ચાલો, આપણે એક સોદો કરીએ. મને ખબર છે તમારા માટે સોનલની બેગ અગત્યની છે. બેગમાં જે માલ છે તે હું અડધો કાઢી લઉં છું અને બેગ તમને મોકલી આપું છું...
માવજી મહેશ્ર્વરી
પોણા કલાક પછી પેલા અધિકારીએ પાણી પીધું અને પોતાનો વિષય પૂરો કરતાં ભાષા બદલી હિન્દીમાં કહ્યું.
‘મુઝે આશા હૈ આપ વિક્રાંત પાઈપ્સ કે આનેવાલે પ્રોજેક્ટસ કે બારેમેં સમજ ચૂકે હૈ. આપ અગર કોઈ ક્વેશ્ર્ચન કરના ચાહતે હો તો યુ મે આસ્ક.’
થોડીવાર કોઈ બોલ્યું નહીં. જોકે, કદાચ મોટાભાગના બોરીંગ ભાષણથી કંટાળ્યા હતા. તેમ છતાં એક યુવાન દેખાતા વ્યક્તિએ અંગ્રેજીમાં જ પેલા અધિકારી સાથે ચર્ચા કરી. વધુ દસેક મિનિટ પસાર થઈ. એ અધિકારીના ભાષણ પછી પછી લંચ લઈને છૂટા પડવાનું હતું. જોકે હોટેલ સાંજ સુધી બુક કરવામાં અવેલી હતી એટલે સનત નિશ્ર્ચિતં હતો. પણ કેટલાકને જાણે જવું જ ન્હોતું. ચર્ચાઓ લંબાયે જતી હતી અને સનત મનોમન અકળાતો જતો હતો. તેના માટે હવેની એક એક મિનિટ કિંમતી હતી. તેને જ ખબર હતી આ લોકો જેને પોતાની પત્ની માની રહ્યા છે તે સોનલ થોડીવાર પછી છૂટી પડી જવાની છે. એક સુખદ સ્મૃતિ રૂપે તેની યાદ માત્ર રહી જવાની છે. આવેલ ડેલિગેટસને કંપની તરફથી સર્ટિફિકેટ અને મોમેન્ટો અપાઈ રહ્યા હતા. સનતનું નામ બોલાયું ત્યારે કેટલાક લોકોએ ખાસ તેની સામે જોયું.
સનત પોતાની જગ્યા ઉપર બેસી ગયો. તે વખતે એક યુવાન છોકરો આવ્યો. કદાચ તે હોટેલનો વેઈટર હતો. તેણે સનતના કાન પાસે હોઠ રાખીને એકદમ ધીમેથી કહ્યું.
‘સર, મેડમને કહા હૈ કી વો બાહર જા રહી હૈ આપ લંચ લે લેના.’
સનતનું મો લેવાઈ ગયું. રૂમ પર પહોંચી જવાની તેની તાલાવેલી પર ઠંડું પાણી રેડાઈ ગયું. એટલું જ નહીં સોનલ સાથે જમવાની છેલ્લી તક પણ ચાલી ગઈ. થોડીવાર પહેલાનો તેનો ઉત્સાહ ઓસરી ગયો. હવે સોનલ પાછી આવે ત્યાં સુધી એકલા જ બેસી રહેવું અથવા અહીં નિરર્થક વાતો કરવાની.
