અમદાવાદ: શહેરની એક નહિ પણ સાત જેટલી શાળાઓને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદની DPS બોપલ, કેલોરેક્ષ ઘાટલોડિયા, સ્વયંમ સ્કૂલ સહિત 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાંની ઇમેઈલથી ધમકી મળી હતી. અહેવાલો છે કે ઇમેઈલમાં પીએમ મોદી અને અમિત શાહને ખાલિસ્તાન વિરોધી ગણાવીને બાળકોને બચાવી લેવ સલાહ આપવામાં આવી છે. સાથે જ ધમકી આપવામાં છે કે જો 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તો શાળાને ઉડાવી દેશું.
મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરની સાત જેટલી શાળાઓને આજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇમેઈલ મારફતે આપવામાં આવી છે. જેમાં શહેરની DPS બોપલ, કેલોરેક્ષ ઘાટલોડિયા, સ્વયંમ સ્કૂલ, સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચ સહિત અન્ય 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અહેવાલો છે કે ધમકીભર્યા મેલમાં મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇમેઈલમાં એવું પણ કહેવાયું છે કે જો 26મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું.
ઘટનાની જાણ થતાંની સાથે પોલીસ અને તંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ દ્વારા તમામ શાળાઓમાં બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ આદરી દેવામાં આવી છે. તે આ શાળાઓ સિવાય શહેરની અન્ય કોઈ શાળાને ધમકી મળી છે કે નહીં તે જાણવા માટે શાળાઓ દ્વારા ઇ-મેલ તપાસવામાં આવી રહ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાના પગલે ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવી છે. વાલીઓ પણ બાળકોને લેવા માટે શાળાએ પહોંચી રહ્યા છે.