Thu Jan 29 2026

Logo

White Logo

વિવાદોમાં DGP વાંધાજનક વીડિયો બાદ રામચંદ્ર રાવ સસ્પેન્ડ, પુત્રી પણ સ્મગલિંગમાં સંડોવાયેલી

1 week ago
Author: MayurKumar Patel
Video

બેંગ્લુરુઃ કર્ણાટકના ડીજીપી અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો કથિત વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રામચંદ્ર રાવ કર્ણાટકમાં ડીજીપી (સિવિલ રાઈટ્સ એન્ફોર્સમેન્ટ) ના પદ પર તૈનાત હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં રામચંદ્ર રાવને અલગ અલગ મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવતા જ હડકંપ મચ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે તાત્કાલિક રાવને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. રાવ ગત વર્ષે ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઝડપાયેલી એકટ્રેસ રાન્યા રાવના પિતા છે.

જોકે રામચંદ્ર રાવે કહ્યું કે, આ વીડિયો બોગસ છે. કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરના ઘરની બહાર મીડિયા સાથે વાત કરતા રાવે કહ્યું, હું હેરાન છું. આ વીડિયો સાથે મારે કોઈ લેવા દેવા નથી. આજના સમયમાં કોઈનો પણ આવો વીડિયો બનાવી શકાય છે અને આ મારી છબી ખરાબ કરવાનું કાવતરું છે.

 

મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શું કહ્યું

વિવાદની ગંભીરતાને જોતા મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કડક કાર્યવાહીનો ભરોસો આપ્યો હતો. તેમણે કહ્યું, અમે આ મામલાની તપાસ કરીશું. મને આ વાતની જાણકારી મળી છે. કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. અમે તપાસ કરીશું અને તે બાદ આગળન કાર્યવાહી કરીશું.

ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ કરવામાં આવેલા આઈપીએસ રામચંદ્ર રાવ એક્ટ્રેસ રાન્યા રાવના પિતા છે. રાન્યા રાવની ગત વર્ષે ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ 2025માં તે દુબઈથી પરત ફરી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 14.8 કિલો સોનાની પેસ્ટ મેળી હતી. ધરપકડ બાદ એજન્સીઓ દ્વારા બેંગ્લુરુના લવેલ રોડ સ્થિત દરોડા પાડ્યા હતા અને ત્યાંથી પણ મોટી માત્રામાં સંપત્તિ મળી હતી.