સારંગપ્રીત
સિદ્ધિ માટે પાંચ કારકોના મહત્ત્વને સમજ્યા. આજે કૃષ્ણ ભગવાન સંશયના નાશની મહત્તા બતાવે છે, તે સમજીએ.
સંશય એટલે મનની શંકા, અવિશ્વાસ કે અનિશ્ર્ચિતતા. જયારે કોઈ વાતને લઈ મન સ્પષ્ટ નથી હોતું, સાચુંખોટું, કરવું ન કરવું, વિશ્વાસઅવિશ્વાસ જેવા દ્વંદ્વમાં ફસાઈ જાય છે ત્યારે તેને સંશય કહે છે. સંશય મનને ક્યારેય સ્થિર રહેવા દેતો નથી. એ જ કારણ છે કે ગીતામાં પહેલેથી જ કહેવામાં આવ્યું છે સંશયાત્મા વિનશ્યતિ એટલે કે જે મનુષ્ય સંશયમાં રહે છે તેનો વિનાશ થાય છે.
સંશય મનમાં અશાંતિ જગાવે છે અને વિશ્વાસનો નાશ કરે છે. જયારે વિશ્વાસ નથી ત્યારે ચિત્ત ક્યારેય શાંત નથી થતું. કાર્યમાં સંશય રાખવાથી માણસ આગળ વધતો નથી. સંશય પ્રગતિને રોકે છે. વળી, માણસ જો બીજાની ભાવના અથવા વફાદારી વિશે શંકાશીલ હોય તો માનવીય સંબંધ ક્યારેય મજબૂત રહી શકતા નથી. અને અધ્યાત્મ માર્ગમાં તો સંશય શ્રદ્ધાને જ સમાપ્ત કરી દે છે ! ભક્તિ, યોગ કે જ્ઞાનના માર્ગમાં સંશય એ મોટો અવરોધ છે. પરમાત્મા પર શ્રદ્ધા વિના અનુભૂતિ શક્ય નથી.
હા, સંશય મનુષ્યને પૂર્ણ અશાંત કરે છે. અને અશાંત મન ધ્યાન-ધારણા કેવી રીતે કરી શકે? પરિણામે મુમુક્ષુના જીવનની દિશા અધૂરી રહે છે. શંકા એ એવો અંધકાર છે જે જ્ઞાનનો પ્રકાશ આવવા દેતો નથી. સંશયના કારણે વ્યક્તિ ક્યારેય પૂર્ણ નિર્ધાર સાથે અધ્યાત્મ માર્ગે આગળ વધી શકતી નથી.
આવું જ દૈનિક જીવનમાં પણ બને છે કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ સતત સંશય રાખે કે હું પાસ થઈશ કે નહિ? તો તે ક્યારેય પૂરેપૂરી એકાગ્રતા સાથે અભ્યાસ કરી શકતો નથી. પરંતુ જો વિશ્વાસ રાખે કે મારા પ્રયત્ન સાચા છે, તેથી હું સફળ થઈશ, તો નિશ્ર્ચિત જ સફળતા મળે છે.
યાદ રાખો, સંશયમાત્ર મનને નબળું બનાવે છે. પતિ-પત્ની વચ્ચે જો સંશયનું બીજ વાવવામાં આવે, તો પ્રેમ અને વિશ્વાસ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં સુખ અને શાંતિ છે, અને જ્યાં સંશય છે ત્યાં વિખવાદ અને દુ:ખ છે. તેથી મહંતસ્વામી મહારાજ કહે છે-જીવનમાં સંશયને દૂર રાખીને વિશ્વાસને સ્થાન આપવું એ જ સાચો માર્ગ છે. જયારે મહાભારતમાં અર્જુન યુદ્ધના સમયે સંશયમાં પડી ગયો કે પોતાનાં સ્વજનો સામે લડવું યોગ્ય છે કે નહિ. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેને જ્ઞાન આપીને તેના સંશયનો નાશ કર્યો.
કર્મયોગી હોય કે ત્યાગી હોય, તે સંશય રહિત હોય આ વાતમાં માનવજીવનના ઊંડા તત્ત્વનો સાર સમાયેલો છે. ત્યાગી એ છે જે આત્મજ્ઞાન અને પરમાત્મજ્ઞાનની શોધમાં આંતરિક ધ્યાન, સાધના અને સમાધિમાં પ્રવૃત્ત થાય છે, જ્યારે કર્મયોગી એ છે જે બાહ્ય ભોગ, સંપત્તિ, મોહ અને બંધનોથી દૂર રહીને અનાસક્તિનો માર્ગ અપનાવે છે. જો કે બંને માર્ગમાં પ્રત્યક્ષ પરમાત્માનો યોગ જ મુખ્ય છે. અને તે માટે સંશયરહિત થવું તે પહેલી અનિવાર્યતા છે. એક યોગીની મૂલ્યવાન લાક્ષણિકતા એ છે કે તે સદા સંશય રહિત હોય છે, વિકલ્પ રહિત હોય છે.
યોગી જ્યારે ધ્યાનમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામે છે ત્યારે તેના મનમાં કોઈ દ્વંદ્વ કે સંશય રહેતો નથી; તેના માટે બ્રહ્મજ્ઞાન સત્ય રૂપે અનુભૂતિમાં આવે છે. એ જ રીતે ત્યાગી, જ્યારે બધું ત્યજી દે છે, ત્યારે કોઈ પ્રશ્નો કે સંશય બાકી રહેતા નથી કારણ કે તેના માટે મોહ અને આશ્રયના બધા સ્તોત્ર ખંડિત થઈ જાય છે. તે ‘અહં’ તથા ‘મમતા’ના વલયમાંથી મુક્ત થઈ જાય છે.
આ સંશય રહિતાવસ્થા મનુષ્યજીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે. ગીતા જણાવે છે કે આ મેધાવી છિન્ન સંશય બની જાય છે. વિશ્વાસ, શ્રદ્ધા અને આત્મસમર્પણ વગર જ્ઞાનનું ફળ પ્રાપ્ત થતું નથી. યોગીનો વિશ્વાસ તેને પરમાત્માના અનુભવ સુધી લઈ જાય છે, જ્યારે ત્યાગીનો વિશ્વાસ તેને વિવેક અને અક્ષરધામ સુધી પહોંચાડે છે.
પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે -સંશય રહિત થવા માટે જીવનમાં ગુરુનું શરણું લેવું પડે. એકાગ્રતા, શ્રદ્ધા અને સાધનાથી આવેલ સંશયનો અંત જ આત્મજ્ઞાનનો આરંભ છે. આથી કર્મયોગી અને ત્યાગી બંને જીવનના અલગ માર્ગે ચાલે છે, છતાં તેમની સફળતા અને પૂર્ણતા ત્યારે જ છે જ્યારે તેઓ શંકા અને દ્વંદ્વથી પર હોય છે. અંતે એ બંને એક જ સત્ય તરફ આગળ વધે છે પ્રત્યક્ષ પરમાત્માનો સાક્ષાત્કાર!