Tue Jan 27 2026

Logo

White Logo

શેરબજારમાં બ્લડબાથ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, રૂપિયો સર્વકાલીન નીચલા સ્તરે...

6 days ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: ભારતીય શેર બજારમાં ચાલી રહેલા ઘટાડા પર આજે બુધવારે પણ બ્રેક ના લાગી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 385 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 81,794 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)  નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 25,141 પર ખુલ્યો. યુએસ ડોલર સામે રૂપિયો 91.07 ના સર્વકાલીન નીચલા સ્તરે ખુલ્યો.

નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, JSW સ્ટીલ અને ONGCના શેરમાં વધારો નોંધાયો, જ્યારે ભારતી એરટેલ, શ્રીરામ ફાઇનાન્સ, એપોલો હોસ્પિટલ્સ, ICICI બેંક અને ઇન્ફોસિસના શેરમાં ઘટાડો નોંધાયો.

ગઈ કાલે મંગળવારે સેન્સેક્સ 1,065.71 પોઈન્ટ (1.28%) ના તોતિંગ ઘટાડા સાથે 82,180.47 પર બંધ થયો. નિફ્ટી 353.00 પોઈન્ટ (1.38%)  ઘટાડા સાથે 25,232.50 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી, માત્ર HDFC બેંકના શેર જ વધારા સાથે બંધ થયા, જ્યારે બાકીની તમામ 29 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા.

યુએસ બજારમાં મોટો ઘટાડો:
ગ્રીનલેન્ડ મુદ્દે યુએસ અને યુરોપ વચ્ચે રાજ્દ્વારીય તણાવ વધી રહ્યો છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  યુરોપના આઠ દેશો પર ટેરિફ ધમકી આપી છે, જેની યુએસ માર્કેટ પર ગંભીર અસર પડી છે, યુએસના ત્રણેય મુખ્ય ઇન્ડેક્સ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઘટાડા સાથે બંધ થયા.ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 870.74 પોઈન્ટ(1.76%)ના ઘટાડા સાથે 48,488.59 પર બંધ થયો, જ્યારે S&P 500 143.15 પોઈન્ટ(2.06%)ના ઘટાડા સાથે 6,796.86 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 561.07 પોઈન્ટ(2.39%)ના ઘટાડા સાથે 22,954.32 પર બંધ થયો.

એનવિડીયા ના શેરના ભાવમાં 4.38%નો મોટો ઘટાડો નોંધાયો, એમેઝોનના શેરના ભાવમાં 3.40%, એપલના શેરના ભાવમાં 3.46%, માઈક્રોસોફ્ટના શેરના ભાવમાં 1.16% અને ટેસ્લા ના શેરના ભાવમાં 4.17%નો ઘટાડો નોંધાયો.

એશીયાન બજારોમાં પણ નિરાશા:
યુએસ માર્કેટમાં થયેલા મોટા ઘટાડાની સીધી અસર આજે બુધવારે એશિયન બજારોના શરૂઆતના કારોબાર પર જોવા મળી રહી છે. શરૂઆતના કરોબારમાં જાપાનના નિક્કી 225માં 1.28% અને ટોપિક્સમાં 1.09%નો ઘટાડો નોંધાયો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.09% અને કોસ્ડેકમાં 2.2%નો ઘટાડો નોંધાયો. 

રોકાણકારો સોના-ચાંદી તરફ વળ્યા:
શેરબજારમાં નિરાશા વચ્ચે રોકાણકારો સોના અને ચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે, જેને કારણે બંને ધાતુના ભાવ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચી ગયા. સોનાના ભાવ 0.8% વધીને $4,806 પ્રતિ ઔંસ થયો, જે એક નવો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે, જ્યારે ચાંદીનો ભાવ 0.4% વધીને $95.01 થયો હતો, જે $95.87 ની રેકોર્ડ સ્તરની નજીક છે.

બ્રેન્ટ ક્રૂડમાં ભાવ ઘટ્યા:
વેનેઝુએલાના ઓઈલ પર યુએસના કબજા બાદ બ્રેન્ટ ક્રૂડમાં ભાવ સતત ઘટી રહ્યા છે. ગઈ કાલે બ્રેન્ટ ક્રૂડમાં ભાવમાં 1.31%ના ઘટાડા સાથે $64.07 પ્રતિ બેરલ થયું, યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 1.21% ઘટીને $59.65 પર પહોંચ્યો હતો.