Tue Jan 27 2026

Logo

White Logo

શરદ જોશી સ્પીકિંગઃ ક્યાંય દેખાય છે વિરોધ પક્ષ?

6 days ago
Author: Mumbai Samachar Team
Video

સંજય છેલ

આ આખી વાત ખોવાયેલી વ્યક્તિની શોધવાની છે. લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે શું તમે આ વ્યક્તિને જોઈ છે? ‘આપણ યા લા પાહિલા કા?’ (એક જમાનામાં મુંબઈ ટી.વી. પર ખોવાયેલી વ્યક્તિ માટે ફોટો બતાવીને જાહેરાત આવતી.) જો કોઈ સારા એવા ચાલતા લોકશાહીવાળા દેશનો વિરોધ પક્ષ એકાએક ગાયબ થઈ જાય તો સમજાય નહીં કે તમે એની ફરિયાદ કયા પોલીસ સ્ટેશનમાં લખાવવાની?

આમ તો આની ફરિયાદ દિલ્હીના જ કોઈ પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ. સામાન્ય રીતે વિરોધ પક્ષ ત્યાં જ જોવા મળે છે. આખા દેશમાં તો એ હોતો નથી. એમના નિવેદનો આપવાની અને જાહેરસભાઓને સંબોધિત કરવાની હદ  મહાનગર સુધી જ મર્યાદિત હોય છે. ત્યાં એ જે બોલે છે એ છાપાના માધ્યમથી નાનાં શહેરો અને ગામડાંઓ સુધી પહોંચી જાય છે. આપણા દેશની જનતા સમજી જાય છે કે વિરોધ પક્ષ સુરક્ષિત છે. જોકે અહીં કેટલાંક ગામડાવાળા એવા પણ હતા જે એવું પૂછતાં જોવા મળ્યા: ‘શું સાહેબ, તમે વિરોધ પક્ષને ક્યાંય જોયો છે?’

મેં એમને સ્વસ્થ લોકશાહીના નામે ઠપકો આપીને કહ્યું, ‘પાપીઓ, તમે વિરોધ પક્ષને વોટ નથી આપ્યો. તો પછી તમને આ સવાલ પૂછવાનો શું નૈતિક અધિકાર છે?’ એ લોકો કહેવા લાગ્યા કે અમે ભલે વોટ ન આપ્યો હોય અને કદાચ ભવિષ્યમાં પણ વોટ નહીં આપીએ, પણ એક અથવા બીજા થોડા વિરોધ પક્ષો દેશમાં હોવા જોઈએ.

એ આ વાત એવી રીતે કહી રહ્યા હતાં કે જાણે લોકશાહીના રાજમહેલની સજાવટનો પ્રશ્ન હોય. થોડા વિરોધ પક્ષો દેશમાં હોવા જોઈએ. એ સારા લાગે અને શોભા આપનાર હોય છે. જો વિરોધ પક્ષ જ નહીં હોય તો લોકો શું કરશે? હાય...આ તે કેવી લોકશાહી છે, જેમની પાસે વિરોધીઓ નથી!

સંશોધનનો વિષય છે કે એક પ્રેમીના દિલની જેમ વિરોધ પક્ષ ક્યાં ખોવાઈ ગયો? ‘અભી અભી યહીં થા કિધર ગયા જી.’ કેટલાક ચમકતા સુંદર ચહેરાઓ હતા જે છાપા કે મેગેઝિનના પહેલાં પાનાં પર ક્યારેક ચિંતિત તો ક્યારેક ઘમંડ દર્શાવતા દેખાતા હતા. કેટલાક નામચીન નેતાઓ પણ હતા. એમનું એક ખાસ કામ રહેતું. જેમ કે-પદયાત્રા કરવી, બજારો બંધ કરાવ્યા, કાળા ઝંડાઓ દેખાડ્યા, સૂત્રોચ્ચાર કર્યા, પગ પછાડ્યા, હડતાલ કરી, નિવેદનોને પડકાર્યા, સભાઓ યોજી, સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો, કોન્ફરન્સ યોજી, ક્યારેક સિદ્ધાંતો પર લડ્યા, ક્યારેક વર્તન પર લડ્યા, મોટાભાગે અંદર અંદર લડ્યા, વગેરે. એ બધાં સારા અને પ્રેમાળ લોકો ક્યાં ગયા?

ગુજરાત હોય કે પંજાબ હોય કે કોઈ પણ રાજ્ય હોય સમસ્યાઓ ઘણી છે પણ સવાલ કરવાવાળા લોકો જ ગાયબ છે. કોણ જાણે ક્યાં ભાગી ગયા? કેટલાક લોકો કહી રહ્યા હતા કે વિરોધ પક્ષ ગમે ત્યાં હોય એમના સભ્યો તો સત્તાધારી પક્ષના દરવાજે દર્શનની રાહ જોઈને બેઠા છે. બધાં શરદ પવાર બની રહ્યા છે. જો એવું થાય તો આખા મામલામાં ગડબડ થઈ જશે. લોકશાહીની આખી સજાવટ બગડી જશે.

એ તો છોડો પહેલાં જે કૉંગ્રેસી લોકો અંદર-અંદર લડીને સરકાર વિરુદ્ધ બોલી નાખતા હતા, એનાથી જ વિપક્ષની મજા આવતી હતી. પણ આજકાલ તો એવું છે કે રાજ્યમાં પત્તું પણ હલે એટલે દિલ્હીમાં હલચલ થઈ જાય. ગમે તે હોય, આપણે વિરોધ પક્ષને શોધવો જોઈએ. આખરમાં એ ગયો ક્યાં?