સુરતઃ ગુજરાત પોલીસે કીર્તિ પટેલનું એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. જે બાદ તેણે નવું એકાઉન્ટ બનાવીને પોતાના નામ પાછળ AK47 લખ્યું છે. ઉપરાંત એક રીલમાં ખુલ્લી ધમકી આપતાં કહ્યું AK47 હો…વાલા… આખું ગુજરાત હલબલે તો જ હા… એવા ડાયલોગ બોલે છે. આમ કરીને તેણે પોલીસને પડકારી છે.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, ગુજરાત પોલીસની ભલામણ અને મેટા કંપનીની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલના બે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવાયા હતા. જોકે, એકાઉન્ટ બંધ થતાં જ તેણે Kirti_patel_official_ak47 નામે નવું ત્રીજું એકાઉન્ટ બનાવ્યું હતું. આ નવું એકાઉન્ટ શરૂ કર્યાના ગણતરીના બે જ દિવસમાં તેના 10 હજારથી વધુ ફોલોઅર્સ પણ થઈ ગયા છે. એકાઉન્ટ બંધ થવા છતાં નવું આઈડી બનાવીને તેણે એકરીતે પોલીસને પડકાર ફેંક્યો હતો. પરંતુ પોલીસ માટે પણ મુશ્કેલી એ છે કે જો આ એકાઉન્ટ બંધ કરાવશે તો તે ચોથું એકાઉન્ટ બનાવી લેશે, જેનો કોઈ અંત નથી.
ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સામે 2017થી 2026ના 9 વર્ષ દરમિયાન મારામારી, ધમકીઓ, ખંડણી અને જૂનાગઢના મૃગીકુંડમાં ગેરકાયદે ઘૂસી જવા જેવા 10થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા અને લાઈમલાઈટમાં રહેવા માટે તે આ પ્રકારના કૃત્યો કરતી રહે છે. પોતાના બોલ્ડ અંદાજને કારણે જ તેના અગાઉના બે એકાઉન્ટ્સ પર 13 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા.

કોણ છે કીર્તિ પટેલ
કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઈનર હતી. તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ફેમસ થઈ હતી. જોકે સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તે વિવિધ વિવાદમાં આવી હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે. "એની માને" ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા. અગાઉ પણ હાથી અને ઘુવડવાળા મુદ્દાને લઈને વીડિયો બનાવ્યા હતા અને જેમના કારણે ઘણાં વિવાદો સર્જાયા હતા. આ ઉપરાંત મૃગીકુંડમાં સ્નાન, ભારતીબાપુ આશ્રમ વીડિયો સહિત અનેક વિવાદમાં સપડાઈ છે.