Tue Aug 18 2026

Logo

યશસ્વીનો ઝીરો, ભારતની ચાર વિકેટ છતાં એકંદરે સારી સ્થિતિ

Galle   2026-08-18 12:16:00
Author: Ajay Motiwala
Article Image

ગૉલ: શ્રીલંકા સામે અહીં રમાતી પ્રથમ ટેસ્ટ મૅચમાં આજે ચોથા દિવસે ભારતે બીજા દાવમાં 111 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી, પરંતુ આ મૅચમાં એકંદરે ભારતની સ્થિતિ સારી છે.

લંચ વખતે ભારતનો બીજા દાવનો સ્કોર ચાર વિકેટે 116 રન હતો અને 178 રનની સરસાઈ (Lead) ઉમેરતાં ભારતના કુલ 294 રન હતા. પહેલા દાવનો સેન્ચુરિયન દેવદત્ત પડિક્કલ લંચ પહેલાં 44 રને આઉટ થયો હતો. રિષભ પંત 21 રન પર અને ધ્રુવ જુરેલ પાંચ રન પર રમી રહ્યો હતો.

યશસ્વી જયસ્વાલ (0) બીજી ઈનિંગ્સના ત્રીજા જ બૉલ પર શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. તેણે પ્રથમ દાવમાં 32 રન બનાવ્યા હતા. પહેલા દાવમાં 82 રનમાં વિકેટ ગુમાવનાર કે. એલ. રાહુલ આજે 35 રનમાં સબસ્ટિટયૂટ ખેલાડીના હાથમાં કૅચઆઉટ થયો હતો. કેપ્ટન શુભમન ગિલ ફક્ત આઠ બનાવીને સ્પિનર પ્રભાત જયસૂર્યાને વિકેટ આપી બેઠો હતો. 

ભારત (India) આ મૅચમાં આજે કુલ 400-પ્લસનો સ્કોર નોંધાવીને યજમાન ટીમને એટલો ઊંચો લક્ષ્યાંક આપશે તો ભારતના વિજયની સંભાવના ઘણી છે.

પહેલા દાવમાં માનવ સુથાર (76 રનમાં ચાર વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (57 રનમાં ત્રણ વિકેટ) તેમ જ કુલદીપ યાદવ (65 રનમાં એક વિકેટ)ની સ્પિન ત્રિપુટીનો પર્ફોર્મન્સ ઘણો સારો હતો. એ જોતાં બીજા દાવમાં આ ત્રિપુટી શ્રીલંકાના બૅટ્સમેનોને ફરી એક વાર ભારે પડી શકે.

પહેલા દાવમાં ભારતના 462 રનના જવાબમાં શ્રીલંકા (SriLanka)એ 284 રન બનાવ્યા હતા અને ભારતે 178 રનની લીડ મેળવી હતી. બુધવારે આ મૅચ પૂરી થયા પછી 23મી ઑગસ્ટે કોલંબોમાં બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચ શરૂ થશે.