Thu Oct 01 2026

Logo

પ્રિત્યું છે પૂરવની, નવીયું નહિ થાય નાથજી...

2026-09-21 09:33:02
Author: Maheshkumar Makwana
પ્રિત્યું છે પૂરવની, નવીયું નહિ થાય નાથજી...

સંત વાણી - મહેશકુમાર મકવાણા  

માં ચિત્તડું ચોરાયલ રે, માં મનડું વીંધાયલ રે, કોડીલા વર કાનસે,
હરિ વિના મારે વાધેલ વ્રેહ ને વૈરાગે રે, ઓધાજી વાતું કે'ને કૈયે?
પ્રિત્યું છે પૂરવની, નવીયું નહિ થાય નાથજી, હો મેં વારી જાઉં,
છોડી નવ છૂટે, મરને જાય શરીર રે, ઓધાજી વાતું કે'ને કૈયે?
ધીરજને કેમ ધરીએ રે, વ્રેહમાં કેમ વિસરીએ, હો મેં વારી જાઉં,
તેણે કરી તપે અમારાં તન રે, ઓધાજી વાતું કે'ને કૈયે?
દિવસ જાય છે દોહ્યલા, જાણે જુગ જેવડા, હો મેં વારી જાઉં,
દન અમને કરતાં રજની વિતી જાય રે, ઓધાજી વાતું કે'ને કૈયે?
પ્રાણને પાંજરિયે રે હરિ, વળુંભી રહ્યા, હો મેં વારી જાઉં,
નેણે કાંઈ નિરખવા નંદકુમાર રે, ઓધાજી વાતું કે'ને કૈયે?
મોરારના સ્વામી, ગોપીજન વિનવે રે, હો મેં વારી જાઉં,
દર્શન અમને દેજો દીનદયાળ રે, ઓધાજી વાતું કે'ને કૈયે? 

ઉપરથી જોઈએ તો આ એક ગોપીના કૃષ્ણવિરહનું ભજન છે. કૃષ્ણ દૂર છે. ગોપીનું ચિત્ત એમણે ચોરી લીધું છે, મન વિરહમાં વીંધાયેલું છે અને આંખો એમનાં દર્શન માટે તરસે છે. પણ મોરારસાહેબના જીવનને સાથે રાખીને આ ભજન સાંભળીએ તો વિરહનો બીજો એક સૂર પણ સંભળાય છે. મોરાર માટે હરિ માત્ર વ્રજના નંદકુમાર નથી રહેતા; સદ્ગુ રવિસાહેબમાં પણ એ જ હરિનું તેજ ઝળહળે છે.

મોરારસાહેબે રવિસાહેબ પાસે દીક્ષા લીધી. શેરખીમાં ગુનું સાનિધ્ય મળ્યું અને પછી ગુઆજ્ઞાથી ખંભાલીડામાં આવીને સ્થાન જમાવ્યું. શરીર ખંભાલીડામાં આવી ગયું હશે, પણ ચિત્ત? એ તો ગુચરણોમાં જ રહી ગયું હશે. સદ્ગુરુથી દૂર રહેવું પડે ત્યારે શિષ્યના અંતરમાં જે તરસ જન્મે, જે સ્મરણ ઘેં થતું જાય, જેની પાસે પાછા દોડીને જવાનું મન થાયએ ગુરુવિરહ પણ આ ભજનની ગોપીભાવની અંદરથી જાણે બોલતો સંભળાય છે. એટલે માં ચિત્તડું ચોરાયલ રે, માં મનડું વીંધાયલ રે ગોપીની ઉક્તિ હોવા છતાં તેમાં મોરારના પોતાના અંતરનો ધબકાર સાંભળવાનું મન થાય છે.

ભક્તિની આ જ વિશેષતા છે. હરિનો વિરહ હોય કે ગુરુનો, અંતરમાં થતી અસર ઘણી વાર એક જ હોય છે. જેને પોતાનું માન્યું હોય એ દૂર થાય ત્યારે એની ગેરહાજરી કરતાં એની હાજરી વધારે અનુભવાય છે. સામે નથી, છતાં બધે એ જ દેખાય. સાથે નથી, છતાં મન એની પાસેથી પાછું આવતું નથી. કૃષ્ણભક્તિમાં વિરહનું પોતાનું એક સ્થાન છે. મળવું જેટલું મહત્ત્વનું છે એટલું જ ક્યારેક ન મળવું. મળીએ ત્યારે આનંદ થાય. ન મળીએ ત્યારે સ્મરણ ઘેં થાય. અહીં ગોપી એ જ વિરહમાં છે. કૃષ્ણ સામે નથી, પણ મનમાં છે. અને મનમાં છે એટલે જ શાંતિ નથી.

