નાગપુર: નાગપુરના કાન્હાન ખાતે અત્યંત દર્દનાક ઘટના બની હતી. આ ઘટનામાં મુંબઈ-હાવડા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા છ હરણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના કાન્હાન રેલવે સ્ટેશનના તુકારામનગર વિસ્તારમાં બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું. મળતી માહિતી અનુસાર હરણોનું આ ટોળું રેલવે ક્રોસિંગ ઓળંગી રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો. હરણો ટ્રેક ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપની ટ્રેનની અડફેટમાં આવતા હરણના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. મૃત હરણોમાં પાંચ હરણી અને એક હરણનો સમાવેશ થયો હતો. વન વિભાગની ટીમે મૃત હરણોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.
તુકારામ નગર વિસ્તારમાં બની ઘટના
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના કાન્હાન રેલવે સ્ટેશનથી લગભગ 30 કિમી દૂર તુકારામ નગર વિસ્તારમાં સવારે ચાર વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન બની હતી. રેલવે ટ્રેક ઓળંગતી વખતે જંગલી પ્રાણીઓ ટ્રેનની અડફેટે આવી જતા આ દર્દનાક ઘટના બની હતી. આ ઘટના બાદ અધિકારીઓએ પંચનામું કરી મૃત હરણોને કબજામાં લીધા હતા.
આ ઘટનાની જેમ જ અન્ય ઘટનામાં મધ્ય પ્રદેશના શાજાપુરમાં પણ એક ઘટના સામે આવી હતી. અહીંયા થોડા દિવસ અગાઉ એક કુવામાં એક રખડતું કૂતરાની સાથે 13 કાળિયાર મૃત હાલતમાં મળ્યા હતા, ત્યાંના ડીએફઓના જણાવ્યા અનુસાર કાલાપીપલ તાલુકાના ખરદોન કલા ગામમાં કૂવામાંથી તીવ્ર દુર્ગંધ આવ્યા બાદ તપાસ કરતા પ્રાણીઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. સ્થાનિકોની સૂચના બાદ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ મૃત પ્રાણીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.