- ડૉ. નિરંજન રાજ્યગુરુ
ભુવનેશ્વરી માતાજીના મંદિર સમગ્ર ભારતમાં બે સ્થળે જ છે. એક પ્રાચીન મંદિર દક્ષિણમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે અને બીજું સૌરાષ્ટ્રમાં ગોંડલમાં. ઈ.સ.1946માં બ્રહ્મલીન આચાર્યશ્રી ચરણતીર્થ મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના તથા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અત્યંત દૈદીપ્યમાન એવી શ્વેત સંગેમરમરની આસનસ્થ ચતુર્ભૂજ મૂર્તિ મંદ મંદ સ્મિતથી સૌ ભક્તોને આવકારે છે.
હાલમાં આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજ અને એમના ભારતખ્યાત ચિત્રકાર સુપુત્ર રવિદર્શનજી દ્વારા આ ભુવનેશ્વરી પીઠ સ્થાન મંદિરમાં અનેક ઉત્સવોની ઉજવણી થયા કરે છે અને લાખો દેવીભક્તો અહીં માતાજીના દર્શન કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. મારા પિતાજી કવિશ્રી વલ્લભભાઈ રાજ્યગુરુ દ્વારા ભુવનેશ્વરી માતાજીની સ્તુતિ કરતી અનેક પદ્યરચનાઓ-કાવ્યો, ગરબા, દુહા, છંદ, ભજનોનું સર્જન કરેલ છે..
(રાગ : મારી નાડ તમારે હાથ....)
રીઝે ભક્તિથી ભયહારક મા ભુવનેશ્વરી રે, આતમ ઈશ્વરી રે,
- રીઝે ભક્તિથી ભયહારક મા ભુવનેશ્વરી રે..0
આનંદે રહું છું અવિનાશી, ભાવે ખુશ છે ભાવ જ ભીની ,
જાન રિઝવે માતંગી, શિવ શામની રે ..
ગૌરી સાથે ગરબે ઘૂમે, જોમ ભર્યા યુદ્ધે ય ઝઝૂમે,
કહું લાલ કુમકુમે, ભારત ભામિની રે..
- રીઝે ભક્તિથી ભયહારક મા ભુવનેશ્વરી રે..0
શત્રુનો સંહાર કરીને, મહાકાળીને લઉં નમીને,
ખાંતે ખેલ ખમીને, હૈયા હામીની રે..
ગોંડળ ગઢ જનનીને પ્યારો, વિશ્વોદ્ધારે પ્રથમ જ વારો,
દૈત્યો ને દે માજી ડારો, ધન્ય ધામની રે ...
રીઝે ભક્તિથી ભયહારક મા ભુવનેશ્વરી રે..0
વલ્લભ વસમી વેળા વળતી, સેવાની તક સૌને મળતી,
કાયા કુશળ કરતી, ઉર અંજામની રે...
રીઝે ભક્તિથી ભયહારક મા ભુવનેશ્વરી રે..0
ભુવનેશ્વરી માતાના સાત વાર.
સોમે શ્રી શક્તિની કરીએ સાધના, અંબે આપે ઉત્તમ અંતર જ્ઞાન જો,
પ્રેમ ક્ષ્ોમના પાઠ ભણાવે પ્રાણને, પૂરી કરીએ જનનીની પિછાન જો,
ભોમે ભક્તિ કરતાં માત પ્રસન્ન રહે, દર્શન કરતાં દુ:ખડાં સર્વે જાય જો,
યાત્રામાં અમીરસ સીંચે મા સર્વદા, સુખ શાંતિ સેવકને એથી થાય જો..
ભક્તિથી ભુવનેશ્વરી માતા રીઝતાં...
બુધ શુધ આપે શક્તિ માતા શારદા, ગરબા ગાવા ગૌરી મન લલચાય જો,
મંદિરમાં મલપતાં જઈએ દર્શને, હૈયાં એથી હોંશ ભર્યાં હરખાય જો,
વાર ગુરુના વંદન છે માને ઘણાં, ધન્ય ભૂમિ ગોમંડળ શોભે શ્હેર જો,
આશ પૂરે અંતરની જનની જોમથી, લઈએ કાયમ લલિતામ્બાથી લ્હેર જો..
ભક્તિથી ભુવનેશ્વરી માતા રીઝતાં...
શુક્ર તણા કાયમ સમજું છું સ્નેહને, ધરૂં ધ્યાન ધારિણી નિર્મળ નેહ જો,
મધરાતે માતાના સ્મરણે રાચીએ, દિવ્ય દર્શને દૂર્બળ મટતો દેહ જો,
શનિ તણો સથવારો સ્નેહલ જ્યોતમાં, ઉરમાં આપે અનહદ દિવ્યાનંદ જો,
વાયુ અમૃતનાં વાતાં વસુધા મહિં, દવલા મારા દિલના શમતાં જો..
ભક્તિથી ભુવનેશ્વરી માતા રીઝતાં...
સાતવારી શાંતિથી આ સ્મરણે લખી, માની લ્યો મોંઘેરી માઝમ રાત જો,
સવંત છે ચાલીશે ભાદરવો ભલો, આઠમ આ અંજવાળી ૠતુ રળિયાત જો,
રવિ કવિને દ્યે છે સાંત્વન સત્યનું, દર્શનથી નહિં દેહ હવે આ દૂર જો,
પરમધામ પેખાતું પગડે ઘા સમું, વલ્લભ હૈયે જનની જુઓ હજુર જો..
ભક્તિથી ભુવનેશ્વરી માતા રીઝતાં...