Fri Sep 11 2026

Logo

16 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, ઉત્તરાખંડના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ચારધામ યાત્રા રોકાઇ

2026-07-29 10:02:00
Author: Mumbai Samachar Team
16 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, ઉત્તરાખંડના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ચારધામ યાત્રા રોકાઇ

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આજકાલ જોરદાર વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સમગ્ર એનસીઆરમાં એટલો પ્રચંડ વરસાદ પડ્યો કે માત્ર ગરમીથી રાહત જ ન મળી, પરંતુ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો. મોસમનો આ મિજાજ હાલમાં ચાલુ રહેશે. 3 ઓગસ્ટ સુધી વરસાદથી રાહતની કોઈ આશા નથી. 29 જુલાઈ, બુધવારે પણ હવામાન વિભાગે બિહાર, ઉત્તર પ્રદેશ સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. કેટલાક રાજ્યોમાં કરા પણ પડી શકે છે. આગામી 4-5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ સામાન્ય અથવા તેનાથી વધુ રહી શકે છે. ઉત્તરાખંડના 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

16 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી

29 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે જારી કર્યું છે. બુધવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ, પંજાબ સહિત 16 રાજ્યોમાં જોરદાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી હવામાન વિભાગે જારી કરી છે. આ સમયગાળા દરમિયાન લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વાવાઝોડા અને વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ વધી જાય છે. ખાસ કરીને ખેડૂતો અને માછીમારોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

દિલ્હીમાં 29 જુલાઈએ કેવું રહેશે હવામાન?

દિલ્હીમાં આજે પણ મંગળવારની જેમ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 31 જુલાઈ અને ત્યારબાદ 2-3 ઓગસ્ટ માટે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. મંગળવારે પડેલા ચોમાસાના વરસાદથી દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગઈકાલના વરસાદથી ગરમીથી થોડી રાહત ચોક્કસ મળી છે. 29 જુલાઈએ રાજ્યમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે.