લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ બાંગ્લાદેશના મુદ્દે ભારત અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) સાથે ટી-20 વર્લ્ડ કપની બાબતમાં ટક્કર લેવાના ચક્કરમાં આ મોટી ઇવેન્ટ માટેની ટીમ મોડી જાહેર કરી અને એનું અનાઉન્સમેન્ટ થતાં જ ખાસ કરીને ભૂતપૂર્વ કૅપ્ટન અને ફૉર્મ ગુમાવી બેઠેલા બાબર આઝમના પ્રશ્ને પાકિસ્તાનમાં વિરોધનો વંટોળ ફૂંકાવાનો શરૂ થઈ ગયો છે.
7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાનારા ટી-20 વર્લ્ડ કપની મૅચો ભારતમાં અને શ્રીલંકામાં રમાવાની છે. પાકિસ્તાન (Pakistan)નો સમાવેશ ગ્રૂપ-એમાં છે જેમાં ભારત ઉપરાંત અમેરિકા, નામિબિયા અને નેધરલૅન્ડ્સનો સમાવેશ છે. ઑલરાઉન્ડર સલમાન આગાના નેતૃત્વમાં 15 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે. જોકે બાબર આઝમ (Babar Azam) ઘણા સમયથી ફૉર્મમાં નથી અને ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ)માં પણ સારું નથી રમ્યો એમ છતાં તેને વર્લ્ડ કપમાં મોકલવાનું નક્કી કર્યું એ બદલ પાકિસ્તાનમાં અનેક ક્રિકેટચાહકો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને સોશ્યલ મીડિયામાં તેઓ સિલેક્શન કમિટીની ટીકા કરી રહ્યા છે. ટૅલન્ટેડ બૅટ્સમૅન હસન નવાઝ (Hasan Nawaz)ને ટીમમાં ન સમાવવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ખૂબ ટીકા થઈ રહી છે.

અસદ નામના ક્રિકેટપ્રેમીએ એક્સ પર લખ્યું છે, ` બાબર આઝમ સૌથી નસીબવંતો છે. અરે ભાઈ, આ 2026ની સાલ છે અને બાબર 1990ના દાયકાની સ્ટાઇલથી રમે છે. તેનો બૅટિંગ-અપ્રોચ હજી આવો જ છે તો પછી તેને શું કામ વર્લ્ડ કપમાં રમાડવો જોઈએ?'
બીજા એક ક્રિકેટ ફૅન જનૈદ ઝફરે એક્સ પર લખ્યું, ` એક સમય હતો જ્યારે બાબર આપણો મુખ્ય બૅટ્સમૅન હતો, પણ હવે નથી. પાકિસ્તાન સતત સાત મોટી આઇસીસી ઇવેન્ટમાં એને તક આપતું આવ્યું છે. પાકિસ્તાને બીજો કંઈ પણ બહિષ્કાર કરવાની જરૂર નહોતી. માત્ર બાબરની બૅટિંગનો બહિષ્કાર થવો જોઈતો હતો. 2026ની ટી-20 ટીમમાં ફખર, ઉસમાન, સલમાન અને બાબર છે, પણ હસન નવાઝ નથી.'
મિર ઇખલાક નામના ક્રિકેટપ્રેમીએ એક્સ પર લખ્યું છે, ` વર્લ્ડ કપ માટેની 15 ખેલાડીઓની ટીમમાં છ ઓપનર અને ત્રણ ઑલરાઉન્ડર છે. જોકે ટી-20 સ્પેશ્યાલિસ્ટો સુફિયાન મુકીમ, વસીમ જુનિયર, મોહમ્મદ નવાઝ, અબ્બાસ આફ્રિદીનો સમાવેશ નથી. હારિસ રઉફને પણ ટીમમાં સામેલ નથી કરાયો. મને લાગે છે કે પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં એક પણ મૅચ નહીં જીતી શકે.'