અમદાવાદ: શહેરમાં 21 વર્ષ જૂના એડલ્ટ ફિલ્મ કેસમાં 109 પ્રેક્ષકોને નિર્દોષ જાહેર કરાયા હતા. શહેરના એક જાણીતા લેઝર સિનેમામાં રેડ પાડવામાં આવી હતી અને પ્રેક્ષકોને એડલ્ટ ફિલ્મ જોતા ઝડપી પાડવામાં આવ્યા હતો. જોકે પુરાવાના અભાવે 21 વર્ષ બાદ 109 પ્રેક્ષકોને નિર્દોષ જાહેર કરાયા હતા.
શું છે સમગ્ર મામલો
2 જાન્યુઆરી, 2005ના રોજ ઘાટલોડિયા પોલીસે બાતમીના આધારે એક લેઝર સિનેમા પર દરોડો પાડ્યો હતો. પોલીસને શંકા હતી કે ત્યાં અશ્લીલ ફિલ્મ બતાવવામાં આી રહી છે. તે સમયે જે ફિલ્મ ચાલતી હતી તેનું નામ ઉમંગ હતું. જે એક એડલ્ટ ફિલ્મ હતી અને તેને સેન્સર બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી નહોતી કે કોઈ જાતનું લાઇસન્સ પણ અપાયું નહોતું. દરોડા દરમિયાન થિયેટર માલિક અને પ્રોજેક્શનિસ્ટ સહિત 109 પ્રેક્ષકોની બિનપરવાનગી પ્રદર્શન અને અશ્લીલ સામગ્રી જોવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ મામેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વોરંટ છતાં આરોપીઓ નહોતા થતા હાજર
જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ આરોપીઓએ કોર્ટમાં હાજર થવાનું બંધ કરી દીધું હતું. ઓક્ટોબર 2025 માં, મેજિસ્ટ્રેટ દ્વારા વારંવાર સમન્સ અને વોરંટ હોવા છતાં આરોપીઓની લાંબા સમય સુધી ગેરહાજરીને ધ્યાનમાં રાખીને તેમની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પોલીસે પ્રેક્ષકોનો શો બગાડ્યો હતો, તેઓ તપાસકર્તા અને ફરિયાદી તરીકેની ભૂમિકામાં ઓછા ઉત્સાહી દેખાયા હતા.
કોર્ટે શું અવલોકન કર્યું ?
સાક્ષી તરીકે માત્ર બે પોલીસ કોન્સ્ટેબલની તપાસ કરવામાં આવી હતી અને કોઈ સ્વતંત્ર સાક્ષી રજૂ કરવામાં આવ્યા ન હતા. મુખ્ય સાક્ષી - પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.આર. યાદવ, જેમના બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, તેમનું 2010 માં અવસાન થયું હતું. કોર્ટે નોંધ્યું હતું કે સજા કરવા માટે પ્રોસિક્યુશનના પુરાવા અપૂરતા છે. જે બાદ કોર્ટે અવલોકન કર્યું કે, કોઈ સ્વતંત્ર સાક્ષીની તપાસ કરવામાં આવી નથી..આરોપી વ્યક્તિઓને માત્ર પોલીસ સાક્ષીઓની જુબાનીના આધારે દોષિત ઠેરવી શકાય નહીં.
તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે, વર્તમાન કેસ લગભગ 21 વર્ષથી પડતર છે. ચુકાદો જાહેર કરવા માટે આરોપીઓને હાજર રાખવાની પ્રક્રિયાનું પાલન કરવું અર્થહીન છે. આ કેસમાં એવા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી જે આરોપીઓનો ગુનો શંકાની પેલે પાર સાબિત કરી શકે.