મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કડોંમપા)માં સરકાર બનાવવાની ગતિવિધિઓ વેગ પકડી રહી છે, ત્યારે શિવસેના (યુબીટી)એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ગઠબંધનમાં ચૂંટણી લડ્યા બાદ, મનસેએ શિંદે જૂથને ટેકો આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઠાકરે જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન, ઠાકરે જૂથના ચાર કોર્પોરેટરો તૂટી ગયા હોવાની ચર્ચા છે. આવી સ્થિતિમાં, ઠાકરે જૂથ શું ભૂમિકા ભજવશે તેના પર બધાનું ધ્યાન હતું. હવે ઠાકરે જૂથે આ અંગે પોતાનો નિર્ણય જાહેર કરી નાખ્યો છે કે તેઓ વિપક્ષમાં બેસશે.
કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, શિવસેના ઠાકરે જૂથના 11 ઉમેદવારો વિજયી થયા હતા. તેમાંથી ચાર કોર્પોરેટરો ગુમ છે. તેમાંથી બે શિંદે જૂથમાં અને બે મનસેમાં ગયા હોવાનું કહેવાય છે. મહાયુતિએ ઠાકરે જૂથને વિકાસ માટે પણ સાથે આવવા અપીલ કરી હતી. આ પછી, રવિવારે માતોશ્રી ખાતે ઠાકરે જૂથના કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોની બેઠક યોજાઈ હતી.
આ બેઠક પછી, ઠાકરે જૂથના વિધાનસભ્ય વરુણ સરદેસાઈએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે શાસક પક્ષમાં ગયા વિના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવીશું.’ તેઓ ‘માતોશ્રી’ ખાતે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે અને કડોંમપાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની બેઠક બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.આ સમયે, સરદેસાઈએ મનસેના વિધાનસભ્ય રાજુ પાટીલની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ‘સત્તામાં જોડાવા અંગેનો નિર્ણય લેતા પહેલા મનસેએ ઓછામાં ઓછું અમારી સાથે ચર્ચા કરવી જોઈતી હતી, પરંતુ તેમણે તેમ કર્યું નહીં.’
ઠાકરે જૂથના કેટલાક કોર્પોરેટરો સંપર્કમાં નથી તેવી ચર્ચા પર સરદેસાઈએ આક્રમક વલણ અપનાવ્યું છે. "અમારા પ્રતીક પર ચૂંટાયેલા 4 કોર્પોરેટરો હજુ સંપર્કમાં નથી, તેમણે હજુ સુધી નોંધણી કરાવી નથી. અમે તેમની સાથે ફરીથી ચર્ચા કરીશું, પરંતુ જો તેઓ પાછા નહીં ફરે તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું.
Shiv Sena (UBT) Varun Sardesai