પ્રથમ જ પંક્તિમાં કહે છે, માં ચિત્તડું ચોરાયલ રે. કૃષ્ણને ચોર કહ્યો છે. માખણચોર તો એ છે જ. પણ અહીં માખણ નથી ચોર્યું. ચિત્ત ચોર્યું છે. ચિત્ત ચોરાય પછી માણસ પોતાનો કેટલો રહે? પછી કહે છે, માં મનડું વીંધાયલ રે. ચોરી કરી એટલું પૂરતું નહોતું. મનને વીંધ્યું પણ છે. ચિત્ત લઈ લીધું અને ઘા મૂકી દીધો. 

કૃષ્ણને કોડીલા વર કહે છે. અહીં ઈશ્વર સાથેનો સંબંધ ભયનો નથી. પ્રેમનો છે. વર છે એટલે એ પોતાનો છે. પણ કૃષ્ણ એવા પોતાના છે કે કોઈ એકના થઈને રહે નહીં. એ ગોપીના છે, યશોદાના છે, નંદના છે, આખા ગોકુળના છે. ભક્તિમાં ઈશ્વરને પોતાનો માનવો પડે. પણ માત્ર પોતાનો કરી મૂકવો નહીં.

હરિ વિના વ્રેહ વધ્યો છે. સાથે વૈરાગ્ય પણ. પ્રેમ અને વૈરાગ્ય સામસામે લાગે. અહીં સાથે છે. કૃષ્ણ માટેની પ્રીતિ વધે એટલે બીજામાંથી મન ઊઠે. જે મન એકમાં ભરાઈ ગયું એને બીજા માટે જગ્યા કેટલી રહે? વૈરાગ્ય એટલે જગતનો તિરસ્કાર નહીં. એકના પ્રેમમાં બીજું ફિક્કું પડી જાય એ પણ વૈરાગ્ય. ઓધાજી વાતું કે'ને કૈયે? આ પંક્તિ ફરીફરી આવે છે. વિરહમાં સૌથી મોટી મુશ્કેલી એ કે વાત કોને કહેવી? જે સમજે એને કહીએ. પણ જે સમજે એ જ દૂર હોય તો? ઓધવ કૃષ્ણના સખા છે. એટલે ગોપીને લાગે કે ઓધવને કહીએ તો કદાચ વાત કૃષ્ણ સુધી પહોંચે. પણ કેટલીક વાત પહોંચાડવાની નથી હોતી. અનુભવવાની હોય છે. ઘાયલની ગત ઘાયલ જાણે. વિરહની ગત વિરહી જાણે.

પછી કહે છે, પ્રિત્યું છે પૂરવની. આ પ્રીતિ હમણાંની નથી. નવીયું નહિ થાય નાથજી. જે પ્રેમને શરૂઆત યાદ ન હોય એની અંતની વાત પણ શું કરવી? ગોપીને લાગે છે કે આ સંબંધ ઘણો જૂનો છે. કદાચ જન્મથી પણ જૂનો. ભક્તને ઈશ્વર મળ્યા પછી ઘણી વાર એવું લાગે કે આપણે એને નવા મળ્યા નથી. ઓળખાણ તો ક્યાંક પહેલેથી હતી. છોડી નવ છૂટે. છોડવું હોય તો પણ ન છૂટે. આ સામાન્ય દોરી નથી. શરીરની દોરી છૂટે તો છૂટે. એટલે આગળ કહે છે, મરને જાય શરીર. શરીર જાય પણ પ્રીતિ ન જાય. શરીરનો અંત છે. પ્રેમનો ક્યાં અંત છે?

ધીરજની વાત આવે છે. ધીરજને કેમ ધરીએ રે? બહારથી કહેવું સહેલું છે કે ધીરજ રાખો. પણ પ્રિયતમ વગર ધીરજ રાખવી કેવી રીતે? ધીરજ કોઈ કપડું નથી કે ઓઢી લઈએ. મનની સ્થિતિ છે. મન તો કૃષ્ણ પાસે છે. પછી ધીરજ ક્યાંથી લાવવી? વ્રેહમાં કેમ વિસરીએ? આ તો વધુ કઠિન પ્રશ્ન છે. વિરહનો એક ઉપાય ભૂલવું હોઈ શકે. પણ ગોપીને ભૂલવું જ નથી. દુ:ખમાંથી છૂટવું છે, કૃષ્ણમાંથી નહીં. પ્રેમની આ મોટી વાત છે. જેની યાદથી દુ:ખ થાય છે એની જ યાદ છોડવી નથી. 

કહે છે, તેણે કરી તપે અમારાં તન. વિરહ પહેલા મનમાં હતો. હવે શરીરમાં ઊતર્યો. તન તપે છે. તપવું એટલે બળવું પણ અને તપસ્યા કરવી પણ. ગોપીનું શરીર વિરહમાં તપે છે અને એ જ એની તપસ્યા બની જાય છે. ઈશ્વરને પામવા માટે જંગલમાં જવું જ પડે એવું નથી. ક્યારેક પ્રીતિ જ તપ છે. 

