Tue Jan 27 2026

Logo

White Logo

અમદાવાદમાં આ જીવલેણ બીમારીએ માર્યો ફૂંફાડો દર અઠવાડિયે 10ના મોતથી ફફડાટ

1 week ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરમાં ટ્યુબરક્યુલોસિસ (TB)ની ચિંતાજનક સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ યુવાનો અને શ્રમિક વર્ગના લોકો ભરડામાં આવ્યા છે.  વર્ષ 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે TBથી 523 મોતના આંકડા નોંધ્યા છે, જે સરેરાશ દર અઠવાડિયે 10 મૃત્યુ દર્શાવે છે. આ મૃત્યુના વિશ્લેષણ મુજબ, 59 ટકા દર્દીઓના મોત TBનું નિદાન થયાના માત્ર 30 દિવસની અંદર જ થયા છે. જે  રોગની તપાસ અને સારવારમાં વિલંબ થયો હતો અથવા રોગની શરૂઆત જ ખૂબ ગંભીર તબક્કે થઈ હોવાનું સૂચવે છે.

70 ટકા મૃતકો આ વયજૂથના

આંકડા મુજબ,  TB થી મૃત્યુ પામેલા લોકોમાં લગભગ 70 ટકા એટલે કે 366 વ્યક્તિઓ 15 થી 59 વર્ષની વયજૂથના હતા.નિષ્ણાતોના મતે, આ રોગનો ઊંચો દર મોડું નિદાન અને કુપોષણ તરફ ઈશારો કરે છે. લગભગ 47 ટકા મૃત્યુમાં કુપોષણ એક મુખ્ય પરિબળ તરીકે બહાર આવ્યું હતું. જેમાં મૃતકોનું વજન 40 કિલો કે તેથી ઓછું જોવા મળ્યું હતું. દર્દીઓમાં જોવા મળતી અન્ય સામાન્ય બીમારીઓમાં ડાયાબિટીસ, COPD (ફેફસાનો રોગ) અને એનિમિયાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત દારૂ અને તમાકુનું વ્યસન પણ જવાબદાર જોવા મળ્યું હતું.

પૂર્વ અમદાવાદમાં વધુ અસર

TB ના કેસોના હીટ મેપ મુજબ શહેરના પૂર્વ વિસ્તારોમાં રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. AMC ના ડેટા મુજબ, ભાઈપુરા, ફૈઝલનગર, નારોલ, અમરાઈવાડી અને રખિયાલ જેવા આરોગ્ય કેન્દ્રોમાં 200 કે તેથી વધુ કેસો નોંધાયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિગતોના આધારે એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. ટીમો દર્દીઓનું નિયમિત ફોલો-અપ લેશે, સરકારી યોજનાઓ વિશે જાગૃતિ લાવશે અને દર્દીઓ નિયમિત દવા લે તે સુનિશ્ચિત કરશે.

પરિવારને પણ લાગી શકે છે ચેપ

સૂત્રો મુજબ,  TBના ચેપની મોડી જાણકારી જોખમી સાબિત થાય છે. તેથી, નવા દર્દીઓની શોધ અને હાઈ-રિસ્ક દર્દીઓનું સમયસર મોનિટરિંગ કરવામાં આવે છે. દર્દીના પરિવારના સભ્યોને પણ ચેપ ન લાગે તે માટે સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને આર્થિક અને પોષણ સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

અન્ય બીમારીઓ લક્ષણોને છુપાવી શકે છે

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આ વર્ષની શરૂઆતમાં એક એવો કેસ આવ્યો હતો, જેમાં TB ના કોઈ 'સામાન્ય' લક્ષણો નહોતા. તાવ, વજનમાં ઘટાડો કે ભૂખ ન લાગવી જેવી કોઈ સમસ્યા નહોતી. દર્દીને માત્ર બેચેની લાગતી હતી. તપાસ બાદ TB હોવાનું નિદાન થયું હતું. આ દર્દીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હોવાથી અને તેની દવાઓ ચાલતી હોવાથી TB ના લક્ષણો સરળતાથી પકડાયા નહોતા. સૂત્રોએ જણાવ્યું કે, TB સામાન્ય રીતે ફેફસાં સાથે જોડાયેલું હોય છે, પરંતુ તે કરોડરજ્જુ, કિડની, હાડકાં અને મગજ જેવા શરીરના વિવિધ ભાગોમાં પણ થઈ શકે છે.