સનત ઉદાસ ચહેરે બેસી રહ્યો. પ્રોગ્રામ બાકાયદા પૂરો થયાની જાહેરાત થઈ. લંચની જાહેરાત પણ થઈ. કોઈ પોતાને બોલાવે, કશું પૂછે તે પહેલા સનત પોતાના રૂમ પર ચાલ્યો ગયો. બેડ એકદમ વ્યવસ્થિત હતું. સોનલની બેગ અને તેની બેગ જોડાજોડ પડેલી હતી. બાકીની ચીજો પણ વ્યવસ્થિત કરી દેવાઈ હતી. નીકળતી વખતે સનત પોતાના આગલા દિવસના ઉતારેલાં કપડાં એમને એમ છોડી ગયો હતો. એ કપડાં દેખાતાં ન હતા. તેણે પોતાની બેગ ખોલી. ખરેખર તેના મેલાં કપડાં પોલીથીન બેગમાં ઘડી કરીને બેગના તળિયે મુકાયેલાં હતાં. સનતનો જીવ ગળે આવી ગયો. તેને થયું સોનલ કેટલી સુશીલ અને ઘરેલુ છોકરી છે. કરોડોની માલિક હોવા છતાં તેને નાનું કામ કરવામાં જરા પણ સંકોચ નથી. અરે! મારાં કપડાંની ઘડી કરતી વખતે તેણે શું અનુભવ્યું હશે? સનતને એકાએક સોનલને ઓફર કરવાની ઈચ્છા થઈ આવી. તેણે વિચાર્યું સોનલ આવશે તો પોતે જરૂર કહેશે કે હું તારા પ્રેમમાં પડી ગયો છું. ખબર છે કે તે સ્વીકારશે નહીં. પણ છૂટા પડતા પહેલા એકવાર તેને ગળે વળગાડીને ભીંસી લેવી છે. અત્યારે સોનલ આવી ચડે તો તે બેય હાથ લંબાવે. સોનલ આનાકાની કરે તોય તેને પકડીને ભીંસી નાખે. તેની મલાખી આંખોમાં જોઈ રહેતા કહે. મને ખબર છે તું મને પરણે એ શક્ય જ નથી. છતાં તને પૂછું છું બોલ મારી સાથે લગ્ન કરીશ? સોનલ શું કહે? ગુસ્સે થાય, દલીલ કરે કે પછી ઉદાસ થઈ જાય? શું કરે સોનલ?
સનતે આંખો બંધ કરી દીધી. સોનલના દિવાસ્વપ્નમાં ખોવાઈ જવાનું તેને ગમ્યું. આગલી બે રાતના ઉજાગરા અને ભૂખને કારણે તેનું શરીર થાક્યું હતું. તેને ખ્યાલ હતો કે નીચે લંચ શરૂ થઈ ગયું હશે. પોતે જો અત્યારે જમવા નહીં જાય તો પછી બહારથી કે હૉટેલની કેન્ટીનમાંથી મગાવીને ખાવું પડશે. સોનલ કહેતી ગઈ છે કે લંચ લઈ લેજો મતલબ તે આવવાની નથી. એક જવાબદાર વ્યક્તિ તરીકે પોતે અત્યારે બધાની સાથે રહેવું જોઈએ. તેને એક જુદો વિચાર પણ આવી ગયો. હું પાછો જઈશ ત્યાં મારે અહીંની બ્રીફ આપવી પડશે. મેં કોઈ નોંધ પણ નથી રાખી કે કોણ શું બોલ્યું. જો કદાચ એ વાત મારા યુનિટમાં પહોંચે કે સનત તેની પત્ની સાથે આવ્યો હતો. તો? હું કોઈ છોકરીને પત્ની બનાવીને લઈ ગયો હતો તે જાણી મેનેજર સામે મારું કેટલું ખરાબ લાગશે?
સનતને લાગ્યું કે તેણે ક્ષણિક મોહમાં પોતાની કેરિયરને અસર થાય તેવું ન કરવું જોઈએ. તે નીચે ગયો. ત્યાં માહિતિ મળી કે લંચ લીધા પછી એક કીટ લઈ જવાની છે. જેમાં આ સેમિનારની વિગતો છે. સનતની ચિંતા ટળી ગઈ. તેને ભૂખ લાગી હતી અને સ્વાદિષ્ટ ખાણું સામે જ હતું. તેણે ધરાઈને ખાધું. મળી શકાય એવાને મળ્યો. પછી તે પોતાના રૂમ પર આવી કપડાં બદલાવી બેડ પર આડા પડી સિગારેટ સળગાવી. સિગારેટનો કસ લેતાં જ સોનલ યાદ આવી. સોનલનો ભેટો કરવામાં સિગારેટ જ નિમિત બની હતી. આગલી બે રાતોની અધકચરી નિંદરનો ભાર તેની આંખો પર આવી ગયો હતો. શરીર સૂઈ જવા ઉતાવળું થયું હતું. તેને વિચાર આવ્યો કે પોતે સૂઈ જશે અને સોનલ આવશે અને તે મળ્યા વગર ચાલી જશે તો? તેણે જાગવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છતાં ઊંઘ સામે તે હારી ગયો. તેને ખબર જ ન રહી કે તે પૂરા ચાર કલાક સુતો રહ્યો હતો. અચાનક આંખ ખૂલી ત્યારે છ વાગતા હતા. તેણે પોતાનો સેલફોન જોયો. ફોનમાં પર કેટલાય અજાણ્યા મિસ્ડ કોલ પડ્યા હતા. જેમાં કેટલાક તો લેન્ડલાઈનના હતા. તેને થયું સોનલ હજુ આવી નથી, ક્યાંક ફસાઈ તો નહીં ગઈ હોય ને? તે જલદીથી બાથરૂમમાં ગયો. પણ જેવો અંદર ગયો કે તરત તેના ફોનની રીંગ વાગી. તે ઝડપથી પાછો ફર્યો. તેણે નંબર જોયા. એ લેન્ડલાઈન નંબર હતા. તેણે હલ્લો કહ્યું. તો સામેથી પુરુષ સ્વર સંભળાયો. પેલાએ સીધું કહી નાખ્યું. ‘મિસ્ટર સનત લિસન મી. સોનલ હોટેલ પર આવી શકે તેમ નથી. એક ગાડી આવે છે તમે ડ્રાઈવરને તેની બેગ આપી દેશો.’
