મુંબઈ: બોલીવુડનો લોકપ્રિય અભિનેતા વરુણ ધવન હાલમાં પોતાની લેટેસ્ટ ફિલ્મ 'બોર્ડર 2' ની સફળતાના કારણે ચર્ચામાં છે, પરંતુ આ વખતે તે કોઈ ફિલ્મી સીન માટે નહીં પણ મેટ્રોમાં કરેલી એક ભૂલના કારણે હેડલાઇન્સમાં આવ્યો છે. તાજેતરમાં વરુણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેમાં તે મુંબઈ મેટ્રોની અંદર કસરત કરતો જોવા મળી રહ્યો છે. પોતાની ફિલ્મોમાં અદભૂત એક્શન કરનાર વરુણ માટે મેટ્રોના કોચમાં કરેલા આ 'પુલ-અપ્સ' હવે વિવાદનું કારણ બન્યા છે અને પ્રશાસને તેની સામે લાલ આંખ કરી છે.
આ ઘટના શનિવારની હોવાનું કહેવાય છે, જ્યારે વરુણ ધવન મુંબઈના ભારે ટ્રાફિકથી બચવા માટે મેટ્રોમાં સફર કરી રહ્યો હતો. તે સમયે તેણે અન્ય મુસાફરોની હાજરીમાં મેટ્રોના લોખંડના હેન્ડલ પકડીને પુલ-અપ્સ કરવાનું શરૂ કર્યું હતું. આ વીડિયો સામે આવતા જ 'મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ' (MMMOCL) એ તેને પોતાના સત્તાવાર એકાઉન્ટ પર શેર કરીને ચેતવણી આપી હતી. મેટ્રો પ્રશાસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ હેન્ડલ્સ મુસાફરોની પકડ માટે છે, લટકવા કે કસરત કરવા માટે નહીં.
મેટ્રો પ્રશાસને સોશિયલ મીડિયા પોસ્ટમાં વરુણને ટેગ કરીને જણાવ્યું કે, મેટ્રો રેલવે એક્ટ 2002 હેઠળ આવી હરકતો ગુનો ગણાય છે. આ નિયમ હેઠળ દંડ અને ગંભીર કિસ્સાઓમાં જેલની સજા પણ થઈ શકે છે. મેટ્રો પ્રશાસનની આ કડક સૂચના બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પણ તંત્રની પ્રશંસા કરી છે. લોકોનું કહેવું છે કે સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, જાહેર પરિવહનના નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ. વરુણ ધવન જેવા યુથ આઈકોને આવી જવાબદારી વગરની હરકત ટાળવી જોઈએ તેવી ચર્ચાઓ પણ તેજ બની છે.
જોકે, વરુણ ધવન માટે વ્યવસાયિક રીતે આ સમય ખૂબ જ સારો ચાલી રહ્યો છે. તેની ફિલ્મ 'બોર્ડર 2' જે 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે, તે બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. સની દેઓલ, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ અત્યાર સુધીમાં 140 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. અનુરાગ સિંહ દ્વારા નિર્મિત આ ફિલ્મ 1997ની ક્લાસિક ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.