Mon Jun 15 2026

Logo

શ્યામ સમીપેઃ સ્મૃતિગ્રંથ ને ધર્મગ્રંથ આદર્શ સમજાવે છે

2026-06-15 09:05:36
Author: જ્યોત્સના તન્ના
Article Image

જ્યોત્સના તન્ના

(ગતાંકથી ચાલુ)

મહાભારતના પૂર્વકાળમાં વેદ આવે, આપણી સંસ્કૃતિના પ્રાચીનતમ ગ્રંથો. તેમાં મરુત્ત દેવો (બહુવચન)ની એક જ સાધારણી (Common) પત્ની રોદસીનો ઉલ્લેખ છે. વિશ્ર્વે દેવોની સાથે પણ એક જ સ્ત્રી હતી. અશ્ર્વિની દેવો જોડિયા છે. હંમેશાં સાથે જ. તેમની લાવણ્યમયી પત્ની હતી સૂર્યા, સવિતાદેવ સૂર્યની પુત્રી. અશ્ર્વિનોને સૂર્યાના ‘પતી’ એમ કહેવાયા છે, જે સંસ્કૃત ભાષાના વ્યાકરણ પ્રમાણે ‘પતિ’ શબ્દનું દ્વિવચનરૂપ છે. વધૂવેશમાં સાથે જતી સૂર્યા બે અશ્ર્વિનોના રથમાં ગઈ, જેમાં ત્રણ બેઠક અને ત્રણ ચક્ર હતાં. 

આ અશ્ર્વિનાનો ‘નાસત્યૌ’ પણ કહેવાય છે. અન્ય વૈદિક દેવો ઈંદ્ર, વરુણ, મિત્ર અને નાસત્યૌ થોડા ઉચ્ચારભેદ સાથે પણ સ્પષ્ટ ઓળખાય તેવા આ દેવોનાં નામ પ્રાચીન મિત્તાની અને હિટાઈટ લોકોના પ્રાચીન સંધિપત્રમાં મળે છે. આ સંધિપત્ર લગભગ 3,500 વર્ષ પહેલાંનો છે. ઈન્ડો-આર્યન કહેવાતા જૂથના આ દેવો છે.આ સુમેર પ્રદેશમાં બહુપતિત્વની પ્રથા હતી. આપણી પ્રાચીન સંસ્કૃતિનું આદાનપ્રદાન પ્રાચીન સુમેર સાથે હતું. ઈન્ડો-યુરોપિયન કહેવાતા લોકોમાં પણ Polyandryની પ્રથા હતી. કાસ્પિયન સમુદ્ર આસપાસનો વિસ્તાર, બેક્ટ્રિયા. સોગ્દિયાના, મીડ્સ, મધ્ય એશિયા, અઝરબૈજાન, હિંદુકુશની જનજાતિઓ વગેરેમાં આ પ્રથા પ્રચલિત હતી. 

ભારતની 23 જેટલી અનુસૂચિત જાતિઓમાં યુ.પી., હરિયાણા, દિલ્હી, પંજાબ, અરુણાચલ, હિમાચલ, કેરળ, તામિલનાડુ અને સિક્કિમમાં પણ ઓછેવત્તે અંશે આ પ્રથા જોવા મળે છે. આપસ્તંબ જેવા ખૂબ પ્રાચીન વિદ્વાનો monogamyનો આદર્શ ફેલાવી ગયા, તે પણ Polyandryથી પરિચિત તો હતા, જે તેમને જચતું ન હતું. પી. વી. કાણે ધર્મશાસ્ત્રોના પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવે છે કે આ પ્રાચીન પુસ્તકો બહુપતિત્વની પ્રથાથી પરિચિત હતાં. 

વિષ્ણુપુરાણ પ્રમાણે વૃક્ષોની પુત્રી મારિષાને પાલક પિતા સોમે દસ રાજર્ષિઓને આપી હતી, જેનાથી દક્ષ પ્રજાપતિનો જન્મ થયો. મત્સ્યપુરાણ પ્રમાણે આહુકિના લગ્ન ‘અવન્તિઓ’ સાથે થયાં હતાં. આ નિંદનીય ન હતું. સ્મૃતિગ્રંથો અને ધર્મગ્રંથો આદર્શો સમજાવે છે, જે દરેક સમયખંડને અનુરૂપ હોય તે પ્રમાણ પોતાનાં સ્વપ્ન, વિચાર, આચાર વગેરેને સમાજવ્યવસ્થામાં વણે છે.