Mon Jun 15 2026

Logo

સંત વાણીઃ પ્રેમ ચંદનના ઝાડવા: દાસી જીવણની ભીતરની અમીરાત

2026-06-15 09:17:00
Author: Maheshkumar Makwana
Article Image

 

મહેશકુમાર મકવાણા  


સૌરાષ્ટ્રની સંત પરંપરામાં રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી નક્ષત્ર એટલે સંત કવિ દાસી જીવણ. જેમની વાણીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ છે. તેમનાં ભજનો માત્ર ગેય પદ નથી, પણ સાધકની આધ્યાત્મિક યાત્રાના માર્ગચિહ્નો છે. દાસી જીવણની આ વાણી સંતવાણીનું એક એવું ‘કાવ્યતીર્થ’ છે જ્યાં સાધકનું પરમાત્મા તરફનું આકર્ષણ ગુરુ-શરણાગતિમાં પરિણમે છે. માવાની મોરલીયે મારા મનડા હેર્યા રે,

મનડા હેર્યા રે મારા દલડા હેર્યા રે...
પ્રેમ ચંદન ના ઝાડવા રે ભાઈ,
મારી દેહ્યું માં રોપ્યા રે... માવાની મોરલીયે.
આંસુડે ભીંજાય કંચવો માવા,
ભીંજાય આછા ચીર રે... માવાની મોરલીયે.
માવો માવો શું કરો ભાઈ,
માવો મારી પાસ છે... માવાની મોરલીયે.
મનડું મારું તલખે માવા, દલડું મારું તલખે,
મેં તો ઘરબાર છોડ્યા રે... માવાની મોરલીયે.
દાસી જીવણ સત ભીમના ચરણા,

આજે લ્હેરમ લ્હેરા રે... માવાની મોરલીયે.  દાસી જીવણ વાણીનો આરંભ પરમ તત્ત્વ પ્રત્યેના દિવ્ય આકર્ષણથી થાય છે. માવો એ પરમાત્મા માટેનો એક અત્યંત સ્નેહાળ અને તળપદો શબ્દ પ્રયોગ છે. અહીં મોરલી એ કોઈ સામાન્ય વાંસળી નથી, પરંતુ ગુરુકૃપાથી સાધકના અંતરમાં ગુંજતા અનહદ નાદનું પ્રતીક છે. 

આ ભીતરના સૂક્ષ્મ ધ્વનિના શ્રવણ માત્રથી સાધકનું મનડું જે તર્ક-બુદ્ધિમાં ડોલે છે અને દલડું જે ભાવ-શ્રદ્ધા ચૂર છે, એ બંને સાંસારિક વિષયોમાંથી પાછા વળીને તે પરમ ચૈતન્યમાં એકાકાર થઈ જાય છે. ‘પ્રેમ ચંદન ના ઝાડવા રે ભાઈ, મારી દેહ્યું માં રોપ્યા રે’-આ પંક્તિ દાસી જીવણના દર્શનનું હાર્દ છે. પ્રેમ ચંદન એ ઈશ્વરીય પ્રેમનું ઉત્કૃષ્ટ રૂપક છે. ચંદનની શીતળતા જેમ તાપને શાંત કરે, તેમ આ પ્રેમ સંસારના સંતાપોને હરી લે છે.
 
અહીં છોડ નહીં પણ ઝાડવા શબ્દ પ્રયોજાયો છે, જે ભક્તિની પરિપક્વતા સૂચવે છે. સૌથી ક્રાંતિકારી વાત એ છે કે આ પ્રેમ કોઈ કૈલાશ કે કાશીમાં નહીં, પણ સાધકની પોતાની દેહ્યુંમાં,પોતાના શરીરમાં રોપાયો છે. જે દેહને માયાનું બંધન ગણવામાં આવતું, તેને જ દાસી જીવણે ભક્તિની પ્રયોગશાળા બનાવી દેહ-મંદિરનો મહિમા ગાયો છે. પ્રેમલક્ષણા ભક્તિમાં વિરહ એ મિલનની પૂર્વશરત છે.

 ‘આંસુડે ભીંજાય કંચવો’ પંક્તિમાં સાધકની ઉત્કટતા દર્શાવી છે. અહીં ‘કંચવો’ અને ‘ચીર’ જેવા સ્ત્રી-પરિધાનને લગતા પ્રતીકો દ્વારા દાસી જીવણનો દાસી-ભાવ પ્રગટે છે. તાત્ત્વિક દ્રષ્ટિએ, ‘આછા ચીર’ એ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે રહેલા માયાના અત્યંત સૂક્ષ્મ પડદાનો સંકેત છે. ભક્તિના પ્રેમાશ્રુ જ્યારે વહે છે, ત્યારે માયાનો એ પાતળો પડદો પણ ઓગળી જાય છે.  સાધના પરિપક્વ થાય ત્યારે બહારની શોધ પણ બંધ થઈ જાય છે. ‘માવો મારી પાસ છે’ એ અદ્વૈતની અનુભૂતિનો રણકાર છે.

 ઈશ્વર ક્યાંય દૂર નથી, તે તો શ્વાસની પણ નજીક છે. પરંતુ આ આંતરિક હાજરી જાણ્યા પછી પણ પૂર્ણ લય માટે જે તલસાટ જાગે છે, તેના કારણે દાસી જીવણ કહે છે -‘મેં ઘરબાર છોડ્યા રે’. અહીં ઘર એટલે અહંકાર અને બાર એટલે બાહ્ય વાસનાઓ. આ આંતરિક ત્યાગ જ પરમ મિલનનો દ્વાર છે. વાણીના અંતે દાસી જીવણ પોતાની આધ્યાત્મિક સિદ્ધિનો તમામ શ્રેય પોતાના ગુરુ ‘સત ભીમ’ એટલે કે ભીમ સાહેબનાં ચરણોમાં અર્પણ કરે છે. સમર્પણ વિનાની ભક્તિ અધૂરી છે. 

અંતિમ ચરણમાં આવતો શબ્દ ‘લ્હેરમ લ્હેરા’ એ કોઈ ક્ષણિક સુખ નથી, પણ બ્રહ્માનંદના સાગરમાં ઉછળતી મસ્તી છે. જ્યાં વિરહ શમી જાય છે અને કેવળ અખંડ શાંતિનો (અ-5 થાય છે. આજના ભૌતિકવાદી યુગમાં, જ્યારે માણસ શાંતિ માટે બહાર ભટકી રહ્યો છે, ત્યારે દાસી જીવણની આ વાણી આપણને સ્વયંની ભીતર રહેલા ‘પ્રેમ ચંદન’ને ઓળખવાની પ્રેરણા આપે છે.