Wed Aug 19 2026

Logo

વિશેષ: આપણું એક શરીર છે કે ત્રણ શરીર છે?

2026-08-17 09:39:00
Author: Rajesh Yagnik
Article Image

 

- રાજેશ યાજ્ઞિક

આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, માનવ શરીરનો ઉદ્દેશ્ય આત્માનો સાક્ષાત્કાર કરવો અને મુક્તિ પ્રાપ્ત કરવાનો છે. આ શરીર માત્ર શારીરિક પ્રવૃત્તિઓ માટે જ નથી, પરંતુ તે આધ્યાત્મિક ઉન્નતિ માટેના માધ્યમ તરીકે પણ કાર્ય કરે છે.

હિન્દુ ધર્મ માનવ અસ્તિત્વને ત્રણ શરીર, પાંચ ‘કોશ’ (આવરણો) અને ચેતનાની ત્રણ અવસ્થાઓમાં વ્યાખ્યાયિત કરે છે. ત્રણ શરીરનો સિદ્ધાંત એ સમજાવે છે કે મનુષ્ય માત્ર એક ભૌતિક સ્વરૂપ કરતાં વિશેષ કંઈક છે. આપણે જે શરીરને જોઈ અને સ્પર્શી શકીએ છીએ તે અસ્તિત્વનું માત્ર એક સ્તર છે. દરેક શરીરનું વિશિષ્ટ કાર્ય હોય છે, તેમ છતાં તે પરસ્પર ગાઢ રીતે જોડાયેલાં હોય છે અને તેમને અલગ-અલગ રીતે સમજી શકાતા નથી. 

આ ત્રણ શરીરો માત્ર ભૌતિક માળખા પૂરતા સીમિત નથી. તેમાં ઊર્જા, મન, સંસ્કારો અને ચેતનાનો સમાવેશ થાય છે. તેમના માધ્યમથી જ આપણે વિચારીએ છીએ, અનુભવીએ છીએ, કાર્ય કરીએ છીએ અને જગતને જાણીએ છીએ. 

સ્થૂળ શરીર: ‘સ્થૂળ શરીર’ એ તે ભૌતિક સ્વરૂપ છે જેના દ્વારા આપણે આ સંસારમાં જીવીએ છીએ. આ એવું શરીર છે જે શ્વાસ લે છે, ભોજન કરે છે, હલનચલન કરે છે અને વિવિધ ક્રિયાઓ કરે છે શરીર પ્રત્યેની આપણી સભાનતા જાગ્રતાવસ્થામાં સૌથી વધુ પ્રબળ હોય છે; આ અવસ્થામાં આપણે ઇન્દ્રિયો અને શારીરિક ક્રિયાઓ દ્વારા બાહ્ય જગત સાથે વ્યવહાર કરીએ છીએ.

‘સ્થૂળ શરીર’ એ પંચમહાભૂતોથી બનેલું ભૌતિક શરીર છે, જે જન્મ, સ્થિતિ, વૃદ્ધિ, પરિપક્વતા, ક્ષય અને મૃત્યુ એમ છ અવસ્થાઓમાંથી પસાર થાય છે. સ્થૂળ શરીર અન્ય તમામ તત્ત્વો (શરીરો) માટે માત્ર એક વાહન તરીકે કાર્ય કરે છે. ‘અન્નમય કોશ’ અને ‘પ્રાણમય કોશ’નું ભૌતિક સ્વરૂપ સ્થૂળ શરીરમાં રહેલું હોય છે. સ્થૂળ શરીરને ભૌતિક ખોરાક, પાણી અને હવા (પ્રાણવાયુ)ની આવશ્યકતા હોય છે, જે તે ‘અન્નમય કોશ’ અને ‘પ્રાણમય કોશ’માંથી મેળવે છે. મૃત્યુ સમયે સ્થૂળ શરીરનો નાશ થાય છે અને તેના પાંચ મૂળભૂત તત્ત્વો વિલીન થઈ જાય છે. 

સૂક્ષ્મ શરીર: ભૌતિક શરીરની પેલે પાર સૂક્ષ્મ શરીર (જેને ‘એસ્ટ્રલ બોડી’ તરીકે ઓળખવામાં આવે છે) અસ્તિત્વ ધરાવે છે. સૂક્ષ્મ શરીર, જેને લિંગ શરીર તરીકે પણ ઓળખાય છે, એ એવું ક્ષેત્ર છે જ્યાં મન અને બુદ્ધિનો વાસ હોય છે. સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની જેમ માંસ કે ભૌતિક પદાર્થનું બનેલું હોતું નથી. તે ‘નાડીઓ’ એટલે કે સૂક્ષ્મ ઊર્જા-માર્ગો દ્વારા કાર્ય કરે છે, જે ભૌતિક શરીર સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આ ગાઢ જોડાણને કારણે, સૂક્ષ્મ શરીરમાં થતા ફેરફારો ઘણીવાર શારીરિક સ્વાસ્થ્ય, લાગણીઓ અને માનસિક સ્થિતિ પર અસર કરે છે.

