Fri Aug 21 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડમાં 5નાં મોત, મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકીની ધરપકડ કરવામાં આવી

2026-08-19 22:26:00
Author: Mumbai Samachar Team
Article Image

Gujarat Police


ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ દારૂના સેવનના શંકાસ્પદ બનાવને પગલે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આવી દારૂનું સેવન કરતા 22 લોકોને અસર થઈ હોવાના અહેવાલ મળ્યા છે. 18 લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે 5 વ્યક્તિઓના મોત થયા છે.ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 4 બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આટલી મોટી સંખ્યમાં દારૂનો સ્ટોક આવ્યો કેવી રીતે? આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં હડકંપ મચીગયો છે.  ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા ફરજમાં ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવનારા પાંચ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી
આ ચકચારી મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં મુખ્ય સૂત્રધાર અને બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે દરોડા પાડી મોટું રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મુખ્ય આરોપી ગૌતમ સોલંકી અને તેના અન્ય 20 સાગરીતોની સક્રિય સંડોવણી સામે આવી હતી.

બનાવટી દારૂના કારણે લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થવાની શક્યતાને ધ્યાને રાખી પોલીસે આ મામલે સજ્જડ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ પ્રકાશસિંહ, ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ ડાયમાં, ડી-સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ હરુભા સરવૈયા અને બીટ જમાદાર એએસઆઈ ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિલમબાગ પોલીસ મથકના એક મહિલા પોલીસ કર્મીને પણ અન્ય ગુનાની તપાસમાં ફરજ દરમિયાન ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

 

રોયલ સ્ટેગનું સેવન કરનારાઓને ખાસ અપીલ
કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું છે કે, રોયલ સ્ટેગ બ્રાન્ડનું સેવન કર્યું હોય અને હાલમાં કોઈ તકલીફ કે લક્ષણો ન હોય તો પણ એક વખત હોસ્પિટલમાં તપાસ કરાવવી જોઈએ. આરોગ્ય સંબંધિત કોઈપણ અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ડૉક્ટરોની વિશેષ ટીમ ભાવનગર પહોંચી છે. તબીબી ટીમ દ્વારા અસરગ્રસ્ત દર્દીઓની સ્થિતિ અંગે જરૂરી તપાસ અને સારવારમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.નવી તબીબ ટીમ જે તે દર્દીની તપાસ કરી રહી છે. જ્યારે પોલીસ યુદ્ધના ધોરણે આવા નકલી દારૂની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે 21 લોકો સામે ફરિયાદ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તા.18 ઓગસ્ટની મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કર્યા પોલીસ ટીમને તપાસના આદેશ આપ્યા હતા.આ સાથે એક ખાસ રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. 

પ્લાન ઓફ એક્શનના આદેશ
પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂની 28 પેટીઓ ભાવનગર મોકલવામાં આવી હતી. જેમાંથી પોલીસે 15 પેટીઓ જપ્ત કરી લીધી છે, જ્યારે બાકીની 13 પેટીઓ શોધી કાઢવા ભાવનગર પોલીસે દિવસ-રાત એક કરી દીધા છે. આ દરમિયાન, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. જોકે અમદાવાદ ગ્રામ્ય પોલીસની સતર્કતાના કારણે આ દારૂ વેચાય તે પહેલાં જ પકડી પાડવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SMCના SP મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. સરકારે DGP, IB ચીફ અને SMCના ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજીને સખત 'પ્લાન ઓફ એક્શન' સાથે કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા. દારૂની તપાસ કરતા ગાંધીનગર લેબમાંથી રિપોર્ટ  એવા મળ્યા હતા કે, જપ્ત કરાયેલી બોટલમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું જાણવા મળ્યું છે.