Mon Jun 15 2026

Logo

ગીતા મહિમાઃ હરિ! તમારા પ્રતાપથી

2026-06-15 09:29:00
Author: Sarangpreet
Article Image

સારંગપ્રીત

ગત અંકમાં ધ્યાનયોગના મર્મને જણાવીને હવે ભગવાન કૃષ્ણ ભગવાન ભક્તવત્સલ અને ભક્ત રક્ષક છે, તે સમજાવે છે.

ભગવાનના પ્રતાપથી સર્વ દુર્ગ તરી જવાય છે ગીતાનું આ વાક્ય દરેક ભક્ત માટે કેવળ આલંબન નહીં, પરંતુ સુરક્ષાનું કવચ છે. અહીં દુર્ગનો અર્થ માત્ર બહારની મુશ્કેલીઓ નથી; દુર્ગ એટલે જીવનના એવા કઠિન કિલ્લા, જ્યાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાતો નથી; અહંકાર, આસક્તિ, ભય, શોક, સંશય અને અજ્ઞાન જેવા અભેદ્ય કિલ્લાઓને ભેદવાની સહાય અહીં ભગવાન આપી રહ્યા છે.

ગીતા કહે છે કે જ્યારે માનવી પોતાને ભગવાનને સમર્પિત કરે છે, ત્યારે પ્રભુ કૃપા વરસાવે છે અને અભેદ્ય દુર્ગોનાં દ્વાર ઉઘડી જાય છે. ભગવાનની કૃપા કે પ્રતાપનો અર્થ અહીં ચમત્કારિક શક્તિ નહીં, પરંતુ ભગવાનની સન્નિધિથી મળતી આંતરિક શક્તિ, દૃઢતા અને સચેતતા છે.

દુષ્કર કાર્ય ત્યારે જ દુષ્કર લાગે છે, જ્યારે માણસ પોતાને એકલો માને છે. જીવનમાં એવા અનેક પ્રસંગો આવે છે, જ્યાં બુદ્ધિ થાકી જાય છે, શક્તિ ચૂકી જાય છે અને આશા પણ ઝાંખી પડે છે. જીવનમાં મોટાં વિઘ્નો આવે ત્યારે તો માણસ તૂટી જાય છે. એ ક્ષણે જો અંતરમાં ભગવાન પરનો વિશ્વાસ દીવો બની પ્રગટે, તો કૃપા પ્રકાશથી અંધકાર પાછળ હટે છે. હા, ભગવાનની કૃપા માણસને મુશ્કેલીઓમાંથી પસાર થવાની શક્તિ આપે છે. વિઘ્નો જ પ્રગતિની સીડીઓ બની જાય છે. જીવનમાં દુ:ખોનું આવવું અસ્વાભાવિક નથી; દુ:ખ સામે માણસ કેવી રીતે ઊભો રહે છે, એ જ તેની આધ્યાત્મિક ઓળખ છે.

માણસ જ્યારે પોતાના બળ પર જ બધું કરવા જાય છે, ત્યારે અહંકારનું ભારણ તેને થકવી નાખે છે. હું કરી લઉંનો ભાવ જ્યારે હું તો હરિનો દાસ છુંમાં રૂપાંતર પામે છે, ત્યારે કૃપાનું દ્વાર ખૂલે છે. ભગવાનની કૃપા એટલે ભાગ્યનો સાથ નહીં, પરંતુ યોગ્ય દિશામાં ચાલવાની પ્રેરણા. એ પ્રેરણા માણસને વિઘ્નોથી ભાગવાનું નહીં, પરંતુ વિઘ્નોને પાર કરવાની હિંમત આપે છે. કૃપા મળવાથી માર્ગ સહેલો થાય છે, એવું નથી; પરંતુ માર્ગ પર ચાલવાની શક્તિ વધે છે. પવન વિરુદ્ધ વહેતી નાવ પવનને ગાળો આપતી નથી; તે તો પાંખા યોગ્ય રીતે ગોઠવે છે. તેવી જ રીતે, કૃપા માણસને પરિસ્થિતિ બદલે નહીં, પરંતુ દૃષ્ટિ બદલે છે. દૃષ્ટિ બદલાય ત્યારે દુષ્કર કાર્યમાં પણ અર્થ દેખાવા લાગે છે. કાર્ય બોજો નથી રહેતું; એ સાધના બની જાય છે. હા, આ હરિની કૃપા છે, પ્રતાપ છે, અને ભક્તની ખરી રક્ષા છે.

છતાં માણસ અજ્ઞાનવશ બહારની સુરક્ષામાં વધુ વિશ્વાસ રાખે છે, શરીર, ધન, પદ, પ્રતિષ્ઠાની રક્ષા જ રક્ષા મનાય છે. પરંતુ આ બધું ક્ષણભંગુર છે.હિરણ્યકશિપુનો પુત્ર પ્રહ્લાાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પિતાએ વારંવાર તેને ભગવાનની ભક્તિ છોડાવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રહ્લાદ અડગ રહ્યો. ગુરુઓએ સમજાવ્યું, ધમકાવ્યો, પણ પ્રહ્લાદે નારાયણનું સ્મરણ ન છોડ્યું. ક્રોધિત હિરણ્યકશિપુએ ઝેર આપ્યું, અગ્નિમાં નાખ્યો, પર્વત પરથી ફેંક્યો, સાપો છોડ્યા, પરંતુ દરેક વખતે ભગવાને તેની રક્ષા કરી. અંતે, હિરણ્યકશિપુએ સ્તંભમાં ભગવાન વિશે પ્રશ્ન કર્યો; ત્યારે નરસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો નાશ કર્યો. પ્રહ્લાદની અડગ ભક્તિથી તેની સંપૂર્ણ રક્ષા થઈ.

પરંતુ પ્રહ્લાદ નરસિંહ ભગવાનને પ્રાર્થનામાં કહે છે કે ‘પ્રભુ, આપે મારા શરીરની રક્ષા કરી, પણ ખરી રક્ષા તો ત્યારે માનીશ જયારે આપ મને કામ, ક્રોધ, માન, જેવા શત્રુઓથી બચાવશો.’

કૃપા તો એવી સમજ છે, જે આઘાતમાંથી શીખવાની બુદ્ધિ આપે છે. નુકસાનમાં પણ માણસ તૂટતો નથી, કારણ કે એને ખબર હોય છે કે હાથ પકડીને કોઈ અજાણી શક્તિ ચાલે છે. એ શક્તિ દેખાતી નથી, પરંતુ અનુભવાતી રહે છે.જેમ દૂરથી સુગંધ ફૂલને દેખાડતી નથી, છતાં વાતાવરણને સૌરભથી ભરી દે છે. જે માણસ આ કૃપાને જીવનના કેન્દ્રમાં રાખે છે, તેના માટે મોટાં વિઘ્નો પણ જીવનના પાઠ બની જાય છે.

મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે ધ્યાનથી જોઈએ તો ભગવાનની કૃપા અને પ્રતાપનો અનુભવ થયા વગર રહે જ નહીં ! મોટાં વિઘ્નો તરી જવાય ત્યારે,દુષ્કર કાર્ય સહેલું લાગે ત્યારે અને અજાણી રીતે રક્ષા અનુભવાય ત્યારે ખબર પડે એમ નહીં, પણ સ્વાદ, લોભ, કામ વૃત્તિમાં મન ન જાય, એ કેટલી મોટી રક્ષા છે! જે આ કૃપાને ઓળખી લે છે, તેનું જીવન ભારણ નહીં રહે, પણ ભજન બની જાય છે.