તે ભૌતિક શરીર અસ્તિત્વમાં આવે તે પહેલાં જ અસ્તિત્વ ધરાવે છે, કારણ કે ભૌતિક શરીરનું નિર્માણ અને ઘડતર તેની ઉપર અને તેની આસપાસ જ થાય છે; અને તેનું અસ્તિત્વ ત્યારે જ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે જ્યારે મૃત ભૌતિક શરીરનો અંતિમ કણ પણ વિલુપ્ત થઈને વિખેરાઈ જાય. 

જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેના સ્થૂળ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. છતાં કોઈ વાહન કે માધ્યમ વિના આત્મા સ્થૂળ શરીરનો ત્યાગ કરી શકતો નથી. આ વાહન એટલે ‘લિંગ-શરીર’ અથવા સૂક્ષ્મ શરીર, જેને ક્યારેક ‘અંગુષ્ઠ-માત્ર’ (અંગૂઠાના કદનું) તરીકે વર્ણવવામાં આવે છે. ઉપનિષદના ગ્રંથોમાં હૃદયની અંદર અંગૂઠાના કદના એક પુરુષ (પ્રાણી)ના અસ્તિત્વનો ઉલ્લેખ છે. 

કારણ શરીર અથવા કરણ શરીર: માનવ અસ્તિત્વના સૌથી ગહન સ્તરે ‘કારણ શરીર’ રહેલું છે, જેને ‘કરણ-શરીર’ અથવા ‘કર્મ-શરીર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ત્રણેય શરીરોમાં સૌથી સૂક્ષ્મ છે અને તે મૂળ કારણ તરીકે કાર્ય કરે છે, જેમાંથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થાય છે. 

‘કારણ શરીર’ એ સામાન્ય અર્થમાં કોઈ ભૌતિક શરીર નથી. યોગિક ગ્રંથોમાં તેને ‘અનિર્વચનીય’ (સ્પષ્ટ વર્ણનથી પર) અને ‘અનાદિ’ (જેની કોઈ શરૂઆત નથી) તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે આકાર, સમય અને પ્રત્યક્ષ અનુભૂતિથી પર અસ્તિત્વ ધરાવે છે, જે તેને ત્રણેય શરીરોમાં સૌથી રહસ્યમય બનાવે છે.

આપણાં પૂર્વ જન્મના અનુભવો (સંસ્કારો) ‘કારણ શરીર’માં સંગ્રહિત હોય છે; પ્રત્યેક જન્મો દરમિયાન પ્રાપ્ત થયેલી માહિતી અને જ્ઞાનને ધારણ કરે છે. ‘માયા’માંથી ઉદ્ભવતા આસક્તિના ભાવો અને સાંસારિક વસ્તુઓ તથા ભોગવિલાસ માટેની તીવ્ર ઈચ્છાઓ જેને ‘વાસનાઓ’ તરીકે ઓળખવામાં આવે છે, તે પણ કારણ શરીર સાથે જ જોડાયેલી હોય છે. મૃત્યુ સમયે ભૌતિક શરીર પાછળ રહી જાય છે, જ્યારે સૂક્ષ્મ અને કારણ શરીર પોતાની યાત્રા ચાલુ રાખે છે. કારણ શરીર એક જન્મથી બીજા જન્મ સુધી વ્યક્તિગત અસ્તિત્વની રૂપરેખા (બ્લૂપ્રિન્ટ) સાથે લઈ જાય છે અને મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુનર્જન્મ તથા અનુભવોનું માર્ગદર્શન કરે છે.

માત્ર ગહન ધ્યાન, આત્મ-વિચારણા અને આંતરિક સ્થિરતા દ્વારા જ જાગૃતિ આ સ્તરની પેલે પાર જઈ શકે છે. જ્યારે કારણ-શરીરના સ્તરે અજ્ઞાન વિલીન થાય છે, ત્યારે આત્માનું સાચું જ્ઞાન પ્રગટ થાય છે.

યોગ, સાત્ત્વિક ભોજન, પ્રાણાયામ અને ધ્યાનના નિયમિત અભ્યાસથી આપણા ત્રણેય શરીરોનું શુદ્ધિ થાય છે તેમ યોગગ્રંથો કહે છે.