Mon Jul 20 2026

Logo

રત્નાગિરીમાં ભારે વરસાદથી આફત: ટેકરી પર ૨ કિમી લાંબી તિરાડ પડતાં ભૂસ્ખલનનો ભય

2026-07-19 21:34:02
Author: Mumbai Samachar Team
Article Image

રત્નાગિરી: જિલ્લાના દાપોલી તાલુકાના માલે સુતારવાડીમાં ભારે વરસાદને કારણે એક ટેકરી પર લગભગ ૨ કિલોમીટર લાંબી તિરાડો પડતાં ભૂસ્ખલનનું મોટું જોખમ ઊભું થયું છે. વધતા જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ભૂસ્તરશાસ્ત્રીઓ સ્થળની સ્થિરતાની ચકાસણી કરી હતી. 
પ્રશાસન દ્વારા રજૂ કરવામાં આવેલા દ્રશ્યોમાં પ્રતિકૂળ હવામાન વચ્ચે સ્થાનિક લોકો, પોલીસ અધિકારીઓ અને સત્તાધારીઓ સ્થળનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. સ્થાનિકોને પણ આવી પરિસ્થિતિમાં સતર્ક રહેવાની અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. 

ખેડમાં ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો

મહારાષ્ટ્રના ખેડ વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં ભારે વરસાદને પગલે રઘુવીર ઘાટ ખાતે ભૂસ્ખલન થતાં રત્નાગિરી અને સતારા જિલ્લાઓ વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

ભૂસ્ખલનના કારણે વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને લઈ જતી એક એસ.ટી. બસ એક કલાકથી વધુ સમય સુધી ફસાઈ રહી હતી. ઈન્ટરનેટ પર શેર કરવામાં આવેલા દ્રશ્યોમાં મહિલાઓ સહિતના કેટલાક રાહદારીઓ આ વિસ્તારમાં ફસાયેલા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો એ પણ દર્શાવે છે કે આ પહાડી વિસ્તાર પ્રતિકૂળ હવામાનની સ્થિતિનો સામનો કરી રહ્યો હતો.

હાઈવે પર અવરોધ દૂર કરવાની કામગીરી

દરમિયાન એક અન્ય ઘટનામાં થોડા દિવસો પહેલા મુંબઈ-ગોવા હાઈવે પર પરશુરામ ઘાટ વિસ્તારમાં ધામણદેવી નજીક મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આ વિસ્તારમાં વાહનવ્યવહારમાં કામચલાઉ વિક્ષેપ પડ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, હાઈવે પર મોટી માત્રામાં માટી અને પથ્થરો ધસી આવવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું થતાં, અધિકારીઓએ ધામણદેવી અને પરશુરામ ઘાટ વચ્ચેની એક લેન બંધ કરવી પડી હતી. 

જિલ્લા વહીવટીતંત્ર અને હાઈવે ઓથોરિટીઝ દ્વારા કાટમાળ હટાવવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે તાત્કાલિક જેસીબી મશીનોની મદદથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સફાઈ કામગીરી દરમિયાન, પોલીસની દેખરેખ હેઠળ બાકી રહેલી ખુલ્લી લેનમાંથી વાહનોને સાવચેતીપૂર્વક પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. સદભાગ્યે કોઈ પણ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી.