Fri Apr 17 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ એ દેશમાં દાદા-દાદીઓના છૂટાછેડામાં વધારો કેમ થઈ રહ્યો છે?

2026-02-25 08:18:10
Author: Mumbai Samachar Team
Article Image

જયવંત પંડ્યા

જાપાનમાં 60ની વય પછીની સ્ત્રીઓમાં ડિપ્રેશન, ચિંતા, નિરાશા અને બીજી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. તમે કહેશો કે તેમાં નવી નવાઈ શું છે? વય વધે તેમ આવું બધું તો રહે, પરંતુ ના, આ વયના કારણે થતી સમસ્યા નથી. તો પછી?

આ પતિઓના કારણે થતી સમસ્યા છે!
ભારતની સ્થિતિ વિચારીએ અને (પતિ-પત્નીની પ્રચલિત રમૂજો પણ વિચારીએ) તો પતિ તો બિચારો-બાપડો હોય છે. એ ફૂટપટ્ટી જ જો જાપાનનાં પરિણીત યુગલોને લાગુ પાડીએ તો એમ વિચાર આવે કે ઘરમાં ચાલે છે તો પત્નીનું જ. તો પછી પત્નીઓને નિવૃત્ત થતા પતિથી શું વાંધો છે? જાપાનની દાદીમાઓને દાદાઓના કારણે શું તકલીફ પડવા લાગી? તો આ તકલીફનું નામ આધુનિક ચિકિત્સાવાળા ફઈબાઓએ પાડ્યું છે:

રિટાયર્ડ હસબન્ડ સિન્ડ્રોમ! એટલે કે નિવૃત્ત થતા પતિના કારણે સર્જાતી સમસ્યાઓ.
પણ, એક મિનિટ પતિ નિવૃત્ત થવા આવે તે તો આનંદની વાત ન ગણાય? લગ્ન કર્યાં હોય ત્યારે તો એકબીજાની સાથે રહેવાનાં વચનો આપ્યાં હોય, સપનાં જોયાં હોય અને તે પછી તો પતિ એકલો અથવા પતિ-પત્ની બંને કારકિર્દી બનાવવામાં લાગી પડ્યાં હોય, પત્ની સંતાનના ઉછેરમાં લાગી ગઈ હોય, બંને પાસે એકબીજા સાથે ગાળવાનો સમય જ ન મળતો હોય, મળતો હોય ત્યારે પણ સંતાનો તો સાથે જ હોય, તો નિવૃત્તિ પછી તો કેટ-કેટલી પ્રવૃત્તિ થઈ શકે?

- ફરવા જવું -સાથે સવારે ચાલવા જવું/કસરતો કરવા બગીચામાં જવું
- સાથે ઘરે બેસીને જૂની-જૂની બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્મો જોવી
- પતિ ધાણાભાજી સુધારી દે અને ચટણી બનાવી દે અને પત્ની સરસ મજાનાં ભજિયાં બનાવે. બંને જણા બેસીને પછી ભજિયાં-ચટણીનો આનંદ લે.
-  એ બંને રાત્રે અંધારામાં બેઠાં-બેઠાં જૂનાં ગીતો અને ગઝલો અથવા ગુજરાતી સુગમ સંગીત સાંભળે કે કરાઓકે ક્લબમાં જાય અને ગીતો ગાય.... આવી તો ઘણી-ઘણી પ્રવૃત્તિ કરીને સંગાથનો આનંદ મેળવી શકાય. પરંતુ ન તો ભારતમાં બધા કિસ્સામાં આવું થાય છે, અને જાપાનમાં તો આનું પ્રમાણ વધુ છે. 

પતિ નિવૃત્ત થવા આવે તેમ-તેમ પત્નીઓને ચિંતા વધતી જાય. કેમ સાથે રહેવું ફાવશે? એનું કારણ એ છે કે પતિ સવારે કામ પર ચાલ્યો જાય અને રાત્રે ઘરે પાછો ફરે તેવી દિનચર્યાના કારણે પત્નીઓને જે એકલા રહેવાની ટેવ પડી ગઈ હોય તેમાં રવિ અથવા શનિ-રવિ બંને દિવસ પતિને રજા હોય ત્યારે યુવાનીમાં તો પતિને તેના મિત્રોને મળવાનું હોય, ઑફિસના સહકર્મચારી ઓને ત્યાં જવાનું હોય અથવા ક્રિકેટ જોવાની હોય આવું કંઈ ને કંઈ હોવાના કારણે પત્નીઓને વાંધો ન આવે, પરંતુ આપણે કોરોના કાળમાં પણ જોયું હતું કે તે સમયે ઘણાં પતિ-પત્નીઓને સતત સાથે રહેવામાં મુશ્કેલીઓ પડી હતી.

