Wed Jul 29 2026

Logo

સૌરાષ્ટ્રના આ શહેર માટે અમદાવાદથી 17 ઓગસ્ટથી વંદે ભારત એક્સપ્રેસ દોડશે, જાણો સમય અને ભાડું

2026-07-29 11:57:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ સૌરાષ્ટ્ર જતા મુસાફરો માટે મોટા સમાચાર છે. અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ 17 ઓગસ્ટથી દોડશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ સવારે 6:15 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને ઓખાથી સાંજે 4:45 વાગ્યે ઉપડશે. જેમાં એસી ચેર કારનું અંદાજિત ભાડું રૂ. 1365 થી રૂ. 1385 અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું રૂ. 2485 થી રૂ. 2505 પ્રતિ ટિકિટ હશે.

મુસાફરોની સુવિધા સુધારવા અને રેલ કનેક્ટિવિટી મજબૂત કરવાના હેતુથી, રેલવે મંત્રાલયે 22925/22926 અમદાવાદ-ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન, સમયપત્રક અને રૂટમાં ફેરફારને મંજૂરી આપી હતી. આ સુધારેલું સમયપત્રક 17 ઓગસ્ટ, 2026 થી અમલમાં આવશે.

નવી વ્યવસ્થા હેઠળ, આ ટ્રેન અમદાવાદ જંકશનના બદલે હવે સાબરમતી સ્ટેશનથી ઉપડશે. આ ઉપરાંત, વંદે ભારત એક્સપ્રેસને આંબલી રોડ રેલવે સ્ટેશન પર નવો સ્ટોપેજ  મળશે, જેનાથી પશ્ચિમ અમદાવાદના મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળશે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીણાએ જણાવ્યું હતું કે, શહેરના ઝડપથી વિકસતા પશ્ચિમ વિસ્તારોના મુસાફરોની સુવિધા માટે આ નવો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.

નવું સમયપત્રક (17 ઓગસ્ટથી અમલી)
ટ્રેન નં. 22925 (સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ):
મંગળવાર સિવાય દરરોજ સવારે 6:15 વાગ્યે સાબરમતીથી ઉપડશે. સવારે 6:23 વાગ્યે આંબલી રોડ પહોંચશે અને 6:25 વાગ્યે ત્યાંથી રવાના થશે. સવારે 9:31 વાગ્યે રાજકોટ પહોંચશે, 9:36 વાગ્યે ઉપડશે અને બપોરે 1:20 વાગ્યે ઓખા પહોંચશે.

ટ્રેન નં. 22926 (ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ):
ઓખાથી સાંજે 4:45 વાગ્યે ઉપડશે, રાત્રે 7:44 વાગ્યે રાજકોટ પહોંચશે, 7:49 વાગ્યે રવાના થશે. રાત્રે 10:40 વાગ્યે આંબલી રોડ પહોંચશે, 10:42 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:10 વાગ્યે સાબરમતી પહોંચીને પ્રવાસ પૂર્ણ કરશે.

પશ્ચિમ અમદાવાદના વિસ્તારોને મોટો ફાયદો
આ ફેરફાર સાથે આંબલી રોડ રેલવે સ્ટેશનને તેના ઈતિહાસમાં પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસનો સ્ટોપેજ મળ્યો છે. આ નવા સ્ટોપેજથી એસ.જી. હાઈવે, બોડકદેવ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, શીલા અને આસપાસના વિસ્તારોના મુસાફરોને સેમી-હાઈ-સ્પીડ ટ્રેન સેવાનો ઝડપી લાભ મળશે.

રેલવે અધિકારીઓએ ઉમેર્યું હતું કે, ટ્રેન નં. 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસનું વર્તમાન સમયપત્રક 15 ઓગસ્ટ સુધી અને ટ્રેન નં. 22926 ઓખા-અમદાવાદનું વર્તમાન સમયપત્રક 16 ઓગસ્ટ સુધી યથાવત રહેશે.