ગામ નજીક તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમના પિતાએ જણાવ્યું હતુ કે, દિગ્વિજયસિંહ ગોહિલ માનસિક બીમારીની દવા લઈ રહ્યા હતા, જે કદાચ આ પગલાંનું કારણ હોઈ શકે છે.

આપઘાતની બીજી ઘટના ભરૂચથી સામે આવી હતી. ભરૂચમાં ફરજ બજાવતી અને મૂળ ભાવનગરની ૨૭ વર્ષીય મહિલા પોલીસકર્મી પ્રીતિ પરમારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવાન વયની મહિલા પોલીસકર્મીના આપઘાત પાછળનું કારણ હજી અકબંધ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ વિભાગ સામે ઊઠ્યા સવાલ

ઉલ્લેખનીય છે કે, 24 કલાકમાં ત્રણ કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ વિભાગમાં જાગૃતિનો અભાવ છે કે શું? પોલીસ કર્મીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે કે શું? પોલીસ વિભાગમાં કૌટુંબિક કે માનસિક તણાવના ઉકેલ માટે કોઈ સિસ્ટમ છે કે કેમ? વગેરે જેવા સવાલો ઊભા થયા છે. પોલીસ કર્મીઓના આત્યંતિક પગલાંએ સુરક્ષા તંત્રમાં માનસિક તણાવ અને કામના ભારણના ગંભીર સવાલો ઊભા કર્યા છે.