અનવર વલિયાણી
સંત કબીરજી કહે છે. ‘સહજ મિલે અવિનાશી...!
અવિનાશી અર્થાત્ પરમાત્મા-પરમતત્ત્વ તો આપણને સહજ જ મળેલ છે. સહજ અર્થાત્ જન્મની સાથે જ. પ્રત્યેક જીવને જન્મની સાથે જ તેના ચરમ વિકાસની બધી સંભાવનાઓ લઈને જ પરમાત્મા આ અસ્તિત્વમાં મોકલે છે.
* આ સંભાવનાઓના વિકાસ માટે જો તેણે કાંઈ કરવાનું હોય તો એટલું જ કે તે સહજ રહે.
* પરંતુ જીવ પોતાને પરમાત્મા તરફથી જે મળે છે તેમાં સંતુષ્ટ રહેતો નથી.
* તેની દૃષ્ટિ હંમેશાં પોતાને જે મળેલું નથી તેના પર મંડરાયેલી રહે છે.
* પરિણામે પોતાને મળેલ પરમાત્માના પ્રસાદના લાભથી તે વંચિત રહી જાય છે.
- સદ્ગુરુ ગોરખના આ બોધવચનો પણ સામે યાદ કરવાં યથાર્થ લાગશે.
સહજ મિલે સો દૂધ બરાબર,
માગી મિલે સો પાની,
બધું ખરાબ જાણી લિજે
જામે ખિંચાતાની...
* જે સહજ રીતે મળેલું છે તે જ આપણા માટે પોષક અને કલ્યાણકારી નીવડે છે.
* જેને મેળવવા માટે ખેંચતાણ કરવી પડે, નક્કી માનજો તે ક્યારેય હિતકારક હોતું નથી.
જીવનમાં ક્યારેય કોઈ વાતમાં નિષ્ફળતા જણાય, કોઈ વાતનો અભાવ ખટકે તો ભાગ્યને- કિસ્મતને દોષ દેતાં પહેલાં થોડું આત્મનિરીક્ષણ કરશો તો સમજાઈ જશે કે-
* જીવનની શ્રેષ્ઠ પળો છે તે તો સહજ રીતે જીવવાથી જ પ્રાપ્ત થાય છે.
* જીવનને સહજ-સરળ રાખીએ તો નક્કી માનજો કે પરમાત્મા (ઈશ્વર-અલ્લાહ) આપણી સાથે જ હશે.
સનાતન સત્ય:
જટિલતા છોડીને જીવનમાં સહજતા સ્વીકારશો તો હસી - ખુશીનું ઝરણું તમારા અંતરમાં હંમેશાં વહેતું રહેશે.
* જે સહજ છે તે જ સુંદર છે.
- કબીરજી યથાર્થ કહે છે - સાધે, સહજ સમાધિ ભલી.
ઉપવનનાં પુષ્પો:
* કામ કરતાં પહેલા વિચાર કરો.
* હૈયું બાળશો નહીં.
* હૃદય એ ભગવાનનું મંદિર છે.
* હૃદય સિંહાસન પર ભગવાન બિરાજે છે તેથી મંદિર બાળવાનું પાપ લાગે છે.
* હિસાબ ન મળે તો પ્રભુનું નામ લો.
* લાલાને થાળ ધરાવી, બહાર જવાથી લાલો ભોજન આરોગતો નથી.
* પ્રભુ સામે હાથ જોડી કીર્તન કરી આરોગવા કહો.
* જ્યાં પ્રેમ છે ત્યાં ભૂખ છે. પ્રેમ નથી ત્યાં પકવાન તુચ્છ છે, એમ ભગવાન માટે સમજો.
* દાન લેનાર હલકો છે એમ સમજીને દાન આપે તેનું દાન સફળ થતું નથી.
* દાન આપ્યા પછી નમન કરવું જોઈએ.
* જે હૃદયથી નમે છે તે પ્રભુને ગમે છે.
આજનો સંદેશ
* મનુષ્ય તો મુનિમ છે, માલિક નથી.
* શરીરનો માલિક જીવ નથી. માલિકનો હુકમ થતાં જ શરીર છોડવું પડે છે.
* સેવક થવું અતિ કઠિન છે. જ્ઞાની થવું, યોગી થવું અતિ સરળ છે.