Tue Jan 27 2026

Logo

White Logo

અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં  ચુકાદો, નાઇજીરીયન મહિલાને 7 વર્ષની જેલની સજા

4 days ago
Author: Chandrakant Kanoja
Video

અમરેલી : ગુજરાતના અમરેલીના સાયબર ફ્રોડ કેસમાં  કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જેમાં  ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી 'સરપ્રાઈઝ ગિફ્ટ'ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને કોર્ટે  7 વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત મુજબ જૂન 2023 માં ફરિયાદી પિયુષભાઈ થુંમર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરીયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી. લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી, "Skye Elite Logistics" નામની નકલી કુરિયર સર્વિસના ઈમેઈલ અને વિવિધ મોબાઈલ નંબરો દ્વારા ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કસ્ટમ ડયુટી, ઇન્કમ ટેક્સ અને કરન્સી કન્વર્ઝન જેવા ખોટા બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 14,09,000 પડાવી લેવામાં આવ્યા હતા.

આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા

અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ કેસમાં  ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુનામાં ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ તપાસીને શંકાસ્પદ મોબાઈલ નંબરોના CDR/SDR અને ગૂગલ લોગિન વિગતોના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરાયું. જેમાં ઇન્ટરનેશનલ કનેક્શન બહાર આવ્યું. તપાસમાં ખુલેલું કે આરોપીએ ગુરુગ્રામ (હરિયાણા) ખાતે નકલી પાસપોર્ટ પર ટાટા પ્લે બ્રોડબેન્ડ કનેક્શન મેળવી આ કૌભાંડ આચર્યું હતું. સાયબર ટીમ દ્વારા ગુરુગ્રામથી આરોપીની ધરપકડ કરી, તેની પાસેથી 6 મોબાઈલ ફોન, 1 લેપટોપ અને 2  બોગસ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફોરેન્સિક સાયન્સ લેબ ગાંધીનગરના રિપોર્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરી સાબિત કરવામાં આવ્યું કે આરોપી દ્વારા અપાયેલા તમામ દસ્તાવેજો નકલી હતા.

 7 વર્ષની સાદી કેદ અને દંડ ફટકારાયો 

ત્યારે અમરેલી કોર્ટે  કેસમાં મહત્વનો આદેશ આપ્યો. જેમાં આરોપીને  7 વર્ષની સાદી કેદ અને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં  રજૂ કરાયેલા 11 સાક્ષીઓ અને 142  દસ્તાવેજી પુરાવાઓ તેમજ NCRBના ડેટા સાથેની ધારદાર રજૂઆતના આધારે અદાલતે આ કડક સજા ફટકારી છે.

ગુજરાત પોલીસની કાર્યક્ષમતા

આ અંગે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતની જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા માટે અમારી પોલીસ સજ્જ છે. આ ચુકાદો સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે. ગમે તેટલો શાણો ગુનેગાર હોય, તે પોલીસની નજરથી બચી શકશે નહીં. હરિયાણાથી આરોપીને પકડી લાવી સજા અપાવવી એ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા દર્શાવે છે. અમે નાગરિકોને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ આપવા કટિબદ્ધ છીએ.