(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાના મૅયરપદની લોટરી ગુરુવારે પાર પડી હતી પણ હજી સુધી મુંબઈમાં મૅયરપદ પદે ભાજપ-શિંદેની મહાયુતિમાંથી કોનો ઉમેદવાર બેસશે તે બાબતે નિર્ણય લઈ શકાયો નથી. મૅયરપદને લઈને શિંદેસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે મુંબઈના મૅયર માટે શિંદેસેનાએ ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ને સમર્થન આપવું જોઈએ એવું યુબીટીના વિધાનસભ્યએ જાહેરમાં કહેતા રાજકીય સ્તરે અનેક તર્ક-વિર્તક થઈ રહ્યા છે પણ યુબીટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે આવું કોઈ જોડાણ થવાનું નથી એવી સ્પષ્ટતા કરી હતી.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિમાં ભાજપ ૮૯ તો શિંદે સેના ૨૯ બેઠકો જીત્યા છે. મુંબઈ મહાનગરપાલિકામાં બહુમતી માટે ૧૧૪નું બળ હોવાનું આવશ્યક છે અને મહાયુતિ પાસે તે છે. જોકે મુંબઈના મૅયરપદને લઈને ભાજપ અને શિંદેસેના વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મૅયરપદ અને પહેલા અઢી વર્ષ શિંદેસેનાને મૅયરપદને લઈને ચર્ચા અટવાઈ પડી હોવાનું માનવામાં આવે છે. ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે બહાર આવ્યો છે, છતાં એકલા હાથે તે પોતાનો મેયર બનાવી શકે તેમ નથી, તે એકનાથ શિંદે સારી રીતે જાણ છે. તેથી તેઓ ભાજપને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
ભાજપ સૌથી વધુ સીટ લઈને પણ ઝુકવા તૈયાર નથી. તેથી મૅયરનું કોયડું હજી ઉકેલાયું નથી ત્યાં ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ના વિધાનસભ્ય ભાસ્કર જાધવે શુક્રવારે ઉદ્ધવ ઠાકરેના સેનાનો નગરસેવક મેયર બને અને તેમાં શિંદે સેનાએ સમર્થન આપવું જોઈએ એવું કહીને ખળભળાટ મચાવી દીધો હતો. જો શિંદે પોતાને ખરા અર્થમાં બાળ ઠાકરેની શિવસેનાના વારસ ગણાવતા હોય તો તેમણે પોતાનું માન, સન્માન, અહંકાર બાજુએ રાખીને મુંબઈ મહાનગરપાલિકામાં મૅયરના પદ માટે ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવું જોઈએ.
દિવસભર મૅયરપદને ચાલી રહેલી ચર્ચા અને ભાસ્કર જાધવે શિંદે અને યુબીટીના એક થવા મુદ્દે કરેલા વિધાન સામે યુબીટીના અનેક નેતાઓનો અલગ પ્રતિભાવ રહ્યો હતો. યુબીટીના સાસંદ સંજય રાઉતે કોઈ પણ પરિસ્થિતિમાં મૅયરપદ માટે વિરોધીઓનું સમર્થન લેવામાં આવશે નહીં એવું ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું.નોંધનીય છે છેક નવ વર્ષ માટે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના થયેલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સતત ૨૫ વર્ષ સુધી શાસન કરનારા ઠાકરે પરિવારની સત્તાનો અંત આવ્યો હતો. સંયુક્ત શિવસેના વિભાજન માટે મનસે સાથે યુતિ કરીને ચૂંટણી લડેલી યુબીટી ૬૫ બેઠકો જીતી હતી.