સનતને થયું કે આ બોલનાર કોણ છે, તે સોનલનો શું થાય છે તે જાણ્યા વગર તેની બેગ આપવા જવું મૂર્ખાઈ ગણાશે. તેણે સામે પ્રશ્ન કર્યો. ‘તમે કોણ છો અને સોનલ પોતે ન કહે ત્યાં સુધી હું કેમ માનું કે બેગ એમને જ મળી છે.’
‘જુઓ સવાલ ન કરો. સોનલ ઉપર ખતરો છે. તમે એમની મદદ કરી જ છે તો હજુ થોડી મદદ કરો.’
‘સોરી મિસ્ટર હું આવું ન કરી શકું. યા તો સોનલ મને કહે અથવા તે જાતે આવીને લઈ જાય.’
સામેથી ફોન કટ થઈ ગયો.
સનતને નવાઈ લાગી. તેને થયું સોનલે જાતે શા માટે ફોન ન કર્યો. આમ તો સનતે આજે દિલ્હીમાં રોકાઈને આગ્રા જવાનો વિચાર કર્યો હતો. આજે તેને સોનલ સાથે હજુ સમય ગાળવાની ઈચ્છા હતી. પણ જે રીતે ફોન કટ થયો તે જોતાં તેને જરા વિચિત્ર લાગ્યું. ફરી તેના ફોનની રિંગ વાગી. એજ નંબર હતા. તેણે જરા અચકાતા હલ્લો કહ્યું તો સામેથી સોનલનો અવાજ સંભળાયો. તે ગભરાયેલી હોય તેવું લાગતું હતું.
‘સનત મારી વાત ધ્યાનથી સાંભળો. જુઓ આ લોકો જેમ કહે છે તેમ કરો પ્લીઝ.’
‘આ લોકો એટલે?’ સનતના શરીરમાંથી ભયનું લખલખુ પસાર થઈ ગયું.
સોનલને બદલે ફરી એ અવાજ સંભળાયો જેણે આ પહેલા સનત સાથે વાત કરી હતી. તેનો અવાજ આ વખતે સખ્તાઈભર્યો હતો. તેણે હૂકમની ભાષામાં જ વાત કરી. ‘મિસ્ટર ભરોસો આવી ગયો ને? હવે ચૂપચાપ બેગ આપી દેવાની છે. હું ગાડી મોકલું છું. સમજી ગયો ને?’
‘અને જો ન આપું તો?’ સનતે કહ્યું.
થોડીવાર સામે મૌન છવાઈ ગયું. સનતને નવાઈ લાગી કે તેનાથી એવું કેમ બોલાઈ ગયું. તે જવાબની રાહ જોઈ રહ્યો. સામેવાળા પુરુષે કહ્યું, ‘એ તો તારે આપવી જ પડશે. સોનલ કહેશે તો આપીશ ને?’
‘જો સોનલ કહે તો પણ ન આપું તો તમે શું કરશો?’
‘યુ ઈડિયટ મગજ ફરી નથી ગયું ને? મરવું ન હોય તો હું કહું છું તેમ કર સમજ્યો?’
‘જુઓ મિસ્ટર મને હવે બધું સમજાઈ રહ્યું છે અને હવે તો સોનલ એકવાર મારી સામે આવે પછી જ બેગ મળશે.’
