સંકલન: સ્મૃતિ શાહ મહેતા
સતત ભાગદોડના આ યુગમાં આપણું જીવન અખંડ હરતું-ફરતું રહે છે. તેમાં શરીરને કયારે અને કયાં શું થઇ જાય, તેનો કોઇ નિર્ધાર નથી. અને તે આફતની વેળાએ આજુબાજુમાં યોગ્ય ચિકિત્સક હોય એવું જવલ્લે જ શકય હોય છે. તે હેતુને ધ્યાનમાં રાખીને જો રોજબરોજ થતાં નાના-મોટા અકસ્માતોના પ્રાથમિક ઉપચારોથી આપણે માહિતગાર હોઇએ, તો તે આપણને તેમ જ આજુબાજુવાળાને બહુ જ ઉપયોગી થઇ શકે છે.
મોટા ભાગે આ અકસ્માતોનું સ્વરૂપ નાનું હોય છે, પરંતુ કયારેક તે આપણા અને બીજાને માટે મૃત્યુની ઘડી લાવી શકે છે. તેવા સમયે જો આપણે ઇમર્જન્સી સારવારના પ્રાથમિક ઉપચારો જાણતા હોઇએ તો તેવી વિકટ પરિસ્થિતિને યોગ્ય દિશા આપી શકીએ છીએ. તેથી આપણે સહુએ આવી ઇમર્જન્સીના પ્રાથમિક ઉપચારો શીખી રાખવા જરૂરી છે. આની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અહીં ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં સર્જાતી ઇમર્જન્સીના પ્રાથમિક ઉપચારો દર્શાવ્યા છે. વધુ તકલીફ જણાય તો તરત જ ચિકિત્સક પાસે પહોંચી યોગ્ય સારવાર કરાવવી...
જખમ- સોજો- મચકોડ
જખમ :
1) સહુ પ્રથમ પાણીથી હાથ ધોવા. જેથી હાથમાં રહેલા જીવાણુનો ચેપ ઘા પર ન લાગે.
2) લોહ નીકળતું અટકાવવું. સામાન્ય જમખમમાં લોહી પોતાની રીતે બંધ થઇ જાય છે, પરંતુ વધુ વાગ્યું હોય તો સ્વચ્છ કપડાં કે પટ્ટી દ્વારા દબાણ આપીને લોહી બંધ કરવાનો પ્રયત્ન કરવો.
3) વધુ વાગ્યું હોય તો જખમને હૃદયથી ઉપર રાખવો. હાથે કે પગે વાગે ત્યારે તેને હૃદયથી ઊંચા રાખવા, જેથી વધુ લોહી ન નીકળે.
4) જખમને સ્વચ્છ પાણીથી ધોવો જીવાણુનાશક સાબુ કે લિક્વિડથી જખમને સાફ કરી શકાય, પરંતુ કેમિકલયુક્ત સાબુ વગેરેથી જખમને કયારેય સાફ ન કરવો. કેમ કે, તેનાથી વધુ ચેપ લાગી શકે છે.
5) વાગેલા જખમ પર આ વસ્તુ લગાવી શકાય. મધ, કુંવારપાઠું, હળદર વગેરે...
6) ચેપ લાગી શકે એવી જગ્યાએ જખમ થયો હોય તો પટ્ટી મારવી અથવા પાટો બાંધી દેવો. વધુ પડતી ફીટ પટ્ટી કે પાટો ન બાંધવો, સામાન્ય જખમ હોય અથવા ચેપ લાગવાની શકયતા ન હોય ત્યાં પટ્ટી કે પાટો બાંધવાની જરૂર નથી.
સાવધાની
* જખમને અમુક સમયે ખુલ્લો રાખવો, જેથી તાજી હવા મળવાથી રૂઝ જલદી આવે.
* જખમ પર બહારના કોઇ પણ કચરા કે ધૂળ વગેરેનો સ્પર્શ ન થાય તેની સાવધાની રાખવી.
* જખમ પર સૂર્યનો વધુ પડતો તડકો ન પડવા દેવો.
* વધુ પ્રમાણમાં પાણી કે પ્રવાહી લેવું, જેથી શરીરમાં કમજોરી કે ચક્કર ન આવે.
* જખમ દરમ્યાન ખટાશવાળા પદાર્થોનું સેવન ન કરવું.
* વધુ જખમ થયો હોય, અમુક સમયે રૂઝ આવતી ન હોય, લાલાશ વધતી જતી હોય અને સોજો આવી ગયો હોય તો ચિકિત્સક પાસે જઇ યોગ્ય સારવાર લેવી.
સોજો-મૂઢમાર
1) વાગવાથી કે મચકોડથી આવેલા સોજા પર હળદર અને મીઠાને પાણીમાં ઉકાળીને લેપ કરવાથી રાહત થાય છે.
2) મીઠું લસોટીને ચોપડવાથી સામાન્ય સોજો ઊતરી જાય છે.
3) તુલસીના પાનને પીસીને લગાડવાથી જંતુના કરડવાના કારણે થયેલો સોજો મટી જાય છે.
4) લવિંગ વાટી તેનો લેપ સોજા પર ચોપડવો.
5) તાંદળજાના પાનનો લેપ કરવો.
6) આંબળીના પાન અને સિંધવમીઠું વાટીને તેનો ગરમ લેપ, સોજા પર કે ઝકડાઇ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.
7) કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરે છે.
8) મૂંઢમાર કે મરડાયેલાં હાડકાં પર આંબલી ને આવળના પાનનો લેપ ગરમ કરી લગાડવાથી સોજો ઊતરે છે.
9) સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.
મચકોડ
1) મચકોડવાળા સ્નાયુને જેટલો વધુ આરામ મળે તેટલી જલદી રાહત થશે. (પગે મચકોડ થયો હોય તો ચાલવું નહીં).
2) બરફને કપડામાં બાંધીને મચકોડવાળા સ્નાયુ પર દિવસમાં 4થી 5 વાર 20-20 મિનિટ સુધી બાંધવો.
3) 2 ચમચી હળદર અને 1 ચમચી લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને તેનું મિશ્રણ કરી મચકોડ ઉપર લગાવી પાટો બાંધવો. પાટો બાંધ્યા પછી પગને ઊંચો રાખવો. જેથી કરીને સોજામાં રાહત થાય.
4) હૂંફાળા દિવેલ કે ઓલિવ ઓઇલનું માલિશ મચકોડ ઉપર કરવું.
મચકોડના ચાર અસરકારક ઉપાય :
1) આરામ કરવો
2) બરફ મૂકવો
3) પાટો બાંધવો
4) હૃદયથી ઊંચો રાખવો