Thu May 14 2026

Logo

ગુજરાતના એકમાત્ર વાઘની ગણતરી માટે 500 વનકર્મી તૈનાત, 250 કેમેરા ટ્રેપનો કરાશે ઉપયોગ

2026-05-14 09:38:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદ:રાજ્યમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી વાઘની હાજરી છે. આ દરમિયાન રાજ્યના એકમાત્ર વાઘની વિશેષ વસ્તી ગણતરી કરવામાં આવશે. આ કવાયત હેઠળ 500 વનકર્મીઓને તૈનાત કરાશે અને 250 કમેરા ટ્રેપ લગાવાશે. ત્રણ દાયકા પહેલા ભારતના સત્તાવાર ટાઈગર મેપપરથી ગુજરાતનું નામ ભૂંસાઈ ગયું હતું. પરંતુ ફેબ્રુઆરી 2025થી એક એકલવાયો વાઘ રતનમહાલના જંગલો અને ગુજરાત-મધ્ય પ્રદેશ સરહદને અડીને આવેલા વિસ્તારોને પોતાનું ઘર બનાવ્યું છે.

આ વાઘની હાજરીને કારણે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા સંપૂર્ણ કક્ષાની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. જૂન અથવા જુલાઈ મહિનામાં હાથ ધરવામાં આવનારી આ કવાયતમાં રતનમહાલ, પૂર્ણા અને શૂલપાણેશ્વર અભયારણ્યોને આવરી લેવામાં આવશે. હાલમાં આ વાઘ પાસે કોઈ માદા સાથી નથી.

500 વનકર્મીઓ  કરાશે તૈનાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ત્રણ અભયારણ્યોમાં વાઘની ગણતરી માટે અંદાજે 500 સ્ટાફ તૈનાત કરવામાં આવશે. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યાપક કવાયતનો હેતુ માત્ર આ એક જ વાઘનું દસ્તાવેજીકરણ કરવાનો નથી, પરંતુ અન્ય કોઈ વાઘની હાજરી છે કે કેમ તે જાણવાનો પણ છે.

અન્ય વાઘની હાજરી છે કે કેમ તેની પણ પડશે ખબર

આ વાઘ વારંવાર મધ્ય પ્રદેશના જંગલો સાથે જોડાયેલા વિસ્તારોમાં અવરજવર કરતો હોવાથી અન્ય કોઈ વાઘ — કદાચ માદા વાઘ પણ આ વિસ્તારનો ઉપયોગ કરી રહી હોવાની શંકા છે. આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, આ વાઘ સાથી વિના એક વર્ષથી વધુ સમયથી અહીં રહ્યો છે તે આશ્ચર્યજનક છે. NTCA આ વિસ્તારમાં અન્ય કોઈ નર કે માદા વાઘની હાજરીની શક્યતાને તપાસવા માંગે છે.

5 વર્ષની ઉંમરનો છે વાઘ

અંદાજે 5 વર્ષની ઉંમરનો આ વાઘ ગયા વર્ષે ફેબ્રુઆરીના મધ્યમાં રતનમહાલ-મધ્ય પ્રદેશ સરહદ પર દેખાયો હતો અને ત્યારબાદ આ અભયારણ્યમાં સ્થિર થયો હતો. ત્યારથી, અધિકારીઓએ કેમેરા ટ્રેપ અને CCTV ફૂટેજ દ્વારા સતત તેની હિલચાલ નોંધી છે, જે વન્યજીવ નિષ્ણાતોના મતે કામચલાઉ રોકાણને બદલે સ્થાયી વસવાટ દર્શાવે છે.

લાંબા સમયના આ વસવાટને કારણે હવે ગુજરાતને ફરી એકવાર ઓલ-ઈન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2026માં સ્થાન મળ્યું છે, જે દેશના સૌથી મોટા વન્યજીવ સર્વેક્ષણોમાંનું એક છે.

ગુજરાતમાં છેલ્લે ક્યારે વાઘ જોવા મળ્યો હતો

ગુજરાતમાં વાઘની છેલ્લી વસ્તી ગણતરી 1989માં કરવામાં આવી હતી, જ્યારે અધિકારીઓ માત્ર પંજાના નિશાન નોંધી શક્યા હતા પરંતુ વાઘ જોવા મળ્યો ન હતો. ત્યારબાદ 1992માં ગુજરાતને વાઘ ધરાવતા રાજ્યોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. ત્યારથી, 2019માં માત્ર એક વાર વાઘ જોવા મળ્યો હતો, પરંતુ તે પ્રાણી રાજ્યમાં માંડ 15 દિવસ જીવિત રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ લાંબા ગાળાના વસવાટને જોતા ગુજરાતને ફરીથી વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે સ્થાપિત કરવું માત્ર વાજબી જ નહીં પણ જરૂરી પણ છે.

વાઘને પણ ટેગ કરાશે

વસ્તી ગણતરી પૂર્ણ થયા પછી, અધિકારીઓ આ વાઘને ઔપચારિક રીતે ટેગ કરવાની અને દેશભરમાં વાઘની હિલચાલ પર નજર રાખવા માટે વપરાતા નેશનલ સ્ટ્રાઈપ-પેટર્ન ડેટાબેઝ હેઠળ તેને ઓળખ કોડ આપવાની યોજના ધરાવે છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી આ વાઘને ટેગ કરવામાં આવ્યો નથી અને NTCAની ટીમો ગુજરાતના વન વિભાગના સ્ટાફને વાઘના શરીર પરના પટ્ટા ઓળખવાના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે તાલીમ પણ આપશે. 

