નવીન અભિવ્યક્તિથી સંવેદના પ્રગટાવતા કવયિત્રી કાલિન્દી પરીખ
સર્જકના સથવારે - રમેશ પુરોહિત
ગઝલ એ લય, સૂર અને સુકોમળ ભાવવાનું બીજું નામ છે. ગઝલમાં પ્રિયજન સાથેની વાતચીત હોય છે એટલે પ્રિયતમા મુખ્ય પાત્ર છે. આજના આધુનિક ગઝલ સર્જનના સમયમાં ઉર્દૂ, હિન્દી અને ગુજરાતીમાં ગઝલ કહેનાર મહિલા કવિઓએ પોતાનું સ્થાન અંકે કર્યું છે.
ગુજરાતીમાં અત્યારે ઘણી કવયિત્રીઓ ગઝલ લખે છે તેમાં એક મહત્ત્વનું નામ છે કાલિન્દી પરીખ. એમ કહેવાયું છે કે પરંપરિત ગઝલ સાથે ભાષાનો સૌન્દર્યગત અને સાંસ્કૃતિક સંબંધ છે, જ્યારે નવી ગઝલ સાથે ભાષાનો સર્જનાત્મક સંબંધ છે. નવી ગઝલમાં વિચારોનું પ્રામાણિક નિરૂપણ જોવા મળે છે જ્યાં વાસ્તવિકતાના દર્શન થાય છે. આ સંદર્ભમાં આપણે કાલિન્દી બહેનની ગઝલ સૃષ્ટિને જાણીએ અને માણીએ.
કાલિન્દી પરીખનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘ક્યાંક વચ્ચે દીવાલ’ છે. કલાપી અને રમેશ પારેખ જેવા સમર્થ કવિઓની કર્મભૂમિ અમરેલીમાં તેઓ રહે છે. શિક્ષણ અને સંસ્કારનો ભવ્ય વારસો છે. ડૉ. વસંતભાઈ પરીખના પુત્રી છે. વસંતભાઈ વિદ્વાન સાહિત્યકાર અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા.
કાલિન્દીએ વિજ્ઞાન, કાયદો અને આટર્સમાં માસ્ટર્સ અને પીએચડી કર્યું છે. આમ શૈક્ષણિક અને સાંસ્કૃતિક રીતે સજ્જ એવા આ લેખિકાએ સાહિત્યના દરેક પ્રકારમાં અને અનુવાદમાં નોંધનીય પ્રદાન કર્યું છે.
એમણે નવલકથા, નવલિકા, બાળસાહિત્યમાં પ્રદાન કર્યું છે પણ સાથે સાથે શોધનિબંધો પણ આપ્યા છે. તેમને નવલકથા ‘અંતર્દાહ’ માટે ઈશ્ર્વર પેટલીકર પ્રથમ પુરસ્કાર, ‘વેદોમાં પર્યાવરણ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમી અવૉર્ડ અને અન્ય પારિતોષિકો પ્રાપ્ત થયા છે.
આપણે આજે એમના ગઝલ સર્જનની વાત કરવી છે. ‘ક્યાંક વચ્ચે દીવાલ’ની પ્રસ્તાવનામાં કવિશ્રી અરવિંદ ભટ્ટના નિરીક્ષણોમાં એમના ગઝલપ્રીતિની અને કવિકર્મની નોંધ સુપેરે લેવામાં આવી છે. અરવિંદભાઈના શબ્દોમાં કહીએ તો એમના આ સંગ્રહમાં ગઝલના બાહ્યસ્વરૂપને બરાબર સ્વીકાર્યું છે, જાળવ્યું છે. પ્રેમ અને રોમાન્સના ભાવ પ્રગટ કરવાને બદલે આ કવયિત્રીએ ‘સ્વસ્થ અને સ્થિર મિજાજની ગઝલો આપી છે, શિષ્ટભાવમાં ઘૂંટાતી આવે છે.’