દિવસ જાય છે દોહ્યલા. દિવસ સામાન્ય રીતે ચોવીસ કલાકનો. પણ મનની ઘડિયાળ જુદી છે. આનંદમાં દિવસ પળ જેવો. વિરહમાં પળ પણ દિવસ જેવી. એટલે કહે છે, જાણે જુગ જેવડા. સમય ઘડિયાળથી મપાતો નથી. મનથી પણ માપાય છે. રાત પડે એટલે કદાચ શાંતિ મળે. પણ અહીં રાત પણ રુદનમાં જાય છે. રુદન અમને કરતાં રજની વિતી જાય. રાત ઊંઘ માટે હતી. હવે રડવા માટે છે. આંખને ઊંઘ નથી. કારણ કે આંખને કંઈ બીજું જોઈએ છે. નંદકુમાર જોઈએ છે. અહીં આંખ બહુ મહત્ત્વની છે. આંખ રડે છે અને આંખ જ દર્શન માંગે છે. દુ:ખ પણ એનું અને આશા પણ એની.

પછી કહે છે, પ્રાણને પાંજરિયે રે હરિ, વળુંભી રહ્યા. કેટલું સુંદર શબ્દચિત્ર! શરીર જાણે પાંજં. એ પાંજરામાં પ્રાણ. અને પ્રાણમાં હરિ. બહાર કૃષ્ણ દેખાતા નથી પણ અંદર વળુંભી રહ્યા છે. એટલે ગોપી કૃષ્ણથી ખાલી નથી. ઊલટું કૃષ્ણથી ભરેલી છે. આ જ તો વિરહની વિસંગતિ છે. જે બહાર નથી એ અંદર બધે છે. પણ અંદરની હાજરી પૂરતી નથી. નેણે કાંઈ નિરખવા નંદકુમાર. આંખને તો રૂપ જોઈએ. ભક્તિમાં ઈશ્વર નિરાકાર હોય એ એક વાત. પણ પ્રેમને ચહેરો ગમે. આંખને કમલનયન જોઈએ. કાનને વેણુનો સ્વર જોઈએ. મનને નામ જોઈએ. ભક્તિમાં જ્ઞાન પોતાની જગ્યાએ અને દર્શનની તરસ પોતાની જગ્યાએ.

અંતે ગોપીજન વિનવે છે. એક જ માગ. દર્શન અમને દેજો દીનદયાળ. ભક્તિમાં માગવાનું હોય તો શું માગવું? ગોપી ધન નથી માગતી. સુખ નથી માગતી. વિરહ દૂર કરો એવું પણ સીધું નથી કહેતી. દર્શન દેજો એમ કહે છે. કારણ કે મનનો માનેલો મળી જાય તો વિરહ ક્યાં રહે? પદમાં હો મેં વારી જાઉં પણ વારંવાર આવે છે. દુ:ખ છે છતાં ઓવારી જાય છે. જેને કારણે મન તપે છે એના પર જ વારી જાય છે. આ ભક્તિની રીત છે. ફરિયાદ પણ એની પાસે. આશરો પણ એનો. વિરહ પણ એનો. મિલનની આશા પણ એની.

અને વારંવાર એ જ પ્રશ્ન, ઓધાજી વાતું કે'ને કૈયે? વાત તો કૃષ્ણની છે. વાત કૃષ્ણને જ કહેવાની છે. પણ કૃષ્ણ સામે નથી એટલે ઓધવને કહેવાય છે. ભજન પણ એવું જ હોય છે. જે વાત સીધી ઈશ્વરને ન કહી શકાય એ ગાઈને કહેવાની. આ ગોપી પણ ગાઈને કહે છે. રડીને કહે છે. વિનવીને કહે છે.

અંતે આખું ભજન એક જ તરસમાં સમાઈ જાય છે જેને હૃદયે સ્વીકાર્યો છે એના વગર જીવાતું નથી અને એને ભૂલાતો પણ નથી. વિરહ શરીરને તપાવે છે, સમયને લાંબો કરે છે, આંખોને રડાવે છે; છતાં પ્રેમ ઓછો થતો નથી, ઊલટો વધુ ઊંડો ઊતરતો જાય છે. ચિત્ત એક વાર ચોરાઈ ગયું પછી એને પાછું મેળવવાની ઇચ્છા પણ રહેતી નથી; હવે તો એક જ ઇચ્છા રહે છે જે ચિત્ત લઈ ગયો છે, એ જ એક વાર આંખ સામે આવી જાય. અને કદાચ અહીં જ ગોપીનો કૃષ્ણવિરહ અને મોરારનો ગુવિરહ એક થઈ જાય છે. નામ કૃષ્ણનું હોય કે સદ્ગુનું, પ્રેમની અંતિમ માગ તો એક જ છે દર્શન. હૃદયમાં જે અવિરત વસે છે, એને આંખો પણ એક વાર જોઈ લે. એટલે અંતે ગોપીની પ્રાર્થના માત્ર ગોપીની રહેતી નથી; 

દરેક વિરહી ભક્તની બની જાય છે દર્શન અમને દેજો દીનદયાળ.