Wed Jul 29 2026

Logo

કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથલીટોનો કમાલ, 10 હજાર મીટર રેસમાં ગુલવીર તો વેઇટલિફ્ટિંગમાં હરજિંદરને સિલ્વર

2026-07-29 09:19:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: કૉમનવેલ્થ ગેમ્સ 2026થી એથલેટિક્સ ટ્રેક પર ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. 27 વર્ષીય ભારતીય દોડવીર ગુલવીર સિંહે પુરુષોની 10,000 મીટર રેસમાં દેશ માટે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેઓ રાષ્ટ્રમંડળ રમતોના ઇતિહાસમાં પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. ગ્લાસગોની ભીની, વરસાદી રાત અને મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં ગુલવીરે પોતાનું ટેમ્પરામેન્ટ જાળવતા આખી ગેમ પલટી નાંખી. 

શરૂઆતમાં પકડ બનાવી પરંતુ પછી પાછળ રહી ગયા

10,000 મીટરની આ જોરદાર ટક્કરવાળી રેસમાં ગુલવીરે શરૂઆતથી જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. 1,000 મીટર માર્ક અને ત્યારબાદ 3,000 મીટરનો પડાવ પાર થવા સુધી ગુલવીર ત્રીજા ક્રમે મજબૂતીથી ટકી રહ્યા હતા. જો કે, રેસનું અડધું અંતર (5,000 મીટર) પૂરું થતાં-થતાં પ્રતિસ્પર્ધીઓના દબાણને કારણે તેઓ સરકીને છઠ્ઠા સ્થાને આવી ગયા. 7000 મીટરના માર્ક સુધી ગુલવીર સંઘર્ષ કરતા દેખાયા અને પાંચમા નંબરે રહ્યા, જેનાથી એક ક્ષણ માટે એવું લાગ્યું કે પૉડિયમ ફિનિશ હાથમાંથી નીકળી શકે છે.

છેલ્લા લેપમાં પલટાઈ બાજી: ચોથા સ્થાનથી સીધા સિલ્વર પર કબજો

છેલ્લી 3000 મીટરમાં ગુલવીરે પોતાની પૂરી તાકાત લગાવી દીધી. રેસના અંતિમ ચક્કરમાં જ્યારે બેલ વાગી, ત્યારે ગુલવીર ચોથા સ્થાને ચાલી રહ્યા હતા. આ પછી તેમણે જે ગિયર બદલ્યો તેણે બધાને ચોંકાવી દીધા. ગુલવીરે અસાધારણ પેસિંગનું પ્રદર્શન કરીને છેલ્લા લેપમાં આગળ ચાલી રહેલા બે દોડવીરોને પાછળ છોડી દીધા અને બીજા સ્થાન પર કબજો જમાવતા સિલ્વર મેડલ ભારતના નામે કર્યો.

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેટલિફ્ટરોનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. મહિલાઓના 69 કિગ્રા ભાર વર્ગમાં ભારતની સ્ટાર વેટલિફટર હરજિંદર કૌરે પોતાના કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. હરજિંદરે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંને રાઉન્ડમાં ખૂબ જ સંયમિત અને આત્મવિશ્વાસથી ભરેલી રમત બતાવી અને કોઈપણ દબાણ વગર 227 કિગ્રાનું કુલ વજન ઉપાડીને પૉડિયમ પર બીજું સ્થાન મેળવ્યું.

વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે જીત્યો સિલ્વર

હરજિંદર કૌરની શરૂઆત સ્નેચ રાઉન્ડથી જ ખૂબ મજબૂત રહી, જ્યાં તેમણે પોતાના ત્રણેય પ્રયાસો (96 કિગ્રા, 99 કિગ્રા અને 101 કિગ્રા) સફળતાપૂર્વક પૂરા કર્યા અને 101 કિગ્રાનો સ્કોર બનાવ્યો. હરજિંદરે પહેલા પ્રયાસમાં 120 કિગ્રા, બીજામાં 12૩ કિગ્રા અને ત્રીજા તથા અંતિમ પ્રયાસમાં અત્યંત સરળતાથી 126 કિગ્રાનો ભાર ઉપાડ્યો, જે તેમના કેરિયરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.