Thu May 14 2026

Logo

કચ્છમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે કંડલા ‘હોટસ્પોટ’ બન્યું: પારો ૪૩ ડિગ્રીએ પહોંચતા સિઝનનો સૌથી ગરમ દિવસ

2026-05-14 10:56:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ  કચ્છમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ઓરેન્જ એલર્ટ’ની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને બંદરીય કંડલા અને આસપાસના વિસ્તારોમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કંડલામાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચી જતાં ચાલુ ઉનાળાની સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. અંજાર અને ગાંધીધામ વિસ્તારને આવરી લેતા કંડલા (એરપોર્ટ) સ્ટેશન પર સતત બીજા દિવસે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ પર રહ્યું હતું. બપોરના સમયે આકરી ગરમી અને આગ ઓકતી લૂના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. દરિયાકાંઠાના પટ્ટામાં ભેજ અને ગરમીના મિશ્રણને કારણે લોકો અકળામણ અનુભવી રહ્યા છે.

બીજી તરફ, જિલ્લા મથક ભુજમાં વાતાવરણમાં થોડો પલટો જોવા મળ્યો હતો. શહેરમાં પવનની ગતિ વધીને ૧૨ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની થતાં મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ભુજમાં પારો ૩૯.૮ ડિગ્રીએ પહોંચતા લોકોને પ્રખર તાપમાંથી મામૂલી રાહત મળી હતી. માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિના તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો છે. જિલ્લાના મોટાભાગના મથકોમાં લઘુતમ તાપમાન ૨૭ થી ૨૮ ડિગ્રીની વચ્ચે રહેતા રાત્રિના સમયે અસહ્ય ઉકળાટ અને ભેજને કારણે જનજીવન પરસેવે રેબઝેબ થઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી બે દિવસ જિલ્લામાં ગરમીનું જોર યથાવત્ રહેશે. ઓરેન્જ એલર્ટ જારી હોવાથી લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. બે દિવસ બાદ ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.

તંત્ર દ્વારા નાગરિકોને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને જાનલેવા ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)