ફેબ્રુઆરી મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે જો તમારે બેંકને લગતું કોઈ મહત્વનું કામકાજ હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ફેબ્રુઆરી 2026 માટેની બેંક રજાઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ મહિનામાં મહાશિવરાત્રી અને વસંત પંચમી જેવા મોટા તહેવારો આવતા હોવાથી દેશના અલગ-અલગ રાજ્યોમાં લાંબો સમય બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 28 દિવસના ફેબ્રુઆરી મહિનામાં 8થી 9 દિવસ તો બેંકોમાં કામકાજ બંધ રહેશે. જેમાં સાપ્તાહિક રવિવારની રજાઓ, બીજા અને ચોથા શનિવાર તેમજ વિવિધ રાજ્યોના સ્થાનિક તહેવારોનો સમાવેશ થાય છે. ચાલો નજર કરીએ કે ફેબ્રુઆરીમાં કયા કયા દિવસે બેંકોમાં રજા રહેશે.
મુખ્ય રજાઓ અને તારીખોની વિગત
⦁ પહેલી ફેબ્રુઆરીના રવિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
⦁ બીજી ફેબ્રુઆરીના સોમવારે વસંત પંચમીનો તહેવાર હોવાથી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
⦁ આઠમી ફેબ્રુઆરીના રવિવાર હોવાથી બેંક હોલીડે રહેશે
⦁ 14મી ફેબ્રુઆરીના રોજ મહિનાનો બીજો શનિવા' હોવાથી દેશની તમામ ખાનગી અને સરકારી બેંકોમાં કામકાજ થશે નહીં.
⦁ 15મી ફેબ્રુઆરીના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે અને આ જ દિવસે મહાશિવરાત્રિ પણ છે.
⦁ 19મી ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ છે, જેને કારણે મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
⦁ 22મી ફેબ્રુઆરીના રોજ રવિવાર હોવાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
⦁ 28મી ફેબ્રુઆરીના રોજ મહિનાનો ચોથો શનિવાર આવતો હોવાથી બેંકોમાં રજા રહેશે.
રજાઓ દરમિયાન ડિજિટલ બેંકિંગનો વિકલ્પ
બેંકોની ફિઝિકલ શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોને આર્થિક વ્યવહારમાં તકલીફ ન પડે તે માટે તમામ ડિજિટલ સુવિધાઓ 24 કલાક કાર્યરત રહેશે. કેશ ઉપાડવા કે ડિપોઝિટ કરવા માટે એટીએમ મશીનો હંમેશાની જેમ ચાલુ રહેશે. આ સિવાય તમે નેટ બેંકિંગ અને એપનો ઉપયોગ કરીને એનઈએફટી, આરટીજીએસ કે પછી આઈએમપીએસ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકશે. રોજબરોજના નાના મોટા ટ્રાન્ઝેક્શન માટે ગુગલ પે, ફોનપે અને પેટીએમ જેવી એપ દ્વારા પણ પેમેન્ટ કરી શકાશે.