ગુજરાતના એક માત્ર વાઘ માટે લાવવામાં આવશે માદા સાથી

 ગુજરાતના એક માત્ર વાઘ માટે વન વિભાગ દ્વારા મોટી તૈયારી કરવામાં આવી છે. જંગલમાંથી વાઘણ શોધી તેને એરલિફ્ટ કરાશે. થોડા દિવસોમાં હેલિકોપ્ટર મારફતે વાઘણનું આગમન થશે. સૂત્રોએ જણાવ્યું કે, માદા વાઘણને એરલિફ્ટ કરીને નર વાઘના વિસ્તારની આસપાસ જંગલમાં છોડવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વન વિભાગ અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વચ્ચેની ચર્ચાઓ હકારાત્મક રહી છે. થોડા દિવસોમાં માદા સાથીને અહીં લાવવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ જયપાલ સિંહે તાજેતરમાં દિલ્હીમાં એનટીસીએના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમને જણાવ્વામાં આવ્યું કે, ટ્રાન્સલોકેશન પહેલાંના જરૂર પગલા તરીકે ગુજરાતને ચાલુ રાષ્ટ્રીય વાઘ ગણતરીમાં સામેલ કરવામાં આવશે. ગણતરી પૂર્ણ થયા બાદ  ટ્રાન્સલોકેશન માટે સૌથી અનુકૂળ રહેશે.

કેવી વાઘણ લાવવામાં આવશે

સૂત્રોએ જણાવ્યું કે, જંગલમાં એકલી હોય અથવા સાથીની શોધમાં ભટકતી હોય તેવી માદા વાઘણની પસંદગી કરાશે. જો આવી વાઘણ ન મળે તો જંગલમાંથી પકડાયેલી અનેય કોઈ યોગ્ય માદા વાઘણનો વિકલ્પ વિચારવામાં આવશે. પરંતુ તેની શરત ક્યારેય મનુષ્યો કે પશુઓ પર હુમલો ન કર્યો હોય તેવી હશે. પંસદ કરાયેલી માદા વાઘણની હિલચાલ પર નજર રાખી શકાય તે માટે  રેડિયો કોલર પહેરાવવામાં આવશે. જો તે માનવ વસાહત તરફ જશે તો તાત્કાલિક પગલાં ભરી શકાશે. વાઘ રનતમહાલમાં એક વર્ષથી રહેતો હોવાથી તે વાતાવરણમાં સેટ થઈ ગયો છે.

વાઘના સ્કેટ એનાલિસિસમાં સામે આવી હતી ચોંકાવનારી વિગત

ગુજરાતમાં એક વર્ષ કરતાં વધુ સમયથી વાઘે રતનમહાલના જંગલને પોતાનું ઘર બનાવ્યું છે. 120 ચોરસ કિમીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવનારા એકમાત્ર વાઘને લઈ હવે નવી માહિતી સામે આવી હતી. વાઘ સંપૂર્ણપણે જંગલી શિકારી સાબિત થઈ રહ્યો છે. તે માત્ર જંગલી પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છ અને માનવ વસાહતથી દૂર રહે છે. 

સ્કેટ એનાલિસિસમાં શું આવ્યું સામે

વન વિભાગ દ્વારા કરવામાં આવેલા 'સ્કેટ એનાલિસિસ' (મળના નમૂનાનું પરીક્ષણ) મુજબ, આ વાઘના ખોરાકમાં મુખ્યત્વે હરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના ખોરાકમાં નીલગાય અને જંગલી ભૂંડના અંશો પણ જોવા મળ્યા હતા. માનવ વસવાટ ધરાવતા વિસ્તારોની વચ્ચે રહીને પણ પશુપાલકોના ઢોરને નુકસાન પહોંચાડ્યા વગર વાઘ કેવી રીતે જીવી રહ્યો છે, તેની આ અભ્યાસમાં માહિતી મળી હતી.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્ર કરાયેલા નમૂનાઓમાં વાઘના મળમાં ગાય-ભેંસ કે અન્ય પાલતુ પ્રાણીઓના કોઈ પુરાવા મળ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કે, પશુઓના શિકારના કોઈ ચિહ્નો મળ્યા નથી. તમામ સંકેતો જંગલી શિકાર તરફ ઈશારો કરે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વાઘ જાણીજોઈને ગામડાઓ અને પશુઓના ચરિયાણ વિસ્તારોથી દૂર રહે છે.

વન વિભાગે રતનમહાલના જંગલોમાં તેની ગતિવિધિ, ખોરાકની પદ્ધતિ અને વર્તણૂક પર નજર રાખવા માટે એક માળખાગત મોનિટરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. ફિલ્ડ ટીમો વાઘના મળનું વિશ્લેષણ કર્યું હતું. તેના પંજાના નિશાન, નખના નિશાન અને 'સેન્ટ સ્પ્રે' (ગંધ છોડવાની પદ્ધતિ) નો રેકોર્ડ રાખી રહી છે. ભૌગોલિક લોકેશન ડેટાની મદદથી વાઘનો સંપૂર્ણ ઇકોલોજીકલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વાઘ માનવ વસાહતથી રહ્યો છે દૂર

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસનો હેતુ વાઘનો ખોરાક અને તેના વિસ્તારના ઉપયોગને સમજવાનો છે. તેમણે ઉમેર્યું કે, સ્કેટ એનાલિસિસ શિકારની પ્રજાતિઓને ઓળખવામાં મદદ કરી હતી, જ્યારે ફિલ્ડ ચિહ્નો દ્વારા અમે તેની હિલચાલ અને પ્રાદેશિક વર્તણૂકનો નકશો તૈયાર કરાયો હતો. અત્યાર સુધી આ વાઘ માનવ વસાહતથી દૂર રહ્યો છે અને કોઈ ગામમાં પ્રવેશ્યો નથી.