એમની ગઝલોમાં ભાષાની સફાઈ છે, યોગ્ય શબ્દોથી મનોભાવ વ્યક્ત થાય છે અને સુસંસ્કૃત વિચારોની માંડણી છે. ફરીથી અરવિંદભાઈના શબ્દો ટાંકીને કહું છું કે ‘ગઝલમાં નિષ્ઠાપૂર્વક કામ કરવાની સાથોસાથ ગઝલ સ્વરૂપમાં રહેલી શક્યતાઓ તપાસવાનો ઉપક્રમ પણ આ કવયિત્રીનો રહ્યો છે ગઝલમાં પ્રયોગો પણ કર્યા છે.’
કાલિન્દી પાસે ગઝલના પોતને પારખવાની સમજ છે, ગઝલના આત્મસત્ત્વ જેવા અંદાઝેબયાંની સૂઝ છે. આધુનિક ગઝલનું ભાવવિશ્ર્વ બદલાઈ ગયું છે અને ઉપમાની અભિવ્યક્તિની તરાહ પરંપરાથી જુદી પડે છે.
આ કવયિત્રીની ગઝલોમાંથી પસાર થતાં લાગે છે કે લાગણીની તીવ્રતાથી એ વાસ્તવને સંવેદનામાં ઢાળે છે. ચિંતન છે પણ ભાર વગરનું છે. સામાજિક ચેતના અને ચિંતનના પણ દર્શન થાય છે. સર્જનના દરેક સ્વરૂપમાં ખાસિયતો અને મર્યાદાઓ હોય છે. આમ છતાં કવિઓ માટે પ્રેમ વ્યક્ત કરવાનો અભિગમ પરંપરા જેટલો ભાવવાહિ નથી પણ જીવનનો એક અંશ છે - આ વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને આ કવયિત્રીના મને ગમેલા સૌ પ્રથમ ‘ગઝલ’ રદીફમાં લખાયેલી ગઝલના બે શેર કાબિલેદાદ છે તે રજૂ કરું છું:
ઘોર અંધારેથી લાવે છે બહાર,
કોડિયા માફક કરે રોશન ગઝલ
હાથમાં પહેર્યા રદીફ અને કાફિયા,
’ને સતત રણકે બની કંગન ગઝલ
*
એમ લીલાં સ્મરણને કૈં ભૂલવું સહેલું નથી,
સ્વપ્ન થૈને આંખમાં ઉભરાઈ જાય છે જંગલ
*
સોનાની વીંટીમાં એને મઢી રાખજો,
સ્મરણ કોઈનું મોતી જેવું હોઈ શકે.
*
સોનામહોર લાખો લૂંટાવી’તી અમે જ્યાં
હીરો અમૂલ્ય જડિયો થઈને સ્મરણ તમારું
*
ભરીને હું શ્ર્વાસો તમારા સ્મરણમાં
નવી આશ મનમાં જગાવી રહું છું.
*
સ્મરણ તેનું બે ધડી ઓઢી શકો
રેશમી પટકૂળ જેવું હોય છે
*
ના કહ્યું આવો અને ના જાવ એવું પણ કહ્યું
એમની આવી અનોખી મહેરબાની તો જુઓ
*
ચલો તાપીએ દોસ્ત સાથે મળીને
હજુ રાખમાં સળગતા છે તિખારા
*
રાત તેથી તો અધૂરી હતી,
વાત મનમાં તે ઢબૂરી હતી.
*
ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ
અમારે તો અંદરની જહોજલાલી.
*
ના ખોવાતી અંધારામાં
પીડા મારો પડછાયો છે.
*
થાય કેવી રીતે મિલન એનું,
ક્યાંક વચ્ચે દીવાલ રાખે છે
સ્પર્શતા હાથ લાલ થૈ જશે,
હાથમાં તે ગુલાલ રાખે છે
*
ગવાતી શબનમે ગઝલ મયકદામાં
વગર પીધે આ કોણ લથડી રહ્યું છે
*
કોશિશ ખૂબ કરી છે તેને ચાહવાની મેં
હું હક્ક વિનાનું કાંઈ અહીં માગતી નથી.