Mon Jun 15 2026

Logo

ચિંતનઃ દેહવાસના- લોકવાસના- શાસ્ત્રવાસના

2026-06-15 09:20:00
Author: Hemu Bhikhu
Article Image

 

હેમુ ભીખુ


વાસના બંધનનું એક મહત્ત્વનું કારણ છે. કોઈપણ પ્રકારની દ્રઢ ઈચ્છા થાય, અર્થાત્ જ્યારે વાસના જાગ્રત થાય ત્યારે સમગ્ર અસ્તિત્વ તેને પામવા પ્રયત્ન કરવા માંડે. મન તેનું ચિંતન કરે, બુદ્ધિ વિવેકને બાજુમાં મૂકીને તેની પ્રાપ્તિના માર્ગ શોધો,પોતાની પાસે સંગ્રહાયેલી માહિતી અને ભાવના ને આધારે ચિત્ત ચોક્કસ પ્રકારની પ્રેરણા આપે અને અહંકાર તો વાસના તૃપ્ત કરવા તૈયાર જ હોય. 

આ પરિસ્થિતિને કારણે બધી જ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પોતપોતાનાં કામમાં લાગી જાય. વાસના જાણે સમગ્ર અસ્તિત્વ પર કાબૂ મેળવી લે. બધી જ ક્રિયા, બધાં જ નિર્ણય, બધાં જ પ્રયત્ન, બધાં જ પુરુષાર્થના કેન્દ્રમાં વાસના હોય છે. વાસના અર્થાત તીવ્ર ઈચ્છા, તીવ્ર લાલસા કે તીવ્ર આકર્ષણ. તે વ્યક્તિના મનમાં ઊભી થતી તીવ્ર ઈચ્છા અને ભાવનાને પ્રદર્શિત કરે, જેની અસર શારીરિક, માનસિક, ધાર્મિક, સામાજિક કે આધ્યાત્મિક સ્તરે રહેતી હોય છે. 

સનાતની સંસ્કૃતિના તત્ત્વજ્ઞાન પ્રમાણે વાસના ત્રણ પ્રકારની હોય- દેહવાસના, લોકવાસના અને શાસ્ત્રવાસના. શરીર સાથે જોડાયેલી લાલસા, શરીર સંલગ્ન જોડાયેલી ઈચ્છા, શરીરની માંગ પ્રમાણે ઉદ્ભવતી તીવ્ર અપેક્ષા એટલે દેહવાસના. આમાં આહારની ઈચ્છા, આરામની ઈચ્છા, શારીરિક સુખ-સગવડ જેવી બાબતો સાથે કેટલીક કામ આધારિત ભાવના પણ જોડાયેલી હોય. કોઈ કોઈ જગ્યાએ કામવાસનાને દેહવાસનાથી ભિન્ન ગણવામાં આવે છે. પરંતુ આ યોગ્ય નથી, કારણ કે કામ એ દેહ દ્વારા તૃપ્ત કરાતી વાસના છે, ભલે પછી તેનું કેન્દ્રસ્થાન મનમાં હોય. આહાર, નિદ્રા, ભય અને મૈથુનના મૂળમાં દેહવાસના છે એમ કહી શકાય.        

કહેવાય છે કે કંચન-કામિની-કીર્તિ, એ ત્રણમાંથી સૌથી વધારે કઠિન કીર્તિનો ત્યાગ છે. કંચન અર્થાત્ પૈસાનો મોહ છૂટી શકે. કામવાસના પણ છૂટી શકે, પરંતુ આ બધું છોડ્યા પછી પણ જે બાકી રહે તે કીર્તિ માટેની ચાહના છે. મોટાભાગની વ્યક્તિને સામાજિક માન્યતા, પ્રસિદ્ધિ તથા માન-સન્માનની વાસના હોય છે. વધતાં કે ઓછાં પ્રમાણમાં આ બધાંને હોય છે. 

બધાંની એવી ઈચ્છા હોય છે કે સમાજમાં તેને એક સ્થાન મળે, તેના કાર્યની કદર થાય, તેના અભિપ્રાયને મહત્ત્વ આપવામાં આવે, તેની વિચારસરણીનું અનુસરણ થાય, તેની સન્માનનીયતા બધાંને માન્ય હોય. કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિ દ્વારા તેનો વિરોધ ન થાય. આ પ્રકારની માનસિકતાથી છૂટવું મુશ્કેલ છે. એમ માનવામાં આવે છે કે જો પાસે સંપત્તિ હોય તો લોકો નાથિયાને પણ નાથાલાલ કહે. આવા સંજોગોમાં લોકવાસના સંતોષવા માટે ક્યારેક અર્થવાસના ઊભી થાય. અર્થવાસના એટલે ધન, સંપત્તિ, સામગ્રી, સંસાધનો જેવી ભૌતિક બાબતોની લાલસા.   
    