આ ઉપરાંત એવા કિસ્સાઓ પણ બને છે જેમાં પતિ બહારગામ નોકરી કરતો હોય અને અઠવાડિયે/પંદર દિવસે/મહિને એકાદ વાર આવે ત્યારે પત્ની તેની સાથે અનુકૂલન સાધી લે, પરંતુ તે જ પતિની જો પાછી બદલી એ જ શહેરમાં થઈ જાય તો પત્નીને પછી સતત સાત દિવસ સાથે રહેવામાં તકલીફ પડવા લાગે, કારણકે તેણે પોતાની દિનચર્યા ગોઠવી લીધી હોય, તે પોતાને અને સંતાનોને ભાવે તેવી રસોઈ બનાવતી હોય, ટીવીના રિમોટ પર સંપૂર્ણ આધિપત્ય તેનું હોય, બહેનપણીઓ સાથે જ્યારે પાર્ટી કરવી હોય ત્યારે કરતી હોય, પિયરમાં જ્યારે જવું હોય ત્યારે જઈ આવતી હોય,પરંતુ હવે પતિ સાથે છે તો એની બધી ગોઠવણ પડી ભાંગે...અને કદી ન ધારેલા પ્રશ્નો ઉદ્ભવે....

જાપાનમાં ભારતની ‘80-90’ના દાયકા જેવી સંસ્કૃતિ છે. દાદીમાઓ ગૃહિણી છે. દાદાઓ હવે કચકચિયા થઈ ગયા છે. એ ઘરમાં જે ચીજો ગોઠવાયેલી છે તે કેમ ગોઠવાયેલી છે તેવું પૂછવા લાગે છે. હવે બંને વચ્ચે આકર્ષણ પણ એટલું રહ્યું નથી હોતું. સંતાનોનું ઉપેક્ષાભર્યું વર્તન પણ દુ:ખ પહોંચાડે છે. ઘણી વાર પૌત્ર-પૌત્રીઓને સાચવવાની જવાબદારી આનંદ કરતાં બોજરૂપ વધારે લાગે છે કારણકે પુત્ર-પુત્રવધૂ અથવા દીકરી જો તેનું સંતાન સાચવવા મૂકી જાય તો તેઓ તો પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રીને મૂકીને ચાલ્યા જાય અને બાળક હાઇપર ઍક્ટિવ હોય તો તેની પાછળ દાદા-દાદી દોડાદોડી કરી શકતાં નથી. વળી દાદા-દાદી પોતાની રીતે રાખવા જાય, પરંતુ પુત્ર-પુત્રવધૂ કે દીકરી-જમાઈને લાગે કે તેમનાં માતા-પિતા બરાબર સાચવતા નથી તો વળી અલગ પ્રશ્ન.

આ ઉપરાંત દાદા તો નિવૃત્ત થઈ ગયા, પરંતુ દાદીમાને નિવૃત્તિ નથી મળતી અને દાદા નિવૃત્ત થઈ ગયા પછી જો સામાજિક રીતે ઓછા હળતા-ભળતા હોય, સવારે ચાલવાનું, કસરત કરવા જવાનું, બગીચાની દેખભાળ રાખવાનું, ઘરનાં નાનાં-મોટાં કામ કરવાનું પસંદ ન હોય તો  દાદીમાને દાદા બોજારૂપ લાગવા લાગે છે.

જાપાનમાં અંદાજે 60 ટકા દાદીમાઓ આવો અનુભવ કરી રહી છે. જાપાનના રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર વિભાગ અનુસાર, 60ની વય પછી છૂટાછેડાના કેસોમાં છેલ્લાં 20 વર્ષમાં 75 ટકાનો વધારો થયો છે. આના ઉપાયો પર ચર્ચા ફરી ક્યારેક...