રાયપુર: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ T20I મેચની સિરીઝની બીજી મેચ આજે શુક્રવારે સાંજે છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. પહેલી મેચમાં જીત મળેવીને ભારતીય ટીમ સિરીઝમાં 1-0 આગળ છે, ભારતીય ટીમ આ લીડને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરશે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ આજની મેચ જીતીને સિરીઝ 1-1ની બરાબરી પર લાવવા ઈચ્છશે.
કેવી રહેશે પીચ?
વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ પહેલા માત્ર એક જ T20I મેચ રમાઈ છે. આ પિચ બેટર્સ માટે વધુ અનુકુળ રહી શકે છે, આજે હાઈ સ્કોરિંગ મેચની આશા છે. જો કે પિચ સ્પિનર્સને મદદ મળી શકે છે.
1 ડિસેમ્બર, 2023 ના રોજ આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સ્પિનર્સ મદદ મળતી દેખાઈ હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યું હતું. ભારતના સ્પિનર્સ અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા. આજે રાયપુરના મેદાનમાં 160-180નો સ્કોર બની શકે છે.
ડિસેમ્બર 2025 માં રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક ODI મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 358 રન બનાવ્યા હતા, પરંતુ દક્ષિણ આફ્રિકાએ આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
વેધર રીપોર્ટ:
આજે સાંજે રાપુરમાં ઝાકળ પાડવાની પૂરી શક્યતા છે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. બીજી ઇનિંગમાં ઝાકળને કારણે બોલર્સને મુશ્કેલી પડી શકે છે અને બેટિંગ પ્રમાણમાં સરળ રહે છે.
આ ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર:
ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20 મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી હતી છતાં, કેટલાક ખેલાડીઓ આશા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતાં. પહેલી મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ સારી લયમાં દેખાયો હતો પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આજે તેની પાસેથી મોટી ઇનિંગની આશા છે.
શુભમન ગિલ બહાર થતા સંજુ સેમસનને ઇનિંગ ઓપન કરવાની તક મળી હતી પણ તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં, તે માત્ર 10 રન બનાવીને આઉટ થયો. તિલક વર્માની ગેરહાજરીમાં ઈશાન કિશનને ત્રીજા ક્રમે રમવાની તક મળી હતી પણ તે તકનો લાભ ઉઠાવી શકાયો નહીં.
વર્લ્ડ કપ નજીક હોવાથી આ ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની આશા છે.