ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ધર્માંતરણ અને બ્લેકમેલિંગના કાળા કારોબારનો પર્દાફાશ થયા બાદ હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના રેકેટના માસ્ટરમાઈન્ડ ઇમરાનની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે, જે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. આ કેસમાં જે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ અને વિદેશી ફંડિંગના પુરાવા મળ્યા છે, તેણે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. આ માત્ર સ્થાનિક ગુનો નથી, પરંતુ એક સુનિયોજિત નેટવર્ક હોવાનું બહાર આવ્યું છે.
મિર્ઝાપુર પોલીસ અને તપાસ એજન્સીઓ લાંબા સમયથી જેની તલાશમાં હતી તે માસ્ટરમાઈન્ડ ઇમરાન આખરે સકંજામાં આવ્યો છે. 25 હજારનું ઇનામ ધરાવતો ઇમરાન દિલ્હી એરપોર્ટ પરથી વિદેશ ભાગી જાય તે પહેલા જ દબોચી લેવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે ઇમરાન વારંવાર દુબઈ અને મલેશિયાની યાત્રા કરતો હતો. દુબઈમાં તે ધર્માંતરણના સંગઠિત નેટવર્ક સાથે જોડાયેલા સંદિગ્ધ લોકોના સંપર્કમાં હતો અને ત્યાંથી તેને આ કાળા કામ માટે મોટા પાયે ફંડિંગ મળતું હોવાની આશંકા છે.
આ આખું નેટવર્ક મિર્ઝાપુરમાં પાંચ જિમની એક ચેન દ્વારા ચલાવવામાં આવતું હતું. જિમમાં ફિઝિકલ ટ્રેનિંગ માટે આવતી અંદાજે ૩૦ જેટલી હિન્દુ મહિલાઓને આ ગેંગે નિશાન બનાવી હતી. આરોપીઓ પહેલા મહિલાઓ સાથે મિત્રતા કેળવતા અને ત્યારબાદ તેમના ખાનગી ફોટા અને વીડિયો મેળવી લેતા હતા. આ રેકેટ 2021થી સક્રિય હતું અને તેનો હેતુ માત્ર પૈસા પડાવવાનો જ નહીં, પણ ધર્માંતરણ માટે દબાણ કરવાનો હતો.
આરોપીઓ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પાવરધા હતા. તેમણે પીડિત મહિલાઓના ફોટાને 'AI' (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટૂલ્સની મદદથી અશ્લીલ વીડિયોમાં રૂપાંતરિત કર્યા હતા. આ નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને મહિલાઓનું જાતીય શોષણ કરવામાં આવતું અને તેમને ધર્મ બદલવા માટે મજબૂર કરવામાં આવતી હતી. પોલીસને આરોપીઓના ફોનમાંથી ડઝનેક આવા AI જનરેટેડ વીડિયો અને ચેટ્સ મળી આવી છે.
આ કેસમાં અત્યાર સુધીમાં જીઆરપીના હેડ કોન્સ્ટેબલ ઇરશાદ ખાન સહિત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ફરીદ અહેમદ પોલીસ એન્કાઉન્ટરમાં પકડાયો હતો. મિર્ઝાપુરના ડીએમ પવન કુમાર ગંગવારે કડક કાર્યવાહી કરતા તપાસના ઘેરામાં આવેલા તમામ પાંચ જિમને 27 ફેબ્રુઆરી સુધી સીલ કરવાના આદેશ આપ્યા છે. હવે તપાસ એજન્સીઓ વિદેશથી આવતા પૈસાના ચોક્કસ રૂટ અને આ નેટવર્ક કેટલું ઊંડું છે તે શોધી રહી છે.