Mon Jul 20 2026

Logo

અનોખો વિરોધઃ 'વીજ કાપ'થી કંટાળી ગ્રામજનોએ વીજ કચેરી બહાર ખાટલા પાથરી શરૂ કર્યું 'ઝોપા આંદોલન'

2026-07-19 21:48:07
Author: Mumbai Samachar Team
Article Image

વાશિમઃ રાજ્યના વાશિમ જિલ્લામાં વીજળી ગુલ થવાની સમસ્યાથી કંટાળીને ગ્રામજનોએ વીજ કચેરીની બિલકુલ બહાર જ સૂવાની વ્યવસ્થા કરીને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે રસ્તા પર જ પથારી પાથરી અને ત્યાં સૂઈ જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન લોકોમાં ચર્ચાનું કારણ પણ બન્યો હતો. 

આ વિરોધ પ્રદર્શન પછી પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દેખરેખ રાખવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર સૂતેલા જોવા મળે છે. વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું છે કે જો વીજળી ગુલ થવાની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

આ ઘટના વાશિમ જિલ્લાના મનોરા તાલુકામાં બની હતી. કારખેડા અને આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ રાત્રિ દરમિયાન વારંવાર થતા વીજળીના કાપ સામે ખુલ્લેઆમ પોતાનો રોષ વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું. વીજળીની સમસ્યાથી કંટાળીને ગ્રામજનો અને ખેડૂતોએ વિરોધનું એક અનોખું પ્રદર્શન કર્યું હતું.
 
વીજળી ગુલ થતાં જ સેંકડો લોકો પોતાની પથારી લઈને મહાવિતરણની કચેરીએ પહોંચી ગયા અને ત્યાં જ 'સ્લીપ-ઇન પ્રોટેસ્ટ' શરૂ કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે,ગામડાઓમાં રાત્રે વીજળી મળતી ન હોવાથી તેઓ હવે વીજ વિભાગની કચેરીની બહાર જ રાત વિતાવશે.

રાતના લાંબા સમય સુધી વીજળી ગુલ રહેવી

ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે કલાકો સુધી વીજળી ગુલ રહે છે. આના કારણે ભેજવાળી ગરમીમાં લોકો માટે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું હતું. ખેડૂતો પણ રાત્રિના સમયે સિંચાઈ માટે વીજળી મેળવી શકતા નથી, જેની અસર તેમના પાક પર પડી રહી છે. વારંવાર ફરિયાદો કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નહોતો.

ખાટલા-ગાદલાં લઈને લોકો કચેરીએ પહોંચ્યા 

પરિસ્થિતિથી રોષે ભરાયેલા કારખેડા અને આસપાસના વિસ્તારોના સેંકડો ગ્રામજનો રાત્રિના સમયે મહાવિતરણની કચેરીએ પહોંચ્યા હતા. ખાટલા, ગાદલાં અને ચાદરો સાથે લઈને આવેલા ગ્રામજનોએ કચેરીના પરિસરમાં જ સૂઈ જઈને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો નિયમિત વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

પોલીસ પ્રશાસનને પત્ર દ્વારા ફરિયાદ કરાઈ

કારખેડા ગ્રામ પંચાયત વતી પોલીસને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર દ્વારા મનોરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી હતી કે ગયા સોમવારથી તેમના વિસ્તારમાં રોજ સાંજે 7 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન અઘોષિત વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે. વીજળીના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક રહીશો ભારે ગરમી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.