Fri Sep 11 2026

Logo

ગુજરાતમાં વરસાદથી રોડને તૂટતા બચાવવા નવો તુક્કો, ડામરના રોડ નહીં બનાવાય પણ.............

2026-07-29 11:08:00
Author: Mayur Patel
ગુજરાતમાં વરસાદથી રોડને તૂટતા બચાવવા નવો તુક્કો, ડામરના રોડ નહીં બનાવાય પણ.............

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદથી રોડ-રસ્તા તૂટવાના કે ધોવાઈ જવાના સમાચાર સામે આવતા હોય છે. આ દરમિયાન સરકારે રાજ્યમાં વરસાદથી રોડને તૂટતા બચાવવા નવો તુક્કો અજમાવવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત હવેથી રોડ ડામરના નહીં બનાવવામાં આવે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામડાઓમાં હવે તબક્કાવાર સિમેન્ટ કોંક્રિટ (સી.સી) રોડ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

મંગળવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામડાઓમાં આંતરિક રસ્તાઓ તબક્કાવાર સિમેન્ટ કોંક્રિટથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ ઔદ્યોગિક વિસ્તારોમાં પણ સી.સી. રોડનું નિર્માણ વધારવાનો નિર્ણય કેબિનેટે લીધો હતો.

સરકારના પ્રવક્તા અને પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો હેતુ લોકોને મજબૂત અને ઉચ્ચ ગુણવત્તાવાળા રસ્તાઓ પૂરા પાડવાનો છે, જે ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા સામે ટકી શકે. કારણ કે તેનાથી અવારનવાર ડામરના રસ્તાઓ ખરાબ થઈ જાય છે અને રોજિંદા જીવનમાં ખલેલ પહોંચે છે.  સી.સી. રોડ બનાવવાથી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી, ટકાઉપણું અને એકંદર ગુણવત્તામાં સુધારો થશે. જ્યાં પણ જરૂર જણાશે ત્યાં આધુનિક બાંધકામ ટેકનોલોજી પણ અપનાવવામાં આવશે.

આ ઉપરાંત સરકાર પાણી ભરાવાની સંભાવના ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં પણ ડામરના રસ્તાઓને સ્થાને તબક્કાવાર સી.સી.  રોડ બનાવવાનું આયોજન કરી રહી છે. ગામડાઓમાં 'સુવિધાપથ યોજના' હેઠળ સી.સી. રોડનું નિર્માણ કાર્ય પહેલેથી જ ચાલી રહ્યું છે. ભારે અને અતિ-ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોય તેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ સી.સી. રોડનો ઉપયોગ વધારવામાં આવશે.

જોકે સી.સી. રોડ બનાવવાનો ખર્ચ સામાન્ય રીતે ડામરના રસ્તા કરતાં 30 થી 40 ટકા વધુ થાય છે, પરંતુ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ખર્ચ ધ્યાનમાં લેવાને બદલે પ્રજાના લાંબા ગાળાના ફાયદા અને સુવિધાને પ્રાથમિકતા આપી છે.