સનત બરાબર કાન ઉપર સેલ ફોન ધરીને બેઠો હતો. પ્રતિપળે તેનું હૃદય તેજ ગતિથી ધડકતું જતું હતું. એકાએક મન ઉપર આવેશ કબજો જમાવતો હતો. સામેથી કોઈ જવાબ ન મળતા તેણે હલ્લો હલ્લો કર્યા કર્યું. ત્યાં ફરી સોનલનો દબાયેલો અવાજ સંભળાયો, ‘સનત પ્લીઝ આ લોકો કહે છે તે પ્રમાણે બેગ આપી દો.’
‘નહીં સોનલ, હું બેગ આપવા આવીશ. એમને એમ નહીં આપી દઉં.’
‘શા માટે તમારો જીવ જોખમમાં મુકો છો? આ લોકો કહે તે પ્રમાણે કરો પ્લીઝ.’
સોનલ જેણે મારી સાથે વાત કરી છે એને ફોન આપ તરત સામેથી બરછટ અવાજ આવ્યો, ‘ઓયે ઈજનેરના બચ્ચા, તું મરવાનો થયો છે? હું ગાડી મોકલું છું તું બેગ આપીએ દેજે.’
‘હું બેગ આપીશ નહીં. તમે જ્યાં કહેશો ત્યાં હું ખુદ આવીશ. જો તમે સોનલને કશું કર્યું તો હું પોલીસ પાસે જઈશ.’ ફરી સામે મૌન છવાઈ ગયું. થોડીવાર પછી સામેથી અવાજ આવ્યો. ‘જો ભાઈ અમને આ છોકરીમાં જરાય રસ નથી. જો તારી પાસે રહેલી સોનલની બેગ અમને મળી જશે તો અમે છોકરીને છોડી દઈશું. જો તેં કોઈએ ચાલાકી કરી તો આ છોરી તો મરશે તું પણ મરીશ.’
સનત સમજ્યો કે એ બેગમાં જરૂર કોઈ એવી ચીજ છે જે એ લોકો માટે સોનલ કરતાં પણ કિમતી છે. તેણે અંધારામાં તીર ચલાવ્યું. જુઓ આ છોકરીએ કોઈ મારી સગી નથી, અગર તમે એને મારી નાખશો તોય પણ મને કોઈ ફરક નહીં પડે. ચાલો, આપણે એક સોદો કરીએ. મને ખબર છે તમારા માટે સોનલની બેગ અગત્યની છે. બેગમાં જે માલ છે તે હું અડધો કાઢી લઉં છું અને બેગ તમને મોકલી આપું છું.’
‘અમને મૂરખ સમજી રહ્યો છે તું? ચાલો તો પણ મને મંજૂર છે. પણ એ માટે બેગ લઈને તારે એ ગાડીમાં આવવું પડશે સમજ્યો?’
‘ઓકે, મંજૂર હૈ.’ સનતે કહી નાખ્યું. જો થોડીવાર પછી એક બોલેરો ગાડી આવશે. તારે એમાં બેસી જવાનું છે. જરા પણ ચાલાકી કરી તો ત્યાં જ ગોળી છૂટશે. ગાડીના નંબર નોટ કર. સનત પેલાએ કહ્યા એ નંબર લખ્યા અને સામેથી ફોન કટ થયો.
અચાનક સનતનું શરીર કંપતું હતું. તેને સમજાતું ન હતું કે પોતે શું કરી રહ્યો છે. તેણે ઝડપથી સોનલની બેગ ખોલી. બેગના તમામ ફોલ્ડર તપાસી લીધા. પણ એવી કોઈ ચીજ ન દેખાઈ કે જેના માટે પેલો સોદો કરવા તૈયાર થઈ ગયો. એ બેગમાં સોનલના કપડાં અને થોડાંક ડોક્યુમેન્ટ્સ સિવાય એવું કંઈ જ ન હતું જે કિંમતી ગણાય. તેને થયું આવું કેમ બને? તેના કપાળમાં સળ પડ્યા. તેણે ગાડીનો નંબર યાદ કર્યો અને ઝડપથી પોતાની અને સોનલની બેગ ઉપાડી નીચે ઊતરવા લાગ્યો.
(ક્રમશ:)