રાજકોટઃ લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બને તેમજ વચેટિયાને કોઈ અવકાશ ન રહે તે માટે ગુજરાતની 39 આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ ટ્રેક તૈયાર કરાયા છે.આ ખૂબ સારી બાબત છે પણ સૌથી મોટી ખોટ એ છે કે, આ એઆઈ ટ્રેકમાં 80 ટકાથી વધારે ઉમેદવાર નાપાસ થઈ રહ્યા છે. એક્યુરેસી મામલે મશીન નાની અમથી ભૂલ પણ માફ ન કરી શકતા દૈનિક ધોરણે હજારો લોકો ટેસ્ટ માટે ધક્કા ખાઈ રહ્યા છે. આ કારણે એઆઈ ટ્રેક અમલમાં આવ્યાં ત્યારથી વિવાદનું કેન્દ્ર બન્યાં છે. ફોર વ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનો રશિયો 80 ટકાએ પહોંચતા ટેસ્ટ માટે મહિનાઓનું વેઈટિંગ થઈ ગયું છે.
મંત્રીએ લીધી ખાસ મુલાકાત
ટેસ્ટમાં ફેલ થવાના વધતાં આંકડાના પગલે વાહનવ્યવહાર વિભાગ દ્વારા એઆઈ ટ્રેકમાં સુધારા કરવા માટે કવાયત હાથ ધરી છે.માત્ર અમદાવાદમાં જ નહીં, રાજકોટ, જામનગર, સુરત, વડોદરામાંથી પણ ફરિયાદ ઊઠી છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક શરૂ કરાયો ત્યારથી તે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ખાસ કરીને ફોરવ્હીલર ટ્રેક ટેસ્ટમાં ફેલ થવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. સુભાષ બ્રિજ આરટીઓ કચેરીએ દરરોજ ફોરવ્હીલર માટે 150 જેટલા તેમજ ટુવ્હીલર માટે 200 જેટલાં ઉમેદવારો ડ્રાઈવિંગનો ટેસ્ટ આપે છે.
અગાઉ 120 ફોરવ્હીલર ચાલકો પૈકી 55થી 60 લોકો ટ્રેક ટેસ્ટમાં ફેઈલ થતાં હતાં. જ્યારે છેલ્લાં દોઢ મહિનાથી તે આંકડો 100ને પાર કરી ગયો છે. માત્ર અમદાવાદ નહીં રાજ્યભરની આરટીઓ કચેરીએ તૈયાર કરેલા એઆઈ આધારિત ટેસ્ટ મોડેલમાં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે. આ દરમિયાનમાં મંત્રી પ્રવિણ માળીએ અમદાવાદ આરટીઓની અચાનક મુલાકાત લઈ સમગ્ર ટેસ્ટ પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાંથી ઉઠતી ફરિયાદોના લઈ સરકારી તંત્ર એઆઈ ટ્રેકમાં સુધારા-વધારા કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ પ્રકારની ચોખવટ મંત્રીએ કે વિભાગે કરી નથી.
આ કેટેગરીમાં નાપાસ થનારા વધ્યા
એઆઈ ટ્રેક વિશે વાત કરીએ તો, અગાઉ કેમેરા મારફતે માત્ર વીડિયો રેકોર્ડિંગ કરાતું હતું. જ્યારે હવે સુભાષ બ્રિજ આરટીઓ ખાતે 16 કેમેરા મારફતે ફોરવ્હીલર અને ટુવ્હીલર ટ્રેક ટેસ્ટ લેવાય છે. ટેસ્ટ પહેલાં અરજદારોને સમગ્ર ટેસ્ટ બાબતે જાણકારી આપતો વીડિયો બતાવવામાં આવે છે. આ સાથે જ કચેરીમાં તમામ નિયમો દર્શાવતા બોર્ડ- ચાર્ટ પણ લગાવવામાં આવ્યા છે. મોટાભાગના લોકો અહીંયા વીડિયોને સમજવાના બદલે બેસી રહેતા નાપાસ થવાનો રેશિયો દિવસે દિવસે વધી રહ્યો છે.આ સિવાય ટેસ્ટ ટ્રેક પર સિગ્નલનો ભંગ કરે છે ત્યારે પણ નાપાસ થઈ જાય છે. આ સિવાય ઉમેદવાર પાર્કિંગ અને રીવર્સમાં ફોલવ્હીલ ટેસ્ટમાં પણ નાપાસ થઈ રહ્યા છે.