આ ત્રણેય પ્રકારની વાસનામાં સૌથી કઠિન તોડ શાસ્ત્રવાસનાનો છે. શાસ્ત્ર હોય, ગુરુદેવના વચન હોય, તીર્થ સ્થાન હોય, ધાર્મિક કર્મ હોય, સત્સંગ હોય કે આવી જીવનની કોઈપણ સકારાત્મક અને સાત્વિક બાબત હોય તો સ્વાભાવિક છે કે તેના પ્રત્યે લગાવ સ્થાપિત થાય. શાસ્ત્રવાસના ધર્મ, શાસ્ત્રો અને આધ્યાત્મિક જીવન તરફનો વધુ પડતો ઝુકાવ દર્શાવે છે. આ બધા દ્વારા જીવનને ઊંચા ધ્યેય તરફ દોરી જવાનો પ્રયત્ન આ વિચારમાં દર્શાવાયો છે, પણ તેમાં અતિશયોક્તિ થતી હોય છે. એ સમજવાની જરૂર છે કે આ બધી બાબતો નિસરણી સમાન છે. 

એકવાર ઉપર પહોંચી ગયા પછી નિસરણીની લાલસા ન રખાય- નિસરણી માટે વાસના ન રહેવી જોઈએ. જો એમ થાય તો વ્યક્તિ નિસરણી પર અટકી જાય અને ઉપર ન પહોંચી શકે. જો તેમ થાય તો સાધન એ અંતિમ ધ્યેય બની જાય. આ ઇચ્છનીય પરિસ્થિતિ નથી. કેટલાક શાસ્ત્રવાસનાની શ્રેણીમાં મોક્ષવાસનાનો પણ સમાવેશ કરે છે. મોક્ષવાસના એ ભેદી પરિસ્થિતિ છે. 

અષ્ટાવક્ર ગીતામાં જણાવ્યું છે કે તું બંધનમાં છું એ માન્યતા જ બંધન છે. તે પરિપ્રેક્ષ્યમાં મોક્ષ માટેના પ્રયત્ન જ બંધનનું એક ઘનિષ્ઠ સ્વરૂપ છે. અર્થાત્ મોક્ષ વાસના પણ છૂટવી જોઈએ. જ્યારે બધું જ છૂટી જાય ત્યારે આપમેળે મોક્ષ પ્રાપ્ત થાય. દેહવાસનાને બાદ કરીએ તો ઘણા એમ કહેવાય છે કે લોકવાસના અને શાસ્ત્રવાસના અમુક રીતે સારી હોઈ શકે. જેમ કે જો લોકવાસના હોય તો સમાજમાં સન્માન મેળવવા માટે સારું કામ કરવાની પ્રેરણા થાય. આનાથી લાંબા ગાળે સમાજને ફાયદો થાય. 

તેવી જ રીતે શાસ્ત્રવાસના શાસ્ત્ર પ્રત્યેનો લગાવ વધારવામાં મદદરૂપ થાય, જેનાથી શાસ્ત્ર વધારે સારી રીતે સમજી શકાય. પણ અમુક તબક્કા પછી આ બંને છોડવા પડે. અમુક હદ સુધી તો દેહવાસના પણ યોગ્ય છે, જો અમુક પ્રકારની દેહવાસના હોય તો શરીર તંદુરસ્ત રહી શકે અને ઉત્તરદાયિત્વ સમાન કાર્ય વધુ સરળતાથી નિભાવી શકાય. પ્રશ્ન તેની પાછળ રહેલા આશયનો અને એક મર્યાદાનો છે. 

વાસના મનને અશાંત બનાવે. ચિત્ત વિહવળ થાય. કશાનું ભાન ન પડે. વિવેક ન રહે. સંયમ ન જળવાય. લોકલાજ ભૂલી જવાય. જીવનના લક્ષ્ય પ્રત્યે બેધ્યાન થઈ જવાય. બાહ્ય પદાર્થમાં વારંવાર ફસાતા જવાય. ક્યારેક તો તર્ક વિનાના નિર્ણયો લેવાય. જીવનમાં અમુક પ્રકારનો અંધાપો આવી જાય. આ બધાની અસર માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે. કૌટુંબિક જીવનમાં પણ ખલેલ ઊભી થાય. ક્યારેક હાસ્યસ્પદ કે દયાજનક સ્થિતિ સર્જન. તેની સામે વાસનાના નિયંત્રણથી વ્યક્તિ શાંત બને, સંતુલિત રહી શકે, નિષ્પક્ષતા તેમજ તટસ્થતા જાળવી શકે અને જીવન હકારાત્મક ઊર્જાથી ભરાતું જાય. 

સતપુરુષોના સત્સંગથી, શાસ્ત્રના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાથી, ગુરુ વચનમાં શ્રદ્ધા રાખી તે પ્રમાણે કાર્યરત થવાથી, શાસ્ત્રીય પદ્ધતિથી યોગમાં સંમિલિત થવાથી, આધ્યાત્મિક વિચારધારાને અનુસરવાથી, ધ્યાન ધરવાથી, ભક્તિ કરવાથી અને શુભ ચિંતન કરવાથી વાસના નિયંત્રણમાં આવી શકે.  
સંપૂર્ણતામાં તો એમ કહેવાય કે વાસનાથી મુક્તિ માટેની વાસના પણ ન હોવી જોઈએ.