Wed Jul 29 2026

Logo

જાપાનમાં શક્તિશાળી ભૂકંપ બાદ એઓન મોલમાં ભીષણ બ્લાસ્ટ, મોલનો બીજો માળ ધરાશાયી...

Tokyo   2026-07-29 08:55:20
Author: Vimal Prajapati
Article Image

Reuters


ટોક્યોઃ જાપાનમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ આવ્યાની થોડા સમય પછી ભૂકંપના ઝટકાના કારણે કાશિમા ટાઉનમાં આવેલા એઓન મોલ કુમામોટોમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થયો ત્યારે મોટા ભાગના લોકોને તો સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવ્યાં હતા, પરંતુ કેટલાક લોકો અંદર ફસાઈ ગયાં હોવાનું મોલના એક રિટેલરે જણાવ્યું હતું. ચાલો જાણીએ ભૂકંપ બાદ અત્યારે ત્યાની સ્થિતિ કેવી છે?

અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢી દેવામાં આવ્યાં

જાપાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બ્લાસ્ટ થયો તેના કારણે કેટલાક લોકોના મોતની પણ આશંકા છે. તંત્ર દ્વારા અત્યારે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિસ્ફોટના કારણે આ મોલમાં બીજા માળનો એક ભાગ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો હતો. તેમાં કેટલાક લોકો નીચે કાટમાળમાં દટાયા હોઈ શકે છે. 

બ્લાસ્ટ થતા શોપિંગ કોમ્પ્લેક્સનો બીજો માળ ધરાશાયી

આ સમગ્ર મામલે વિગતો આપતા ફાયર વિભાગે જણાવ્યું કે, "કાશિમા શહેરમાં એક શોપિંગ કોમ્પ્લેક્સનો બીજો માળ ધરાશાયી થયો હતો, જેના કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા." પોલીસે અગાઉ જણાવ્યું હતું કે તેમને કુમામોટો પ્રદેશમાં એઓન મોલ ​​આઉટલેટમાં વિસ્ફોટ જેવો અવાજ આવ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. જેથી રાહત અને બચાવકાર્ય અત્યારે ચાલી રહ્યું છે. જો કે, કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકો ઘાયલ થયા તેનો કોઈ ચોક્કસ આંકડો હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી. 

દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ

ભૂકંપની વાત કરવામાં આવે તો, જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યૂશૂ દ્વીપ પર આવેલ કુમામોટો પ્રાંત પાસે 10 કિમી નીચે જમીનમાં નોંધાયું હતું. આ વિસ્તાર મધ્ય ટોક્યોથી આશરે 900 કિમી દૂર આવેલું છે. ભૂકંપ પછી સરકાર દ્વારા નાની સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી હતી.