Thu May 14 2026

Logo

ગુજરાતમાં 1141 વ્યાયામ શિક્ષકોની થશે ભરતી, જાણો કઈ રીતે કરાશે પસંદગી ?

2026-05-14 11:02:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શિક્ષકો સામે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 1141 વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી છે. આ ભરતી SAT પરીક્ષાના મેરીટ આધારે થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યની સ્કૂલોમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમત ગમત પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મુખ્ય પ્રધાન દ્વારા 1141 વ્યાયામ શિક્ષકોની ભરતીને મંજૂરી આપી હતી. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી એવી વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 1,141 જગ્યાઓ ભરવામાં આવશે. આ એક સીધી ભરતી છે. જેમાં ઉમેદવારોની પસંદગી SAT (Special Aptitude Test) પરીક્ષાના મેરીટના આધારે કરવામાં આવશે. મેરીટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને સીધી નિમણૂક આપવામાં આવશે.

યુવાનોના હિતમાં મોટો નિર્ણય લેતા વયમર્યાદામાં 3 વર્ષની વધારાની છૂટ આપી છે, સામાન્ય વર્ગના 38 વર્ષ સુધીની વયના ઉમેદવારો અરજી કરી શકશે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા 43 વર્ષ રાખવામાં આવી છે. મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે મહિલા ઉમેદવારોને વયમર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવી છે.આ વર્ગની મહિલાઓ માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધી રાખવામાં આવી છે, જે રાજ્ય સરકારની કોઈપણ ભરતીમાં મળતી મહત્તમ છૂટછાટ પૈકીની એક છે.

લાંબા સમય બાદ વ્યાયામ શિક્ષકોની આટલી મોટી સંખ્યામાં ભરતી થવા જઈ રહી છે. આ નિર્ણયથી શાળાઓમાં રમતગમતનું સ્તર સુધરશે અને સીધી ભરતી હોવાથી પારદર્શક રીતે લાયક ઉમેદવારોને તક મળશે. વયમર્યાદામાં મળેલી છૂટને કારણે જે ઉમેદવારો અગાઉ વય વટાવી ચૂક્યા હતા, તેમને પણ ફરી એકવાર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે.